હવે તમે પણ સોશિયલ મીડિયા કંપનીઓ સામે નોંધાવી શકશો FIR... યુઝર્સના હિતમાં સરકારની મોટી તૈયારી
કેન્દ્રીય રાજ્ય મંત્રીએ IT નિયમોનું ઉલ્લંઘન કરતી સોશિયલ મીડિયા કંપનીઓ સામે સકંજો કસવા તૈયારી આરંભી
યુઝર્સો IT નિયમોનું ઉલ્લંઘન હેઠળ પ્રથમ કન્ટેન્ટ શેર કરનાર સોર્સ સામે પણ ફરિયાદ નોંધાવી શકશે
નવી દિલ્હી, તા.24 નવેમ્બર-2023, શુક્રવાર
સરકાર સોશિયલ મીડિયા (Social Media)ના યુઝર્સોના હિતમાં મોટો નિર્ણય લેવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. જો તમને પણ ફરિયાદ હતી કે, તમે સોશિયલ મીડિયા કંપનીઓ સામે FIR નોંધાવી શકતા નથી, તો સરકારે તમારી સમસ્યાનો ઉકેલ લાવવાની તૈયારીઓ આરંભી દીધી છે. જો કોઈ આવી કંપનીઓ આઈટી નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો દેશનો કોઈપણ નાગરિક તે કંપની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી શકશે. સરકાર ટુંક સમયમાં આ સુવિધા આપવા જઈ રહી છે.
IT નિયમો તોડનારાઓ સામે કોઈપણ પ્રકારની દયા રખાશે નહીં
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે (Rajeev Chandrasekhar) જણાવ્યું છે કે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય એક નવું પ્લેટફોર્મ તૈયાર કરશે, જ્યાંથી યુઝર્સો આઈટી નિયમોનું ઉલ્લંઘન કરતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકશે. તેમણે કહ્યું કે, આઈટી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈપણ પ્રકારની દયા રાખવામાં નહીં આવે.
યુઝર્સ સૌપ્રથમ કન્ટેન્ટ શેર કરનાર સોર્સ સામે પણ FIR નોંધાવી શકશે
નવા પ્લેટફોર્મ પર જો કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવશે, ઉપરાંત સૌપ્રથમ કન્ટેન્ટ શેર કરનાર સોર્સની માહિતી આપશે તો તે સોર્સ વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા આઈટી નિયમો હેઠળ પોતાના પ્લેટફોર્મના ઉપયોગની શરતો અપડેટ કરી શકે તે માટે કંપનીઓને 7 દિવસનો સમય અપાયો છે.