સિદ્ધારામૈયા સામે કેસ ચલાવવા રાજ્યપાલની મંજૂરી
- અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના 14 પ્લોટ મુખ્યમંત્રીએ પત્નીને ગેરકાયદે ફાળવ્યાની ફરિયાદ
- કર્ણાટકમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ
- ભાજપે નિમેલા રાજ્યપાલો બિનભાજપ શાસિત રાજ્યોમાં અવરોધો વધારવા કઠપૂતળીની જેમ કામ કરે છે : કોંગ્રેસ
- આ ચારથી પાંચ હજાર કરોડનું કૌભાંડ છે, મુખ્યમંત્રી રાજીનામુ આપે : ભાજપ, સિદ્ધારામૈયાએ આરોપ જુઠા ગણાવ્યા
બેંગલુરુ : કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાની સામે મોટો નિર્ણય લીધો છે. રાજ્યપાલે સિદ્ધારામૈયાની સામે તેમના પરિવાર સાથે સંકળાયેલા એમયુડીએ મામલામાં કેસ ચલાવવાની અનુમતી આપી છે. રાજ્યપાલને બે વ્યક્તિ દ્વારા મળી હતી જેમાં આરોપ લગાવાયો છે કે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમયુડીએ) દ્વારા સિદ્ધારામૈયાના પત્નીને ૧૪ સાઇટો ફાળવવામાં આવી હતી જેમાં કાયદાનું ઉલ્લંઘન થયું છે. આ પહેલા કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારામૈયાને કારણ બતાવો નોટિસ પાઠવી હતી અને સવાલ કર્યો હતો કે તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ ચલાવવાનો આદેશ કેમ આપવામાં ના આવે. જવાબમાં કર્ણાટક કેબિનેટે એવી વિનંતી કરી હતી કે રાજ્યપાલ આ નોટિસ પાછી લઇ લે. કર્ણાટકમાં જમીન ફાળવણી કૌભાંડ ચર્ચામાં રહ્યું હતું. કર્ણાટકના મુખ્યમંત્રીના પત્ની ૨૦૨૧માં ભાજપના કાર્યકાળ દરમિયાન એમયુડીએના લાભાર્થી હતા.
તે સમયે મૈસુરના મુખ્ય સ્થળોમાં ૩૮૨૮૪ વર્ગ ફુટ જમીન તેમને તેમની ૩.૧૬ એકર જમીનના કથિત ગેરકાયદે અધિગ્રહણના વળતર તરીકે ફાળવવામાં આવી હતી. મૈસુરના કેસારે ગામમાં તેમની ૩.૧૬ એકર જમીન તેમના ભાઇ મલ્લિકાર્જુને તેમને ભેટ તરીકે આપી હતી. ભાજપનો દાવો છે કે આ ચારથી પાંચ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે. હાલ રાજ્યપાલે આ મામલે સિદ્ધારામૈયાની સામે કાર્યવાહીના આદેશ આપતા રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભાજપે સિદ્ધારામૈયાના રાજીનામાની માગણી કરી હતી.
કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારે રાજ્યપાલના આ પગલાની આકરી ટીકા કરી હતી અને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે પુરી સરકાર અને પક્ષ સિદ્ધારામૈયાની સાથે છે. જ્યારે સિદ્ધારામૈયાએ કહ્યું હતું કે મે કોઇ જ કાયદાનો ભંગ નથી કર્યો માટે રાજીનામુ આપવાનો સવાલ જ નથી રહેતો. રાજ્યપાલ કેન્દ્ર સરકારની કઠપૂતળીની જેમ કામ કરી રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ભાજપ દ્વારા નિમાયેલા રાજ્યપાલો બિનભાજપ શાસિત રાજ્યો માટે તકલીફો ઉભી કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યપાલ પદેથી થાવરચંદ ગેહલોતને હટાવવાની માગણી સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા.
મારી સામે કાર્યવાહીનો આદેશ ગેરકાયદે, અધિકારો બહારનો : સીએમ
બેંગલુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ રાજ્યપાલના તપાસના આદેશ બાદ કેબિનેટની બેઠક બોલાવી હતી, જે બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે રાજ્યપાલે મારી સામે કાર્યવાહીનો આદેશ આપ્યો છે તે ગેરકાયદે અને તેમના અધિકારો બહારનો છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા ૧૯૮૮ની કલમ ૧૭(એ) માટે એસઓપી જારી કર્યો હતો, રાજ્યપાલે આ એસઓપીને અનુસર્યા વગર કાર્યવાહીના આદેશ આપ્યા, જે ગેરકાયદે અને ગેરબંધારણીય છે. અમે રાજ્યપાલના આ આદેશ સામે કાયદાકીય લડાઇ લડીશું પણ હાર નહીં માનીએ. રાજ્યપાલ કેન્દ્ર અને ભાજપના ઇશારે કર્ણાટકની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કર્ણાટક કેબિનેટ દ્વારા પણ રાજ્યપાલની કાર્યવાહીને વખોડવામાં આવી હતી.