ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલ પર કાર્યવાહી કરનાર IAS અધિકારી સસ્પેન્ડ, જાણો કારણ
રાજ્યપાલ આનંદીબેન પટેલ વતી તેમના સચિવે DMને પત્ર લખી ચેતવણી આપી
Land acquisition case : ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના SDM દ્વારા રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરુધ સમન્સ જાહેર કરી તેને હાજર થવાનો આદેશ બહાર પડ્યો હતો. આ પ્રકારનો આદેશ જાહેર થતા જ ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે આવ્યા પછી રાજ્યપાલ આનંદીબેન પટેલ વતી તેમના સચિવે DMને પત્ર લખી ચેતવણી આપી હતી. એવામાં સરકારે સમન્સ જાહેર કરનાર SDMને સસ્પેન્ડ કર્યા છે.
SDMએ રાજ્યપાલ વિરુધ જાહેર કર્યું સમન્સ
મળતી જાણકારી અનુસાર, બદાયૂં જિલ્લાના SDM દ્વારા કાયદાકીય વ્યવસ્થાઓને અવગણીને રાજ્યપાલ વિરુધ સમન્સ જાહેર કર્યું હતું. જેમાં SDM કોર્ટમાં રાજ્યપાલને હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલો સામે આવતા જ રાજ્યપાલના સચિવે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર મોકલ્યો હતો.
રાજ્યપાલના સચિવે પત્રમાં શું લખ્યું?
રાજ્યપાલના સચિવે DMને પત્ર લખ્યો કે, બંધારણના અનુચ્છેદ 361 મુજબ બંધારણીય પદ વિરુધ કોઈ સરળતાથી નોટિસ અથવા સમન્સ પાઠવી શકે નહીં. આ પત્ર રાજ્યપાલના સચિવ બદ્રીનાથ સિંહ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં બંધારણના અનુચ્છેદ 361નું ઉલ્લંઘન કરવાની વાત કરવામાં આવી અને DMને નિયમાનુસાર સમન્સ જાહેર કરનાર વિરુધ કાયદાકીય કાર્યવાહી કરવાના દિશાનિર્દેશ આપ્યા હતા.
શું હતો મામલો?
બદાયૂં જિલ્લાના લોડા બહેરી ગામના રહેવાસી ચંદ્રહાસે સદર તહસીલના SDM કોર્ટમાં, સંબંધિત પીડબ્લ્યુડી અધિકારીઓ,લેખરાજ અને રાજ્યપાલને વિરોધ પક્ષ તરીકે પક્ષકાર બનાવી અરજી કરી હતી. SDM કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, ચંદ્રહાસની કાકી કટોરી દેવીની સંપત્તિ તેમના એક સંબંધીએ તેમના નામે રજીસ્ટર કરાવી હતી. આ પછી તેને લેખરાજના નામે વેચી દીધી હતી. આ અરજી પર, SDM ન્યાયિક વિનીત કુમારે કોર્ટમાંથી લેખરાજ અને રાજ્યના રાજ્યપાલને 7 ઓક્ટોબરના રોજ રાજ્ય સંહિતાની કલમ 144 હેઠળ સમન્સ પાઠવ્યું હતું, જે 10 ઓક્ટોબરના રોજ રાજભવન પહોંચ્યું હતું. આ સમન્સમાં રાજ્યપાલને 18 ઓક્ટોબરે SDM જ્યુડિશિયલ કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.