બાળકો પર માતા-પિતાનો હોય એટલો જ હક દાદા-દાદીનો પૌત્ર-પૌત્રી પર: દિલ્હી હાઇકોર્ટ
જર્મનીમાં રહેતી પૌત્રી સાથે દાદા-દાદીને રોજ વિડિયો કોલથી વાત કરાવવા માતાને આદેશ
બાળકીની રાષ્ટ્રીયતા ભારતીય જ રહેવી જોઇએ કેમ કે તેના પિતા ભારતીય નાગરિક છે: હાઇકોર્ટ
Delhi High Court News | દિલ્હીની વડી અદાલતે ચાર વર્ષની માતા સાથે જર્મનીમાં રહેતી પૌત્રી સાથે દાદા-દાદીને રોજ વિડિયો કોલ દ્વારા વાત કરાવવાનો માતાને આદેશ આપતાં જણાવ્યું હતું કે બાળકો પર માતાપિતાનો કે અન્ય સગાંવહાલાંઓનો જેટલો હક હોય એટલો જ હક પૌત્ર કે પૌત્રી પર દાદા-દાદીઓનો હોય છે એટલે તેમના અધિકારોની અવગણના ન કરી શકાય.
અદાલત સામે આવેલાં કેસમાં ચાર વર્ષની બાળકી સાથે લઇ માતા જર્મની જતી રહી હતી. પિતાએ બેટીને અદાલત સમક્ષ રજૂ કરવા માટે હેબિયસ કોર્પ્સ એટલે કે જે તે વ્યક્તિને અદાલત સમક્ષ હાજર કરવાની અરજી કરી હતી. જસ્ટિસ પ્રતિભાસિંહ અને જસ્ટિસ અમિત વર્માની બેન્ચે પિતાની તરફેણમાં પોતાનો ચૂકાદો આપતોં જણાવ્યું હતું કે તેઓ પોતાની પુત્રીને મળવા જર્મની જઇ શકે છે. સાથે સાથે માતાને આદેશ આપવામાં આવ્યો હતો કે તે પૌત્રીની રોજે રોજ દાદા-દાદી સાથે વિડિયો કોલ દ્વારા વાત કરાવે. વળી જ્યારે પણ માતા તેની પુત્રી સાથે ભારત આવે ત્યારે પુત્રી પિતા અને દાદા-દાદી સાથે સમય ગાળશે. બેન્ચે જણાવ્યું હતું કે બાળકીની ઉંમર નાની હોવાથી તેને માતા સાથે રાખવામાં આવે. બાળકીને પિતા કે દાદા-દાદીથી દૂર ન કરવામાં આવતેવી પણ માતાને સૂચના આપવામાં આવી હતી.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે પૌત્ર-પૌત્રી સાથે દાદા-દાદીનો લગાવ તેમના પોતાના સંતાનો કરતાં પણ વધારે હોય છે. જેમ માતાપિતા તેમના બાળકોથી દૂર ન રહી શકે તેમ દાદા-દાદી પણ તેમના પૌત્ર-પૌત્રીથી દૂર રહી શકતાં નથી. આ કારણે તેમના અધિકારોની અવગણના ન થઇ શકે.હાઇકોર્ટની બેન્ચે માતાને બાળકીના દસ્તાવેજોમાંથી પિતાનું નામ ન હટાવવા જણાવ્યું હતું. બાળકી માતા સાથે ભલે રહે પણ તેની રાષ્ટ્રીયતા ભારતીય જ રહેવી જોઇએ કેમ કે તેના પિતા ભારતના નાગરિક છે. પિતા પણ ઇચ્છે ત્યારે તેમની પુત્રીને મળવા માટે જર્મની જઇ શકે છે.