ગવર્નર પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું- 'બિલો પરત કરવાનો અધિકાર, પણ અટકાવીને ન બેસી શકો'

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ગવર્નર પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું- 'બિલો પરત કરવાનો અધિકાર, પણ અટકાવીને ન બેસી શકો' 1 - image


Image Source: Twitter

- સરકાર અને રાજ્યપાલોએ પરસ્પર ચર્ચા દ્વારા જ તેમની વચ્ચેના વિવાદોનું સમાધાન કરી લેવું જોઈએ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 06 નવેમ્બર 2023, સોમવાર

પંજાબ સરકારે 7 બિલોને અટકાવી રાખવાના આરોપમાં સુપ્રીમ કોર્ટે આજે આકરું વલણ અપનાવતા ગવર્નર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે, શુક્રવાર સુધીમાં તમે એ જણાવો કે, સરકાર દ્વારા આપવામાં આવેલા 7 બિલો પર અત્યાર સુધીમાં તમે શું કાર્યવાહી કરી. આ સાથે જ ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, ગવર્નરે સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યા બાદ જ કામ શરૂ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, સરકાર અને રાજ્યપાલોએ પરસ્પર ચર્ચા દ્વારા જ તેમની વચ્ચેના વિવાદોનું સમાધાન કરી લેવું જોઈએ.

આ ઉપરાંત બેન્ચે કહ્યું કે, ગવર્નરોને ભલે બિલોને પરત કરવાનો અધિકાર છે પરંતુ તેઓ તેને અટકાવીને ન બેસી શકે. બેન્ચે કહ્યું કે ગવર્નર ચૂંટાયેલી સરકારની જેમ નથી અને તેમને સમયાંતરે બિલોને મંજૂર કરવાનો અથવા પરત કરવાનો નિર્ણય લેવો જોઈએ. પંજાબની AAP સરકારે સુપ્રીમ કોર્ટ પહોંચી છે જેમાં તેમણે ગવર્નર બનવારી લાલ પુરોહિત પર આરોપ લગાવ્યો છે કે તેઓ 7 બિલો પર નિર્ણય નથી લઈ રહ્યા જે બિલોને મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા. પંજાબ સરકારે કહ્યું કે જૂનમાં ચાર બિલ મોકલવામાં આવ્યા હતા જ્યારે ત્રણ મની બિલોને સદનમાં લાવવા પહેલા જ મોકલવામાં આવ્યા હતા. 

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે, તમામ રાજ્યપાલોએ આ અંગે વિચાર કરવો જોઈએ. તેઓ ચૂંટાયેલા લોકો નથી. અહીં સુધી કે, મની બીલ રોકવા માટે તો એક સમય મર્યાદા છે. અંતે સત્ર બોલાવવા માટે પણ સરકારોને કોર્ટમાં કેમ આવવું પડે છે? આ એવા મામલા છે જેને મુખ્યમંત્રી અને રાજ્યપાલે સાથે બેસીને સમાધાન કરી લેવું જોઈએ. આ મામલે આગામી સુનાવણી 10 નવેમ્બરના રોજ કોર્ટમાં થશે. ત્યાં સુધી રાજ્યપાલે જણાવવું પડશે કે તેમણે પેન્ડિંગ બિલો અંગે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે.

રાજ્યપાલને કોઈ બિલ સરકારને પરત મોકલવાનો પણ અધિકાર 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યપાલને કોઈ બિલ સરકારને પરત મોકલવાનો પણ અધિકાર છે પરંતુ મામલો કોર્ટ સુધી પહોંચે તે પહેલા રાજ્યપાલે નિર્ણય લેવો જોઈએ. કોર્ટે પંજાબમાં વિધાનસભા સત્ર સતત ચાલુ રહેવા પર પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે આ બંધારણમાં આપવામાં આવેલી જોગવાઈ નથી. તેના પર પંજાબના સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાજ્યપાલે તમામ 7 બિલો પર નિર્ણય લઈ લીધો છે. આ અંગેની માહિતી ટૂંક સમયમાં સરકારને આપવામાં આવશે. રાજ્ય સરકારની દલીલ હતી કે, રાજ્યપાલ બિલને અનિશ્ચિત સમય માટે રોકી શકતા નથી અને બંધારણની કલમ 200 હેઠળ તેમની શક્તિઓ મર્યાદિત છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ રાજ્યપાલનો યૂ-ટર્ન

પંજાબના રાજ્યપાલ દ્વારા પંજાબ વિધાનસભાનું સરકાર દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રને ગેરકાયદેસર જાહેર કરતા અને બિલ પસાર ન કરવા મુદ્દે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાના પંજાબ સરકારના નિર્ણય બાદ રાજ્યપાલનો યૂ-ટર્ન સામે આવ્યો છે. રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને સ્પષ્ટતા આપી હતી કે, તેઓ પંજાબ સરકાર દ્વારા પંજાબના હિતમાં લાવવામાં આવેલા બિલ પર વિચાર કરવા માટે તૈયાર છે.


Google NewsGoogle News