Get The App

નીટ-યુજી હવે ઓનલાઈન મોડમાં લેવા સરકારની તૈયારી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
નીટ-યુજી હવે ઓનલાઈન મોડમાં લેવા સરકારની તૈયારી 1 - image


- પેપર લીકના વિવાદ વચ્ચે સમિતિ ચર્ચા કરશે 

- નીટ-પીજીની મંગળવાર સુધીમાં જાહેરાતની શક્યતા  યુજીસી-નેટ 25 થી 27 જુલાઈ વચ્ચે યોજાઈ શકે

નવી દિલ્હી : નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થયા બાદ દેશભરમાં અનેક પ્રકારના સવાલ ઊઠી રહ્યા છે. આ મુદ્દે વિદ્યાર્થીઓથી લઈને શૈક્ષણિક સંસ્થાઓ અને વિપક્ષ દેશભરમાં દેખાવો કરી રહ્યા છે. આવા સમયે કેન્દ્ર સરકારે આગામી વર્ષથી નીટ-યુજીની પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવા અંગે વિચારણા હાથ ધરી છે. 

દેશમાં અત્યાર સુધી નીટની પરીક્ષા પેન એન્ડ પેપરથી થાય છે, જેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં નીટ-યુજી માટે પણ આઈઆઈટી, જેઈઈ મેઈન અથવા જેઈઈ એડવાન્સ્ડની જેમ કમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ અપનાવવામાં આવે તેવી શક્યતા છે. નીટ પેપર લીક અંગે આગામી સપ્તાહમાં અંદાજે ત્રણ ઉચ્ચ-સ્તરીય બેઠક થઈ છે, જ્યાં અલગ અલગ પાસાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ૨૨ જૂને ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણનના અધ્યક્ષપદે સાત સભ્યોની પેનલની રચના કરી છે. આ સમિતિ પરીક્ષા પ્રક્રિયા અને ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારાની ભલામણ કરશે અને એનટીએની સંરચના તથા કાર્યપ્રણાલીની સમીક્ષા પણ કરશે.

વર્ષ ૨૦૧૮માં તત્કાલીન શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરે નીટ-યુજી મુદ્દે કહ્યું હતું કે, ૨૦૧૯થી નીટ ઓનલાઈન અને વર્ષમાં બે વખત યોજાશે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે વાંધો ઉઠાવ્યા પછી શિક્ષણ મંત્રાલયે આ નિર્ણય પાછો ખેંચવો પડયો હતો. હવે સૂત્રોનું કહેવું છે કે ઓનલાઈન પરીક્ષા માટે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. 

બીજીબાજુ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન આગામી નીટ-પીજી પરીક્ષા રીશેડયુલ કરવાની તૈયારીમાં છે. આ અંગે નવી તારીખોની જાહેરાત સોમવારે અથવા મંગળવારે કરવામાં આવે તેવી શક્યતા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ નીટ વિવાદના પગલે સ્થગિત કરવામાં આવેલી પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી દીધી છે. જોઈન્ટ સીએસઆઈઆર યુજીસી-એનઈટી હવે ૨૫થી ૨૭ જુલાઈ સુધીમાં યોજાઈ શકે છે. વધુમાં સ્થગિત યુજીસી-નેટની પરીક્ષા ૨૧ ઑગસ્ટથી ૮ સપ્ટેમ્બર વચ્ચે થશે.


Google NewsGoogle News