તહેવારોની સિઝનમાં સરકારનો રાહતભર્યો નિર્ણય : ઘઉં કરતા સસ્તા ભાવે વેચશે ભારત લોટ, જાણો કિંમત
સરકારે ઘઉંની વધતી કિંમતોના કારણે લોટના ભાવમાં ઉછાળાને ધ્યાને રાખી ભારત બ્રાન્ડ લોટ સસ્તા ભાવે વેચવાનો નિર્ણય કર્યો
સરકાર નાફેડ અને NCCF દ્વારા સસ્તા ભાવે ભારત બ્રાન્ડ લોટનું વિતરણ કરશે, ઉપરાંત મોબાઈલ વાનથી પણ સેવા પુરી પાડશે
નવી દિલ્હી, તા.06 નવેમ્બર-2023, સોમવાર
Bharat Atta Sale : કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનને તેમજ વધતી જતી ઘઉંની કિંમતોના કારણે લોટના ભાવમાં ઉછાળાને ધ્યાને રાખી લોકોને મોટી રાહત આપી છે. સરકારે સામાન્ય લોકોને સસ્તા ભાવે લોટ વેચવાનો નિર્ણય કર્યો છે. સરકારે ગ્રાહકોને પ્રતિ કિલો 27.50ની કિંમતે ભારત લોટ (Bharat Brand Atta) વેચવાની જાહેરાત કરી છે.
સરકાર સસ્તા ભાવે વેચશે લોટ
ભારત બ્રાન્ડ નામથી લોટનું વિતરણ કરવા અંગે કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) રાજધાનીના કર્તવ્ય પથ પર 100 મોબાઈલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. ભારત લોટ 27.50 રૂપિયે વેચવામાં આવશે. આ મોબાઈલ વાનમાં ઉપરાંત કેન્દ્રીય ભંડારમાંથી પણ લોટ ખરીદી શકાશે. ઉપરાંત સરકારની એજન્સી NAFED અને NCCF પણ સસ્તા ભાવે લોટનું વિતરણ કરશે. એવું મનાઈ રહ્યું છે કે, ભારત આટા સસ્તી કિંમતે વેચવાથી ગ્રાહકોને તહેવારની સિઝનમાં રાહત મળશે. ઉપરાંત લોટની વધતી જતી કિંમતો પર પણ અંકુશ મુકી શકાશે.
ભારત બ્રાન્ડ લોટની કિંમત રૂ.27.50
સરકારે ઘઉંના વધતા ભાવોને ધ્યાને રાખી 2.5 લાખ ટન ઘઉંનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઘઉંની પ્રતિકિલો 21.50 રૂપિયા કિંમત નિર્ધારીત કરાઈ છે. કેન્દ્રીય ભંડાર, એનસીસીએફ અને નાફેડ જેવી એજન્સીઓ ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ આ ઘઉંનું વિતરણ કરશે અને આ ઘઉંમાંથી લોટ બનાવી ભારત બ્રાન્ડ લોટના નામે પ્રતિકિલો 27.50 રૂપિયાની કિંમતે ગ્રાહકોને વિતરણ કરશે.
સરકાર દ્વારા બફર સ્ટોકમાંથી ઘઉંનું વેચાણ
રિટેલ માર્કેટમાં ઘઉંની કિંમતમાં વધારો થયા બાદ સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ માર્ચ-2024 સુધીમાં પોતાના સ્ટોકમાંથી 101.5 લાખ ટન ઘઉં વેચવાનો નિર્ણય કર્યો છે. ગત વર્ષે સરકારે 57 લાખ ટન ઘઉનું વેચાણ કર્યું હતું. જો જરૂર પડશે સરકાર માર્ચ 2024 સુધી વધુ 25 લાખ ટન ઘઉં માર્કેટમાં વેચી શકે છે.