અદાણી મુદ્દે ચર્ચા નથી કરવા માંગતી સરકાર: જ્યોર્જ સોરોસ મુદ્દે પ્રિયંકા ગાંધીનો જવાબ
Priyanka Gandhi on George Soros: સંસદમાં અદાણી અને જ્યોર્જ સોરોસ મુદ્દે હોબાળો ચાલી રહ્યો છે. એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓ અદાણી અને સંભલ હિંસા મુદ્દે ચર્ચાની માગને લઈને હોબાળો કરી રહી છે તો બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી સત્તારુઢ પાર્ટીએ પણ જ્યોર્જ સોરોસ મુદ્દાને લઈને વિપક્ષ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. સંસદમાં જ્યોર્જ સોરોસ મુદ્દે ચાલી રહેલા હોબાળા વચ્ચે કોંગ્રેસના લોકસભા સદસ્ય પ્રિયંકા ગાંધીનું નિવેદન આવ્યું છે.
સોરોસ મુદ્દો 1994નો છે જેનો કોઈની પાસે કોઈ રૅકોર્ડ નથી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'સોરોસ મુદ્દો 1994નો છે જેનો કોઈની પાસે કોઈ રેકોર્ડ નથી. તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે અને શા માટે વાત કરી રહ્યા છે તે કોઈને ખબર નથી. તેમણે કહ્યું કે તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે, તે માત્ર એટલા માટે કરી રહ્યા છે કારણ કે, તેઓ અદાણી પર ચર્ચા કરવા નથી માગતા. તેઓ જાણે છે કે લાંચ લેવામાં આવી છે. તેઓ જાણે છે કે લોકો વીજળીના મોટા બીલથી પરેશાન છે. તેઓ જાણે છે કે તેમની પાસે આનો કોઈ જવાબ નથી. તેમણે લાંચ લીધી છે.'
આ પણ વાંચો: મારી સાથે ભાજપના દિગ્ગજ નેતા પણ હતા: સોરોસ સાથે મુલાકાતના આરોપ પર થરૂરનો જવાબ
સરકાર અદાણી મુદ્દે ચર્ચા કરવા નથી માગતી
પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે, અમે ગૃહ ચલાવવા માંગીએ છીએ પરંતુ સરકાર અદાણી મુદ્દે ચર્ચા કરવા નથી માગતી. એટલા માટે તેઓ છુપાઈ રહ્યા છે જેથી ગૃહ ન ચાલે અને તેમને જવાબ ન આપવો પડે. આ પહેલા લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જ્યોર્જ સોરોસનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, કોંગ્રેસનો તેમની સાથે શું સંબંધ છે? શુક્રવારે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરતાં પહેલા ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ જ્યોર્જ સોરોસના મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને 10 સવાલો પૂછ્યા હતા. સોરોસ મુદ્દે રાજ્યસભામાં બે દિવસથી હોબાળો ચાલુ છે.