રાજ્યપાલો બિલો લટકાવી વિધાનસભાનું ગળું ના દબાવી શકે
- સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો, બિલો અંગે રાજ્યપાલો માટે ટાઇમલાઇન જાહેર કરી
- તામિલનાડુ સરકારે બે વખત પસાર કરેલા 10 બિલોને લાંબા સમય સુધી કારણ વગર દબાવી રાખવા રાજ્યપાલને ભારે પડયું, સુપ્રીમે ઝાટકણી કાઢી
- રાજ્યપાલ બંધારણના શપથ લે છે, કોઇ રાજકીય પક્ષ તરફથી સંચાલિત ના થવું જોઇએ પણ એક મિત્ર તરીકે કામ કરવું જોઇએ : સુપ્રીમની સલાહ
નવી દિલ્હી : બિનભાજપ શાસિત રાજ્ય તામિલનાડુ, કેરળમાં રાજ્યપાલો દ્વારા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા બિલોને અટકાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે તામિલનાડુની ડીએમકે સરકારની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાથે જ રાજ્યપાલ આર એન રવીએ લટકાવી રાખેલા ૧૦ બિલોને પણ મંજૂરી આપી દીધી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને ફટકાર લગાવતા કહ્યું હતું કે રાજ્યપાલ દ્વારા આ બિલોને લાંબા સમય સુધી અટકાવી રાખવા મનમાનીભર્યું અને ગેરકાયદે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યપાલો માટે બિલોને પોતાની પાસે રાખવા માટેની એક ચોક્કસ ટાઇમલાઇન પણ નક્કી કરી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ આર મહાદેવનની બેંચે કહ્યું હતું કે રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બીલો પર બેઠા રહેવાનો રાજ્યપાલ પાસે વીટો પાવર નથી હોતો. જ્યારે તામિલનાડુ વિધાનસભા દ્વારા ફરી વિચારણા કરવા માટે આ બિલોને રાજ્યપાલને મોકલવામાં આવ્યા ત્યારે જ તેમણે મંજૂરી આપી દેવાની જરૂર હતી, લાંબા સમય સુધી આ બિલોને લટકાવી રાખવાના કોઇ મતલબ નથી રહેતો. સુપ્રીમ કોર્ટે એવી પણ નોંધ લીધી કે જે બિલોને તુરંત જ મંજૂરી મળી જવી જોઇતી હતી તેને વિધાનસભાએ બીજી વખત મોકલવા પડયા. જેને કોઇ જ કારણ વગર રાજ્યપાલે અટકાવી રાખ્યા, રાજ્યપાલના આ નિર્ણય બંધારણના આર્ટિકલ ૨૦૦નું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આજકાલ રાજ્યપાલો દ્વારા બિલોને રોકી લેવાના મામલા વધી રહ્યા છે. આવું કરવું વિધાનસભાનું ગળુ દબાવવા સમાન છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ પાસે બિલોને લઇને ક્યા અધિકારો છે તે અંગે પણ સ્પષ્ટતા કરી દીધી હતી. સુપ્રીમે કહ્યું હતું કે રાજ્યપાલ પાસે કેટલાક વિકલ્પો હોય છે જેમ કે બિલને મંજૂરી આપી દેવી, મંજૂરીને રોકી રાખવી, રાષ્ટ્રપતિ પાસે મોકલવા અથવા ફરી વિચારણા માટે વિધાનસભાને મોકલી આપે. આવી સ્થિતિમાં વિધાનસભા દ્વારા બિલોને ફરી પસાર કરવામાં આવે તો રાજ્યપાલ તેને અટકાવી ના શકે.જોકે તેમ છતા એમ લાગે કે બિલ ગેરબંધારણીય છે તો તેઓ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે. જ્યારે બિલ રાજ્યપાલ પાસે આવે ત્યારે આ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડે. બંધારણના આર્ટિકલ ૨૦૦માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રાજ્યપાલ લાંબા સમય સુધી બિલને દબાવીને ના રાખી શકે.
સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે બંધારણના આર્ટિકલ ૨૦૦માં કોઇ ચોક્કસ સમય મર્યાદા નથી દર્શાવવામાં આવી પરંતુ લાંબા સમય સુધી બિલોને લટકાવી રાખવા માટે આ આર્ટિકલનો ઉપયોગ ના કરી શકાય. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલો માટે એક મહિનાથી લઇને ત્રણ મહિના સુધીની ટાઇમલાઇન નક્કી કરી છે. આ સમયગાળા દરમિયાન વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલા બિલો અંગે રાજ્યપાલોએ નિર્ણય લઇ લેવાનો રહેશે.
