Get The App

ટીબી, અસ્થમા જેવા રોગોની સારવારમાં વપરાતી મહત્ત્વની દવાઓના ભાવમાં 50%નો વધારો

ભારત સરકારનો મોટો નિર્ણય, પ્રજાને ફરી મોંઘવારીનો ડામ

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
ટીબી, અસ્થમા જેવા રોગોની સારવારમાં વપરાતી મહત્ત્વની દવાઓના ભાવમાં 50%નો વધારો 1 - image


Government of India hiked prices of essential medicines by up to 50 percent  : ધ નેશનલ ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર-એનપીપીએ- દ્વારા અસ્થમા, ગ્લુકોમા, થેલેસેમિયા, ટયુબરક્યુલોસિસ-ટીબી અને માનસિક બિમારીના ઇલાજમાં વપરાતી આઠ દવાઓની સિલિંગ પ્રાઇસમાં 50 ટકા સુધીનો વધારો કર્યો છે. આઠ ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં આઠ દવાઓના અગિયાર ફોર્મ્યુલેશન્સની સિલિંગ પ્રાઇસમાં વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાનું સરકારે એક નિવેદન બહાર પાડી જણાવ્યું હતું. આ મોટાભાગની દવાઓ સસ્તા દરની છે અને સામાન્ય રીતે દેશના જાહેર આરોગ્ય કાર્યક્રમોમાં આ દવાઓનો સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવે છે. 

સરકારે જણાવ્યું હતું કે એનપીપીએને દવાઓના ઉત્પાદકો તરફથી ભાવ વધારવાની વિનંતીઓ કરાઇ હતી. દવામાં વપરાતાં ઘટક દ્રવ્યોના ભાવમાં થયેલાં વધારો, ઉંચો ઉત્પાદન ખર્ચ અને વિદેશી હુંડિયામણના દરોમાં થયેલાં વધારા જેવા વિવિધ કારણોસર આ દવાઓનું ઉત્પાદન અને માર્કેટિંગ કરવાનું મુશ્કેલ બની ગયું હતું. કંપનીઓએ કેટલાક ફોર્મ્યુલેશન ઉપલબ્ધ  ન હોવાથી તે બંધ કરવા માટે જણાવ્યું હતું. આ દવાઓનો પુરવઠો સતત મળતો રહે તે હેતુથી જાહેર હિતમાં ભાવમાં 50 ટકાનો વધારો મંજૂર કરાયો છે તેમ એનપીપીએ જણાવ્યું હતું. એનપીપીએ દ્વારા અગાઉ 2019માં 21 ફોર્મ્યુલેશન્સ અને 2021માં નવ ફોર્મ્યુલેશન્સના ભાવોમાં 50 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી હતી. 

ભારતમાં સરકાર ધ ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર -ડીપીસીઓ- 2013 હેઠળ દવાઓના ભાવોનું નિયંત્રણ કરે છે. જીવનાવશ્યક દવાઓ અથવા શેડયુલ્ડ ફોર્મ્યુલેશન્સની એક મહત્તમ કિંમત નક્કી કરવામાં આવે છે જેને સિલિંગ પ્રાઇસ કહેવામાં આવે છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવતાં વ્હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આધારે દર વર્ષે આ સિલિંગ પ્રાઇસમાં વધારો કરવામાં આવે છે. 

કઇ દવાઓના ભાવ વધશે? 

* વિવિધ બેક્ટેરિયલ ચેપના ઇલાજમાં વપરાતા બેન્ઝિલ પેનિસિલિનના દસ લાખ આઇયુ ઇન્જેકશનના ભાવો વધશે.

* હ્ય્દયના ધીમાં ધબકારાં-બ્રેડિકાર્ડિયા-ના ઇલાજમાં વપરાતાં એટ્રોપાઇન ઇન્જેક્શન 06.એમજી/એમએલના ભાવ વધશે. 

* ટીબીની સારવારમાં વપરાતા સ્ટ્રેપ્ટોમાઇસિન પાવડરના 750 અને 1000 એમજીના ઇન્જેકશનના ભાવ વધશે. 

* અસ્થમા તથા શ્વાસોચ્છવાસની અન્ય બિમારીઓના ઇલાજમાં વપરાતી 2 અને 4 એમજીની સાલબુટામોલ ટેબ્લેટ તથા પાંચ એમજી/ એમએલના રેસ્પિટરેટર સોલ્યુશનના ભાવ વધશે. 

* ગ્લુકોમાની સારવારમાં વપરાતાપિલોકાર્પિન બે ટકા ડ્રોપ્સના ભાવ વધશે. 

* બેકટેરિયાના ચેપની સારવારમાં વપરાતી 500 એમજીની સેફાડ્રોક્સિલ ટેબલેટના ભાવ વધશે.

* એનિમિયા અને થેલેસેમિયાની સારવારમાં વપરાતા 500 એમજીના ડેસફેરોક્સામિન ઇન્જેકશનના ભાવ વધશે.

* માનસિક બિમારીઓની સારવારમાં વપરાતી 500 એમજીની લિથિયમ ટેબ્લેટના ભાવ વધશે. 


Google NewsGoogle News