સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સરકારની ચેતવણી, ડીપફેકની ઓળખ કરીને હટાવો, નહીતર થશે કાર્યવાહી
DeepFake : કેન્દ્ર સરકાર ડીપ ફેક મામલે એક્શનમાં આવી છે અને સોશિયલ મીિયા પ્લેટફોર્મ્સને ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે એ વાત પર ભાર આપ્યો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ડીપ ફેક વાળી ખોટી માહિતીઓની ઓળખ કરવી જોઈએ અને તેને હટાવવા જોઈએ, નહીતર કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
હાલમાં એક્ટર અક્ષય કુમાર પણ ડીપફેક સ્કેન્ડલનો શિકાર બન્યા હતા. એક છેડછાડ કરાયેલા વીડિયોમાં અક્ષય કુમારને એક ગેમિંગ એપનો પ્રચાર કરતા બતાવાયા છે, જ્યારે હકિકતમાં એક્ટરે કોઈપણ એવી ગતિવિધિના પ્રચારમાં ભાગ નથી લીધો.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, 'ખોટી માહિતી અને ડીપફેક તે નુકસાનોમાંથી છે જે AIનું પ્રત્યક્ષ પરિણામ છે.'
મંત્રીએ કહ્યું કે, 'આઈટી નિયમ, 2021 સોશિયલ મીડિયા મધ્યસ્થી અને પ્લેફોર્મ્સ સહિત દલાલો પર વિશિષ્ટ કાયદાકીય જવાબદારી નાખે છે, જેથી સુરક્ષિત અને વિશ્વસનીય ઈન્ટરનેટ પ્રત્યે તેમની જવાબદારી નક્કી કરી શકાય. જેમાં ખોટી માહિતી, સ્પષ્ટ રીતે ખોટી માહિતી અને ડીપફેકને હટાવવાની દિશામાં તેમની તાત્કાલિક કાર્યવાહી પણ સામેલ છે.'
આઈટી નિયમ, 2021માં પૂરી પાડવામાં આવેલ કાનૂની જવાબદારીઓનું પાલન કરવામાં પ્લેટફોર્મની નિષ્ફળતાના કિસ્સામાં તેઓ આઈટી એક્ટની કલમ 79 હેઠળ તેમની પોતાની સુરક્ષિત આશ્રય સુરક્ષા ગુમાવે છે અને કોઈપણ કાયદા હેઠળ પ્રદાન કરેલ પરિણામી કાર્યવાહી અથવા કાર્યવાહી માટે જવાબદાર હશે. હાલમાં આઈટી એક્ટ અને ભારતીય દંડ સંહિતા સહિત આઈપીસીની કલમ 469 પણ લાગુ છે.
અગાઉ રશ્મિકા મંદાના, નોરા ફતેહી, કેટરિના કૈફ, કાજોલ અને ક્રિકેટર સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટીઝના ડીપફેક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ચૂક્યા છે.