દિવ્યાંગો અને દૃષ્ટિહીનના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, અનામત અને પદ અંગે જાહેર કરી માર્ગદર્શિકા
Government Rolls Out New Guidelines for Disability : કેન્દ્ર સરકારે દિવ્યાંગો તેમજ દૃષ્ટિહીન લોકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે 40 ટકાથી વધુ વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત અને પોસ્ટ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. આદેશ મુજબ સમયાંતરે આવી પોસ્ટની ઓળખ અને મુલ્યાંકન કરવા માટે સમિતિઓની રચના કરવાનું ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત સરકારે દૃષ્ટિહીન, ચાલવા-ફરવામાં અક્ષમ, સાંભળવામાં સમસ્યા અને બૌદ્ધિક રીતે વિકલાંગ સહિત વિવિધ શ્રેણીઓમાં સીધી ભરતી અને બઢતીમાં ચાર ટકા અનામતની જોગવાઈ પણ કરી છે.
કેન્દ્ર સરકારે કયા કારણોસર આ નિર્ણય લીધો ?
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ, જો કોઈ પદ વિકલાંગ વ્યક્તિઓ માટે યોગ્ય મનાશે તો તેમના બાદ બઢતીવાળા તમામ પદ વિકલાંગ વ્યક્તિઓ માટે આરક્ષિત રહેશે. આ દિશા-નિર્દેશ વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ-2016 અનુસાર છે. દિલ્હી હાઈકોર્ટે વિકલાંગ વ્યક્તિઓના અધિકારો (RPWD) એક્ટ-2016ના અમલીકરણમાં વિસંગતતાઓની ઓળખ કર્યા બાદ અને પોસ્ટની ઓળખમાં અનધિકૃત કાર્યવાહી માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) જેવી સંસ્થાઓની ટીકા કર્યા બાદ આ પગલું ભર્યું છે.
ત્રણ વર્ષમાં વ્યાપક સમીક્ષા જરૂરી
દિલ્હી હાઈકોર્ટે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ (DEPWD)ને પણ માર્ગદર્શિકા બનાવવાનો આદેશ આપ્યો. નવી માર્દર્શિકાનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની સંસ્થાઓમાં વિકલાંગ વ્યક્તિઓના રોજગારમાં સમાવેશીતા, નિષ્પક્ષતા અને એકરૂપતા સુનિશ્ચિત કરવાનો છે. આ મુજબ તકનીકી પ્રગતિ અને નવી નોકરીની આવશ્યકતાઓને સમાવવા માટે દર ત્રણ વર્ષે ઓળખમાં આવેલા પદની વ્યાપક સમીક્ષા કરવી જરૂરી છે. માર્ગદર્શિકામાં પેન્ડિંગ જગ્યાઓ સમયસર ભરવા, વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા અને અનામત નીતિઓમાંથી મુક્તિ માટે ત્રણ વર્ષની માન્યતા અવધિ પર પણ ભાર મૂકાયો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પરાજય બાદ MVAમાં ડખાં શરૂ! કોંગ્રેસે ઠાકરે-પવાર પર લગાવ્યા આક્ષેપ