સરહદની સુરક્ષા અંગે સરકારનો મોટો નિર્ણય, ભારત-મ્યાનમારની 1643 કિમી સરહદ પર વાડ લગાવાશે
સરહદ પર વિશેષ ધ્યાન આપવા પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે
મણિપુરમાં 20 કિલોમીટર સુધી વાડ લગાવવાને મંજૂરી અપાઈ
India-Myanmar Border : વિદેશી તાકાતોએ હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ બગાડી હોવાના દાવા વચ્ચે કેન્દ્ર સરકારે સરહદની સુરક્ષા અંગે મોટો નિર્ણય કર્યો છે. સરકારે ભારત-મ્યાનમારની લાંબી સરહદ પર વાડ લગાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) દ્વારા આ નિર્ણય લેવાયો છે.
ભારત-મ્યાનમારની 1643 કિમીની લાંબી સરહદ પર વાડ લગાવાશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, મોદી સરકાર દેશની સરહદોને અભેદ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે, તેથી સરકાર ભારત અને મ્યાનમારની 1643 કિલોમીટર લાંબી સરહદને વાડથી બાંધવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરહદ પર વિશેષ ધ્યાન આપવા પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે.
મણિપુરમાં 20 કિલોમીટર સુધી વાડ લગાવવાને મંજૂરી અપાઈ
તેમણે કહ્યું કે, સરહદની કુલ લંબાઈમાંથી મણિપુર સ્થિત મોરેહમાં 10 કિલોમીટર સુધી વાડ લગાવાઈ છે. આ ઉપરાંત હાઈબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા વાડ લગાવવાના પાયલોટ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. અરૂણાચલ પ્રદેશ અને મણિપુરમાં પ્રત્યેક એક કિલોમીટરની અંતરે વાડ લગાવવામાં આવશે. મણિપુરમાં લગભગ 20 કિલોમીટર સુધી વાડ લગાવવાને મંજૂરી પણ આપી દેવાઈ છે અને કામ પણ ટુંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.