Get The App

'અગ્નિપથ' યોજનાઃ ભરતીમાં આ વર્ષ માટે છૂટ, વયમર્યાદા 21થી વધારીને 23 વર્ષ કરાઈ

Updated: Jun 17th, 2022


Google NewsGoogle News
'અગ્નિપથ' યોજનાઃ ભરતીમાં આ વર્ષ માટે છૂટ, વયમર્યાદા 21થી વધારીને 23 વર્ષ કરાઈ 1 - image


- આ યોજના અંતર્ગત દર વર્ષે આશરે 45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 17 જૂન 2022, શુક્રવાર

કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે સેનામાં ભરતી ન થઈ શક્યા હોય તેવા વયમર્યાદા પાર કરી ચુકેલા યુવાનોને મોટી રાહત આપી છે. આવા યુવાનો હવે 'અગ્નિપથ' યોજના અંતર્ગત સેનામાં ભરતી થઈ શકશે. સરકારે ફક્ત આ વર્ષ માટે 'અગ્નિપથ' યોજના માટે ઈચ્છુક ઉમેદવારોની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો જાહેર કર્યો છે. આ વર્ષ માટે વયમર્યાદા 21થી વધારીને 23 વર્ષ સુધીની કરી દેવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભરતી માટે સરકારે 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની વયમર્યાદા નિર્ધારિત કરેલી હતી. છેલ્લા 2 વર્ષથી સેનામાં ભરતી નહોતી થઈ રહી. આ કારણે સરકારે સેનામાં ભરતી માટેની તૈયારી કરી રહેલા 23 વર્ષ સુધીની ઉંમરના યુવાનોને 'અગ્નિપથ' યોજના અંતર્ગત આ તક આપી છે.  

12મું ધોરણ પાસ ઉમેદવારો ભરતી માટે પાત્ર

સેનામાં ભરતી માટેની નિર્ધારિત શૈક્ષણિક યોગ્યતા પૂર્વવત જ રહેશે. 12મું ધોરણ પાસ ઉમેદવાર ભરતી માટે પાત્ર ગણાશે. ઉમેદવારોની પસંદગી ફિઝિકલ સ્ટાન્ડર્ડ તથા ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટના આધાર પર જ કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ 4 વર્ષ માટે અગ્નિવીર તરીકે સેનામાં સેવા આપી શકશે. 

40 હજાર રૂપિયા સુધીનું વેતન

આ યોજના અંતર્ગત દર વર્ષે આશરે 45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ ભરતીઓ મેરિટ અને મેડિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. પસંદગી પામેલા યુવાનોને 4 વર્ષ માટે સેનામાં સેવા આપવાની તક મળશે. આ 4 વર્ષોમાં અગ્નિવીરોને 6 મહિનાની બેઝિક મિલિટ્રી ટ્રેઈનિંગ આપવામાં આવશે. 

અગ્નિવીરોને પ્રતિમાસ 30થી 40 હજાર રૂપિયાનું વેતન તથા અન્ય ફાયદાઓ આપવામાં આવશે. આ દરમિયાન અગ્નિવીરોને ત્રણેય સેનાઓના સ્થાયી સૈનિકોની માફક એવોર્ડ, મેડલ તથા ઈન્સ્યોરન્સ કવર પણ મળશે. તેમને 48 લાખ રૂપિયાનું વીમા કવર મળશે. 

જો તેઓ સેવા દરમિયાન શહીદ કે દિવ્યાંગ થઈ જશે તો 44 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. બાદમાં 4 વર્ષ પૂર્ણ થાય એટલે 25 ટકા યુવાનોને ફરી સેનામાં વધુ 15 વર્ષ સેવા આપવાની તક મળશે. જે અગ્નિવીરો 4 વર્ષ બાદ બહાર નીકળશે તેમને સેવા નિધિ પેકેજ અંતર્ગત આશરે 12 લાખ રૂપિયાની ટેક્સ ફ્રી એકીકૃત રકમ મળશે. 

4 વર્ષ બાદ મળશે આ પ્રકારની તક

- એવા સવાલો થઈ રહ્યા હતા કે, 4 વર્ષ પૂર્ણ થયા બાદ 25 ટકા અગ્નિવીરોને સ્થાયી કેડરમાં સામેલ કરી દેવામાં આવશે પરંતુ બાકીના 75 ટકા યુવાનો પાસે શું વિકલ્પ રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના કહેવા પ્રમાણે અનેક મંત્રાલયો તથા રાજ્ય સરકારોએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે, તેમના મંત્રાલયો, કોર્પોરેશન્સમાં જો કોઈ ભરતી આવશે તો અગ્નિવીરોને પ્રાથમિકતા આપવામાં આવશે. 

- ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયે આ યોજનામાં 4 વર્ષ પૂરા કરનારા અગ્નિવીરોને CAPFs તથા આસામ રાઈફલ્સમાં ભરતી માટે પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. 

- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવી જાહેરાત કરી હતી કે, અગ્નિપથ યોજના અંતર્ગત સેવાના 4 વર્ષ પૂર્ણ કર્યા બાદ યુપી સરકાર તેમને પોલીસ તથા અન્ય સંબંધીત સેવાઓમાં પ્રાથિકતા આપશે. 

- મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એવી જાહેરાત કરી હતી કે, ભારતીય સેનામાં શોર્ટ ટર્મ એગ્રિમેન્ટના આધાર પર અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાનોને બાદમાં રાજ્ય પોલીસની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. 

- આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, જે લોકો 4 વર્ષ બાદ 'અગ્નિવીર'ની સેવામાંથી પરત ફરશે તેમને આસામ આરોગ્ય નિધિ પહેલમાં પ્રાથમિકતા આપવામાં આવશે. 

 


Google NewsGoogle News