રાજ્યપાલનું રાજ્ય સરકાર પ્રત્યેનું વલણ કેવું હોવું જોઇએ તે અંગે પણ સુપ્રીમ કોર્ટે બોધપાઠ આવ્યો હતો, સુપ્રીમે કહ્યું હતું કે રાજ્યપાલે એક મિત્ર, દાર્શનિક અને રાહ દેખાડનારા જેવા હોવા જોઇએ, તેઓ બંધારણના શપથ લે છે, તમારે કોઇ રાજકીય પક્ષ તરફથી સંચાલિત ના રહેવું જોઇએ, તમારે ઉત્પેરક બનવું જોઇએ અવરોધક નહીં. રાજ્યપાલે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ પ્રકારનો અવરોધ પેદા ના થાય.
બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું મુખ્યમંત્રી એમ. કે સ્ટાલિને સ્વાગત કર્યું હતું સાથે જ કહ્યું હતું કે આ ચુકાદો તમામ રાજ્ય સરકારોની જીત છે. આ માત્ર તામિલનાડુ પુરતો ચુકાદો નથી. પરંતુ પુરા દેશની રાજ્ય સરકારો માટે જીત સમાન છે, હવેથી આ બિલોને રાજ્યપાલની મંજૂરી મળી ગઇ છે તેમ માની લેવામાં આવશે. વિધાનસભામાં પસાર કરાયેલા અનેક બિલોને રાજ્યપાલે પરત કરી દીધા હતા, બાદમાં તેને ફરી પસાર કરીને રાજ્યપાલને મોકલવામાં આવ્યા હતા. તેમણે ના તો મંજૂરી આપી ના તો કોઇ કારણ બતાવ્યું. બંધારણ મંજૂબ જ્યારે કોઇ બિલ ફરી પસાર થાય તો રાજ્યપાલે તેને મંજૂરી આપવી પડે પરંતુ તેમણે આવુ ના કર્યું.
તામિલનાડુ અંગે ચુકાદો આપનારી બેન્ચને અમારી અરજી સોંપો : કેરળની સુપ્રીમને અપીલ
નવી દિલ્હી : કેરળ સરકારે સુપ્રીમને વિનંતી કરી છે કે તામિલનાડુના રાજ્યપાલ અંગે સુપ્રીમની જે બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો તે બેંચને કેરળ સરકારની અરજી ટ્રાન્સફર કરવામાં આવે.
કેરળ સરકારના વકીલ કેકે વેણુગોપાલે સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાની બેંચને અપીલ કરી હતી કે અમારી અરજી પણ તામિલનાડુ સરકાર જેવી જ છે. તેથી તેમને ન્યાયાધીશ જે. બી. પારડીવાલાની બેંચને સોંપવામાં આવે કે જેમણે આ ચુકાદો આપ્યો છે. આ બિલોને પસાર કર્યાને બે વર્ષ વીતી ગયા છતા તે રાજ્યપાલ પાસે છે.
જોકે એટર્ની જનરલ આર વેંકટરમણીએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કેરળનો મામલો અલગ છે. બાદમાં મુખ્ય ન્યાયાધીશે આગામી સુનાવણીમાં નિર્ણય લેવાશે તેમ કહીને સુનાવણી ૧૩ મે સુધી મુલતવી રાખી હતી. તામિલનાડુના ૧૦ બિલ પેન્ડિંગ હતા જ્યારે કેરળના સાત બિલ પેન્ડિંગ છે. જે અંગે સુપ્રીમ વહેલા ચુકાદો આપે તેવી શક્યતાઓ છે.
રાજ્યપાલે નવેમ્બર 2023થી બિલો લટકાવી રાખ્યા હતા
નવી દિલ્હી : સુપ્રીમે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યપાલ બિલને રોકે કે રાષ્ટ્રપતિ પાસે મોકલે, તેમણે આ નિર્ણય મંત્રી પરિષદની સલાહના આધારે કરવું જોઇએ, જે માટે તેમની પાસે એક મહિનો રહેશે. જો વિધાનસભા ફરી બિલને પસાર કરીને રાજ્યપાલ પાસે મોકલે તો તેવી સ્થિતિમાં એક મહિનાની અંદર મંજૂરી આપી દેવી પડશે.
તામિલનાડુ સરકારે પસાર કરેલા ૧૦ બિલ રાજ્યપાલે ૧૩ નબેમ્બર, ૨૦૨૩ના રોજ કારણ દર્શાવ્યા વગર વિધાનસભાને મોકલી આપ્યા હતા, અને બે બિલ રાષ્ટ્રપતિને મોકલ્યા હતા, જે બાદ ૧૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ રાજ્ય સરકારે વિશેષ સત્ર દ્વારા આ ૧૦ બિલોને ફરી પસાર કર્યા હતા અને ફરી રાજ્યપાલ પાસે મોકલ્યા હતા જેને આજદિન સુધી મંજૂર નહોતા કરાયા. તેથી બાદમાં રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી જ્યાં તેની જીત થઇ છે. હવે આ બિલોને મંજૂરી મળી ગઇ હોવા તરીકે માનવામાં આવશે.