યુવાઓને દર મહિને મળશે રૂ.5000, આ નવી યોજના લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર
Image Envato |
Government to Start New internship Scheme : કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે, જેના કારણે યુવાનોને નોકરી મેળવવામાં સરળતા રહેશે. આ યોજના હેઠળ દર મહિને 5000 રૂપિયા સુધી રાહત તરીકે આપવામાં આવશે. આ એક નવી સ્કીમ હશે, જેના માટે માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ ડેવલપ કરવામાં આવ્યું છે. આવો આ યોજના વિશે વિસ્તૃતમાં જાણીએ...
હકીકતમાં વર્ષ 2024ના બજેટમાં આ ઈન્ટર્નશિપ યોજના (Internship Scheme) શરુ કરવામાં આવી હતી. અને હાલમાં તેને શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતના મંત્રાલય (MCA) ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ઈન્ટર્નશિપ યોજનાની વિસ્તૃત માહિતી જાહેર કરશે. આ યોજનાને આવતાં અઠવાડિયે રજૂ કરવામાં આવશે.
શું છે આ યોજના સંબંધિત નિયમો અને શરતો ?
યોજનાનો લાભ મેળવવા માટે યુવાનોએ કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. આ યોજના હેઠળ ઈન્ટર્નની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમજ તેના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. હાલમાં ડિગ્રી કોર્સ કરી રહેલા અથવા નોકરી કરતા ઉમેદવારો આ ઇન્ટર્નશિપ યોજનાનો ભાગ બની શકશે નહીં. જો કે, આ ઉમેદવારો ઓનલાઇન કોર્સ અથવા વ્યાવસાયિક તાલીમમાં જોડાઈ શકે છે.
યોજના હેઠળ શું શું લાભ મળશે?
- આ પ્રોગ્રામમાં યુવાનોને કોર્પોરેટ જગતની જરૂરિયાતો પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવશે, જેથી નોકરીમાં અને રોજગારમાં મદદરૂપ સાબિત થશે. આ યોજના હેઠળ ઘણી મોટી કંપનીઓએ રસ દાખવ્યો છે. કંપનીઓ યુવાનોને તાલીમ આપીને તૈયાર કરશે અને પછી તેમને આ યોજના હેઠળ નોકરી મેળવવામાં સહાયક સાબિત થશે.
- દરેક ઈન્ટર્નને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ યોજના હેઠળ યુવાનોને દર મહિને 5,000 રૂપિયા મળશે. આ માટે કંપનીઓના CSR ફંડમાંથી 500 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 4,500 રૂપિયા સરકાર આપશે.
- આ ઉપરાંત સરકાર દરેક ઈન્ટર્નને 6,000 રૂપિયાની વન ટાઈમ પેમેન્ટ પણ કરશે.
કંપનીઓ ઉઠાવશે ખર્ચ
ઈન્ટર્નશીપ યોજના હેઠળ તાલીમનો નાણાકીય ખર્ચ કંપનીઓ ઉઠાવશે. જો કે, યુવાનોએ ત્યાં રહેવા અને ખાવાનો ખર્ચ ઉઠાવવો પડશે, જે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય દ્વારા આવરી લેવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીઓ અને યુવાનો વચ્ચે એક ચેઈન ઉભી કરવાનો છે, જેથી લોકોને સરળતાથી નોકરી મળી શકે અને કંપનીઓને સારી કુશળતા ધરાવતા કર્મચારીઓ મળી શકે.