દલિતમાંથી ઈસાઈ-મુસ્લિમ બનેલા લોકોની સ્થિતિ જાણવા સરકાર બનાવશે પેનલ
- અરજીકર્તાઓના કહેવા પ્રમાણએ ધર્મ પરિવર્તન કરવાથી સામાજીક બહિષ્કારની સ્થિતિ નથી બદલાતી
નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર
સુપ્રીમ કોર્ટમાં એવી અનેક અરજીઓ પેન્ડિંગ છે જેમાં ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ કે મુસ્લિમ બનનારા દલિત લોકોને અનામતનો લાભ આપવા માટેની માગણી કરવામાં આવેલી છે. આ કારણે કેન્દ્ર સરકાર એક એવું નેશનલ કમિશન રચવા માટે જઈ રહી છે જે ઈસાઈ કે ઈસ્લામમાં ધર્માંતરણ કરનારા અનુસૂચિત જાતિના લોકો અથવા તો દલિતોની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા કરશે.
આ કમિશન એવા અનુસૂચિત જાતિના લોકો અથવા તો દલિતોનો અભ્યાસ કરશે જેમણે હિંદુ, બૌદ્ધ અને શીખ સિવાયના અન્ય ધર્મોને અપનાવ્યા છે. સરકાર હાલ આ પ્રકારનું કમિશન રચવા માટે વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
એક અહેવાલ પ્રમાણે અલ્પસંખ્યક મામલાઓના મંત્રાલય અને કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DOPT)એ આ નિર્ણય માટે લીલી ઝંડી આપી દીધી છે અને ગૃહ, કાયદા, સામાજીક ન્યાય અને અધિકાર તથા નાણા મંત્રાલયો વચ્ચે આ મામલે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે.
ધર્માંતરણ કરનારાઓને અનામત લાભ આપવાની માગણી
સુપ્રીમ કોર્ટમાં એવી અનેક અરજીઓ પેન્ડિંગ છે જેમાં ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ કે મુસ્લિમ બનનારા દલિતોને અનામતનો લાભ આપવાની માગણી કરવામાં આવેલી છે. આ કારણે કમિશન રચવાનું સૂચન ખૂબ મહત્વનું બની રહે છે.
બંધારણીય (અનુસૂચિત જાતિ) આદેશ 1950ના અનુચ્છેદ 341 અંતર્ગત એવું નિર્ધારિત કરવામાં આવેલું છે કે, હિંદુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય ધર્મનું પાલન કરનારા કોઈ પણ વ્યક્તિને અનુસૂચિત જાતિના સદસ્ય ન માની શકાય. જોકે માત્ર હિંદુઓને SCમાં આવરી લેતા આ મૂળ આદેશમાં 1956ના વર્ષમાં શીખોને તથા 1990ના વર્ષમાં બૌદ્ધોને સામેલ કરવા માટે સંશોધન કરવામાં આવ્યું હતું.
ગત 30 ઓગષ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઈસાઈ કે ઈસ્લામ ધર્મ અપનાવનારા દલિતોને અનુસૂચિત જાતિના લોકો સમાન અનામતનો લાભ આપવા માટેની અરજીઓ મામલે પોતાનો મત સ્પષ્ટ કરવા માટે કેન્દ્ર સરકારને 3 સપ્તાહનો સમય આપ્યો હતો.
અરજીકર્તાઓના કહેવા પ્રમાણએ ધર્મ પરિવર્તન કરવાથી સામાજીક બહિષ્કારની સ્થિતિ નથી બદલાતી. આ સ્થિતિ ઈસાઈ ધર્મમાં પણ કાયમ છે, ભલે ધર્મમાં તે માટે મનાઈ કરવામાં આવેલી હોય.