સરકારનો નિર્ણય : કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ચાર ટકા વધ્યું

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
સરકારનો નિર્ણય : કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ચાર ટકા વધ્યું 1 - image


- રેલવે કર્મચારીઓને 78 દિવસના પગારનું બોનસ

- સરકારી તિજોરી ઉપર રૂ.14,825 કરોડનો પડશે

- કેન્દ્રના 48.67 લાખ કર્મચારીઓ, 67.95 લાખ પેન્શનરને લાભ : રેલવેના ગેઝેટેડ સિવાયના 11 લાખ નોકરિયાતને બોનસ

પહેલી જુલાઈથી અમલ થાય એ રીતે DA અને DRમાં વૃદ્ધિથી રૂ.12,857 કરોડનો બોજ 

- લદ્દાખના 13 ગીગાવોટ સૌરઊર્જા પ્રોજેક્ટ માટે રૂ.20,773 કરોડનો ટ્રાન્સમીશન લાઈનને પણ મંજૂરી

નવી દિલ્હી : દિવાળીના તહેવારો પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરના મોંઘવારી ભથ્થામાં તથા રેલવેના કર્મચારીઓને ૭૮ દિવસના બોનસની જાહેરાત બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે કરી હતી. તા. ૧ જુલાઈ ૨૦૨૩થી અમલમાં આવે એ રીતે મોંઘવારી ભથ્થું ચાર ટકા વધારવામાં આવ્યું છે. વધારાના મોંઘવારી ભથ્થાનો લાભ કેન્દ્રના ૪૮.૬૭ લાખ કર્મચારીઓને અને ૬૭.૯૫ લાખ પેન્શનરને મળશે. આ ઉપરાંત, રેલવેના એક ચોક્કસ વર્ગના ૧૧.૦૭ લાખ કર્મચારીઓને ૭૮ દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી છે. મોંઘવારી ભથ્થું વધતા વાર્ષિક રૂ.૧૨,૮૫૭ કરોડ અને રેલવેના બોનસના કારણે રૂ.૧૯૬૮.૮૭ કરોડનો ખર્ચ થશે સહીત કુલ રૂ.૧૪,૮૨૫ કરોડનો બોજ સરકારી તિજોરી ઉપર આવી પડશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના નિર્ણય ઉપરાંત, ઘઉં અને રાયડા સહિત છ જેટલા શિયાળુ પાકમાં સરકારી ખરીદી માટેના ટેકાના ભાવમાં વૃદ્ધિ અને લદ્દાખમાં વીજ વિતરણ માટેની નવી લાઈન નાખવા માટેના રોકાણનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

કેબીનેટની બેઠક બાદ નિર્ણયો જાહેર કરતા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં વૃદ્ધિ અને સહાય તા.૧ જુલાઈથી અમલમાં આવશે અને તેની ચુકવણી તાકીદે કરવામાં આવશે. ેકેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી સહાય (ડીઆર)માં દર વર્ષે બે વખત ફેરફાર કરવામાં આવે છે. તેનો અમલ દર વર્ષે તા.૧ જાન્યુઆરી અને તા.૧ જુલાઈથી કરવામાં આવે છે. આજે કરવામાં આવેલા ફેરફારના કારણે કેન્દ્રની તિજોરી ઉપર વાર્ષિક રૂ.૧૨,૮૫૭ કરોડનો બોજ આવશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રેલવેની સુધરેલી કામગીરીના આધારે પરફોર્મન્સ બોનસની જાહેરાત કરવામાં આવી છે. આ બોનસ ગેઝેટેડ ઓફિસર સિવાયના રેલવેના ૧૧,૦૭,૩૪૬ કર્મચારીઓને મળશે જેમાં લોકો પાયલોટ, ગાર્ડ, સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, હેલ્પર, ટ્રેકનું સમારકામ કરતા વિવિધ કર્મચારીઓનો સમાવેશ થાય છે જોકે, રેલવે પોલીસના કર્મચારીઓને બોનસનો લાભ મળશે નહી. આ બોનસ કર્મચારીઓને ૭૮ દિવસના પગાર પેટે ચુકવવામાં આવશે અને આ બોનસના કારણે સરકાર ઉપર રૂ.૧૯૬૮.૮૭ કરોડનો ખર્ચ આવી પડશે. રેલવેને ૨૦૨૨-૨૩ના વર્ષ દરમિયાન ૧૫.૦૯ લાખ ટન કાર્ગો અને ૬૫૦ કરોડ મુસાફરોનો ટ્રાફિક હેન્ડલ કર્યો હોવાથી તેમની કામગીરીના આધારે આ બોનસની જાહેરાત કરવામાં આવી છે. 

૧૩ ગીગાવોટ સૂર્ય ઊર્જા ઉત્પન્ન થવાના પ્રોજેક્ટ માટે લદ્દાખની હરિયાણાના કૈથલ સુધી વીજળીનું પરિવહન કરવા માટે રૂ.૨૦,૭૭૩.૭૦ કરોડની ટ્રાન્સમીશન લાઈન નાખવાના પ્રોજેક્ટને પણ આજે મંત્રીમંડળે મંજૂરી આપી હતી. સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાન મોદી લદ્દાખ ખાતે ૭.૫ ગીગાવોટના સોલાર પાવર પાર્ક સ્થાપવાની જાહેરાત કરી હતી. આ પછી રીન્યુએબલ એનર્જી વિભાગે ૧૩ ગીગાવોટ વીજળી ઉત્પાદન અને ૧૨ ગીગાવોટ પ્રતિ કલાકના બેટરી સ્ટોરેજ સીસ્ટમ માટેના પ્રોજેક્ટ સ્થપાવા માટે અભ્યાસ કર્યો હતો. વીજળીના ઉત્પાદન બાદ તેના પરિવહન અને વિતરણ માટે ટ્રાન્સમિશન લાઈનની જરૂર રહે છે તે પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે આજે મંજૂર કર્યો છે એમ મંત્રીએ માહિતી આપતા આજે જણાવ્યું હતું. 

વીજળી ઉત્પાદનનો પ્રોજેક્ટ વર્ષ  ૨૦૨૯-૩૦ સુધીમાં શરુ થાય એવી ધારણા છે તેના માટે ટ્રાન્સમીશન લાઈનના પ્રોજેક્ટનો કોન્ટ્રકટ ખર્ચ ૨૦૨૫માં આપવામાં આવે એવી શક્યતા છે. રૂ.૨૦,૭૭૩.૭૦ કરોડના કુલ ખર્ચ ઉપરાંત સરકાર રૂ.૮,૩૦૯.૪૮ કરોડ કે ૪૦ ટકા નાણાકીય સહાય પણ આપશે એમ મંત્રી ઠાકુરે જણાવ્યું હતું. આ વીજળીની ઉત્પાદન ક્ષમતાનો લાભ લેહ, લદ્દાખ ઉપરાંત, જમ્મુ કાશ્મીર, પંજાબ અને હરિયાણાને મળશે અને તેની ટ્રાન્સમીશન લાઈન નેશનલ ગ્રીડ સાથે પણ જોડી દેવામાં આવશે.


Google NewsGoogle News