Get The App

સરકારે કહ્યું એક એરબેગની કિંમત 800 રૂપિયા, કંપનીઓ શા માટે 15,000 રૂપિયા વસૂલે છે?

Updated: Aug 8th, 2022


Google NewsGoogle News
સરકારે કહ્યું એક એરબેગની કિંમત 800 રૂપિયા, કંપનીઓ શા માટે 15,000 રૂપિયા વસૂલે છે? 1 - image


- મારૂતિના ચેરમેન આર.સી. ભાર્ગવે જૂન મહિનામાં કહ્યું હતું કે, જો 6 એરબેગ્સ લગાવવામાં આવશે તો તેમની સસ્તી ગાડીઓ મોંઘી થઈ જશે

નવી દિલ્હી, તા. 08 ઓગષ્ટ 2022, સોમવાર

સરકાર ફોર વ્હીલર્સમાં સેફ્ટી ફીચર્સ મામલે ખૂબ જ સક્રિય જણાઈ રહી છે. દેશમાં માર્ગ અકસ્માત દરમિયાન થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે સરકાર એક મહત્વનો નિર્ણય લેવાની છે. ટૂંક સમયમાં જ સરકાર દરેક કારમાં 6 એરબેગ (Air Bag) ફરજિયાત કરી દેવાની છે. આગામી મહિનાઓમાં તે અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. ઓટો કંપનીઓ માટે આ નિયમ ક્યારથી લાગુ થશે તે અંગે સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો. 

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કારમાં 6 એરબેગ ક્યારથી ફરજિયાત કરાશે તેવો સવાલ કર્યો હતો. તેના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સરકાર આ પ્રસ્તાવ અંગે વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેને લાગુ કરવામાં આવશે તેમ કહ્યું હતું. 

એક એરબેગની કિંમત 800 રૂપિયા, કંપનીઓ શા માટે 15,000 રૂપિયા લઈ રહી છે?

નિતિન ગડકરીએ સદનમાં કારમાં લગાવવામાં આવતી એરબેગની કિંમત પણ જણાવી હતી. તેમણે જણાવ્યું કે, એક એરબેગની કિંમત માત્ર 800 રૂપિયા છે તો કંપનીઓ શા માટે તેના 15,000 રૂપિયા લઈ રહી છે? વધુમાં જણાવ્યું હતું કે, એક એરબેગની કિંમત 800 રૂપિયા છે અને 4 એરબેગનો ખર્ચો 3,200 રૂપિયા થાય છે. તેના સાથે અમુક સેન્સર અને સપોર્ટિંગ એસેસરીઝ ઈન્સ્ટોલ કરવામાં આવે તો એરબેગનો ખર્ચો 500 રૂપિયા જેટલો વધી શકે છે. આ હિસાબથી એક એરબેગ લગાવવાનો ખર્ચો 1,300 રૂપિયા અને 4 એરબેગ લગાવવાનો ખર્ચો 5,200 રૂપિયા થાય. તો કંપનીઓ તેનો ખર્ચો 60,000 રૂપિયા શા માટે ગણાવી રહી છે?

મારૂતિના ચેરમેને ગણાવ્યો 60,000 રૂપિયાનો ખર્ચો

મારૂતિના ચેરમેન આર.સી. ભાર્ગવે જૂન મહિનામાં કહ્યું હતું કે, જો 6 એરબેગ્સ લગાવવામાં આવશે તો તેમની સસ્તી ગાડીઓ મોંઘી થઈ જશે. જો નાની ગાડીમાં પણ 6 એરબેગ લગાવવામાં આવે તો તેની કિંમત 60,000 રૂપિયા જેટલી વધી જશે તેમ કહ્યું હતું. 

ગાડીઓમાં પહેલેથી જ 2 એરબેગ આવે છે. વધારાની 4 એરબેગ લગાવવાનો ખર્ચો 60,000 એટલે પ્રતિ એરબેગ 15,000 રૂપિયાનો ખર્ચો આવે. 

ઉલ્લેખનીય છે કે, હાલ કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ ફરજિયાત છે. હવે સરકાર પાછળની સીટ પર બેસનારા પેસેન્જર્સ માટે પણ એરબેગ ફરજિયાત કરવાની છે. 



Google NewsGoogle News