સાયબર ફ્રોડની 17 હજાર FIR પછી સરકારનો સપાટો, છ લાખ મોબાઈલ બંધ અને 65 હજાર URL બ્લોક
Government Action Against Cyber Fraud: સાયબર ફ્રોડને કાબુમાં રાખવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયના સાયબર વિંગ I4Cએ સાયબર ક્રાઇમ મામલે 17 હજાર ફરિયાદ મળતાં છ લાખ મોબાઈલ ફોન અને 65 હજાર જેટલી શંકાસ્પદ યુઆરએલ (URL) બ્લોક કરી દીધી છે. આ સિવાય 800 જેટલી મોબાઈલ એપ પણ બંધ કરી દેવાઈ છે.
નોંધનીય છે કે, વર્ષ 2023માં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (એનસીઆરપી) પર એક લાખથી વધુ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમને લગતી ફરિયાદો મળી છે અને દેશભરમાં 17 હજારથી વધુ FIR નોંધાઈ છે. આ ઉપરાંત જાન્યુઆરી 2024થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ડિજિટલ એરેસ્ટની છ હજાર, ટ્રેડિંગ સ્કેમની 20,043, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 અને ડેટિંગ ચીટિંગની 1725 ફરિયાદ મળી છે.
I4Cએ સાયબર ક્રાઇમ વિરૂદ્ધ શું કાર્યવાહી કરી?
1. પાછલા 4 મહિનામાં 3.25 લાખ ફ્રોડ કરનારા એકાઉન્ટના ડેબિટ ફ્રિઝ કર્યા.
2. સાયબર ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 3401 સોશિયલ મીડિયા એકાઉન્ટ, વેબસાઇટ તેમજ વ્હોટ્સએપ ગ્રુપ બંધ કરાયા.
3. પાછલા કેટલાક વર્ષોમાં સાયબર ફ્રોડના કિસ્સામાં 2800 કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા.
4. ગૃહ મંત્રાલય દ્વારા 8 લાખ 50 હજાર સાયબર ફ્રોડના પીડિતોને બચાવાયા.
આ પણ વાંચોઃ ‘ભાજપ સત્તામાં આવશે તો...’ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે 30 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
સાયબર ક્રાઇમ સામે લડવા શું પગલાં લીધા?
1. દેશભરમાં સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા મામલાઓને સંભાળવા માટે રાષ્ટ્રીય સ્તરે કો-ઓર્ડિનેશન સેન્ટર બનાવવું.
2. સાયબર ક્રાઇમ સાથે જોડાયેલી ફરિયાદો સરળતાથી નોંધાવવા મદદ કરવી.
3. સાયબર ક્રાઇમ રોકવા કેન્દ્રીય એજન્સીઓને મદદ કરવી.
4. સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ અને પેટર્નની ઓળખ કરવી.
5. લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવા દિશા-નિર્દેશ જાહેર કરવા.
6. ફેક ડિજિટલ પ્લેટફોર્મ્સની ઓળખ કરી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવી.
7. ડિજિટલ અરેસ્ટ પર એલર્ટ જારી કરવા અને રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસને સૂચના આપવી.
8. સાયબર કમાન્ડોની ટ્રેનિંગ, આગામી પાંચ વર્ષોમાં 5 હજાર સાયબર કમાન્ડોની ટ્રેનિંગ આપી તૈયાર કરવા.
આ પણ વાંચોઃ પુલવામા હુમલામાં સામેલ આરોપીનું હાર્ટ એટેકેથી મોત, આતંકીઓને ઘરમાં આશરો આપ્યો હતો
શું છે સાયબર વિંગ I4C?
I4C વિંગની સ્થાપના 5 ઓક્ટોબર, 2018 ના રોજ ગૃહ મંત્રાલયના સાયબર અને સૂચના સુરક્ષા વિભાગ અંતર્ગત કરવામાં આવી હતી. જેનું પ્રાથમિક ઉદ્દેશ્ય દેશભરમાં સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓના ઉકેલ માટે રાષ્ટ્રીય સ્તરે કો-ઓર્ડિનેશન સેન્ટર સ્થાપિત કરવાનું છે. આ સેન્ટર તમામ રાજ્યોના કંટ્રોલ રૂમ સાથે જોડાઇને હાઇ પ્રાયોરિટી કેસની મોનિટરિંગ કરે છે. આ વિંગમાં પેરા મિલિટ્રી ફોર્સ અને સ્ટેટ પોલીસના જવાનોને નિયુક્ત કરવામાં આવ્યા છે.