ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મીઓને સરકારનો ઝટકો, આઠમા પગાર પંચ અંગે રાજ્યસભામાં આપ્યો જવાબ
સરકાર સમક્ષ આઠમાં પગાર પંચની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી : નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી
8th Pay Commission : આઠમાં પગાર પંચની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારે ઝટકો આપ્યો છે. આ અંગે રાજ્યસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછાયેલ સવાલના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી (Pankaj Chaudhary)એ કહ્યું કે, સરકાર સમક્ષ આવો કોઈપણ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.
આઠમા પગાર પંચની રચના અંગે નાણા રાજ્યમંત્રીએ શું કહ્યું?
રાજ્યસભાના સભ્ય રામનાથ ઠાકુરે (Ram Nath Thakur) નાણા રાજ્યમંત્રીને પ્રશ્ન કર્યો કે, ‘સાતમા પગાર પંચના પેરા 1.22 અંગે વિચાર ન કરવો અને તેને મંજૂરી ન આપવાનું ફાઈલમાં શું કારણ દર્શાવાયું છે?‘ જેના જવાબમાં પંકજ ચૌધરીએ કહ્યું કે, ‘કેન્દ્રીય કેબિનેટે સાતમા પગાર પંચના આધારે પગાર અને ભથ્થાંના સુધારાને મંજૂરી આપતી વખતે આ બાબત પર વિચાર કર્યો નથી.’
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થવાનો રસ્તો સાફ થાય તે માટે સાતમા પગાર પંચના અહેવાલના પેરા 1.22માં પાંચ વર્ષ બાદ ફિટમેન્ટ ફેક્ટરની સમીક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે સરકાર કરી રહી નથી.
‘સરકાર સમક્ષ આઠમાં પગાર પંચની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી’
શું આઠમા પગાર પંચની રચના એટલા માટે નથી થઈ રહી કે, સરકાર પગાર પંચનો બોજ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નથી? વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનો દાવો કરતી સરકાર છેલ્લા 30 વર્ષથી મોંઘવારીનો સામનો કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓના પગારની સમીક્ષા કરવા માટે આઠમા પગાર પંચની રચના કેમ નથી કરતી? તેવા પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે, ‘સરકાર સમક્ષ આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.’
અગાઉ 2014માં સાતમા પગાર પંચની રચના કરાઈ હતી
ઉલ્લેખનિય છે કે, મોંઘવારીને ધ્યાને રાખી કેન્દ્રીય કર્મચારીઓ સરકાર સમક્ષ આઠમા પગાર પંચ રચવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનધારકના પેન્શનમાં વધારો કરવા માટે સરકાર દર 10 વર્ષ બાદ નવા પગાર પંચની રચના કરે છે. પગાર પંચને અહેવાલ અને ભલામણ જમા કરવા માટે 18 મહિનાનો સમય અપાય છે. 2014માં સાતમા પગાર પંચની રચના કરાઈ હતી અને તેની ભલામણોને એક જાન્યુઆરી 2016થી લાગુ કરાઈ હતી.