Get The App

સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે અદાણી મુદ્દે હંગામો, વિપક્ષનો કેન્દ્ર સરકાર પર કર્યો ગંભીર આક્ષેપ

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે અદાણી મુદ્દે હંગામો, વિપક્ષનો કેન્દ્ર સરકાર પર કર્યો ગંભીર આક્ષેપ 1 - image


Government does not want debate on Adani issue : સંસદના શિયાળુ સત્રની શરૂઆત થતાની સાથે જ તમામ  નેતાઓ તરફથી આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. આ સંદર્ભમાં સોમવારે વિપક્ષી નેતાઓએ કહ્યું હતું કે, સરકાર અદાણી મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા નથી ઇચ્છતી. સંસદના બંને ગૃહોમાં કામકાજ સ્થગિત કરીને આ મુદ્દે ચર્ચાની માંગ વચ્ચે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

અદાણી મુદ્દે આપવામાં આવી હતી સ્થગિત નોટીસ 

આજે સોમવારે વિરોધ પક્ષોના નેતાઓએ લાંચના આરોપમાં અદાણી જૂથના સ્થાપક અધ્યક્ષ ગૌતમ અદાણી અને અન્ય પર યુએસ કોર્ટમાં કાર્યવાહી કરવાના મુદ્દે ચર્ચા કરવા માટે સ્થગિત રાખવાની નોટિસ આપી હતી. પરંતુ સંસદના બંને ગૃહોમાં સ્પીકરે ચર્ચા કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો અને કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. 

આ પણ વાંચો : અદાણી ગ્રૂપને વધુ એક ઝટકો, અદાણીની કંપનીઓમાં નવું રોકાણ નહીં કરવાની ફ્રાન્સની કંપનીની જાહેરાત

'આરોપ અદાણી પર છે, પણ દુ: ખ ભાજપ અનુભવે છે'

રાજ્યસભામાં વિપક્ષના નાયબ નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે, ગઇકાલે સર્વપક્ષીય બેઠકમાં સમગ્ર વિપક્ષે અદાણી જૂથ સામેના લાંચના આરોપો પર ચર્ચા કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આરોપ અદાણી પર છે, પણ દુ: ખ ભાજપ અનુભવે છે.  કોંગ્રેસ સાંસદે કહ્યું કે, મોટાભાગના પક્ષોએ આ મુદ્દે ચર્ચા  કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ વિપક્ષના નેતાએ વાંધો ઉઠાવ્યો હતો કે, આવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ રહી નથી. જેના કારણે ગૃહની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. 

કોંગ્રેસ સાંસદે વધુમાં વાત કરતાં કહ્યું કે, મને એ નથી સમજાતું કે ગૃહને સ્થગિત કરવાને બદલે તેઓ તેના પર ચર્ચા કરી શક્યા હોત. એટલે તેના પરથી ખ્યાલ આવે છે કે, સરકાર અદાણી મુદ્દે કોઈ જાહેર ચર્ચા થાય તેવું નથી ઈચ્છતી. અમે આ મુદ્દો નથી ઉઠાવી રહ્યા, આ મુદ્દો ન્યાય વિભાગ (અમેરિકા) દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. એટલે તેના પરથી ખ્યાલ આવે છે કે, કાંઈક ગડબડ તો છે જ. 

અદાણી મુદ્દે ચર્ચા કરવામાં તેઓ ખૂબ ડરે છે:  વેણુગોપાલ

કોંગ્રેસ લોકસભા સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, "તેઓ અદાણી મુદ્દે ચર્ચા કરતા ખૂબ ડરી રહ્યા છે. આ મુદ્દે વિપક્ષનો એક શબ્દ પણ સાંભળવા તૈયાર નથી. એક સેકન્ડમાં તેમણે ગૃહને સ્થગિત કરી દીધું. કારણ કે, તેઓ આ મુદ્દો ઉઠાવતા ડરે છે.  પરંતુ વિપક્ષ પોતાનું આ આંદોલન ચાલુ રાખશે. 

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે,"ગૃહની કામગીરી સુનિશ્ચિત કરવા માટે બંને પક્ષોએ સહયોગ આપવો જરુરી છે." તો તિરુવનંતપુરમના લોકસભા સભ્યએ કહ્યું કે, "તમામ વિપક્ષી દળો આ મુદ્દે ચર્ચા કરવા માંગે છે, પરંતુ સરકાર તૈયાર નથી. આ અંગે બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં ચર્ચા થવી જોઈએ. હકીકતમાં આ મુદ્દે સંસદની કાર્યવાહી ચલાવવા માટે બધાને સાથે લેવો જોઈએ, દરેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ."

મોદી સરકાર સંસદને ચાલવા નથી દેતી :  AAP

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે કહ્યું કે, "અદાણી પર ગંભીર આરોપો લાગેલા છે, અને તેના પર ખરેખર ચર્ચા થવી જોઈએ. પરંતુ, મોદી સરકાર સંસદને ચાલવા નથી દેતી. અમે અદાણીના ભ્રષ્ટાચાર પર ચર્ચા કરવા માંગીએ છીએ. જેના કારણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ખરાબ થઈ રહ્યું છે."

તેમણે આરોપ લગાવ્યો કે, અદાણીએ મોદી સરકારના અધિકારીઓને લાંચ આપી અને ભારતના લોકોને મોંઘી વીજળી વેચી, તેના પર અમે ચર્ચા કરવા માંગીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સ્પર્ધાત્મક બોલી હોવી જોઈએ. સરકાર ચર્ચાથી ભાગી રહી છે.

આ પણ વાંચો : VIDEO: વૈષ્ણો દેવી રોપવે પ્રોજેક્ટનો હિંસક વિરોધ, પોલીસ પર પથ્થમારો, CRPFના વાહનમાં તોડફોડ



અદાણી ગ્રુપ સામે ભ્રષ્ટાચાર, લાંચનો આરોપ: ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે વાત કરતાં કહ્યું કે, "સંસદમાં અમે નિયમ 267 હેઠળ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. અદાણી ગ્રુપ સામે ભ્રષ્ટાચાર, લાંચ અને નાણાકીય ગેરરીતિઓના ગંભીર આરોપો છે. અમે તેને ગૃહ સમક્ષ રજૂ કરવા માગીએ છીએ. અમે રાજ્યસભાના અધ્યક્ષ, વડાપ્રધાન અને અન્ય પ્રધાનોને પણ તે સ્પષ્ટ કરવા માગીએ છીએ. અમે આ મુદ્દાઓ તેમની સમક્ષ મુકીએ છીએ...વડાપ્રધાન મોદી જ્યાં પણ જાય છે, ત્યાં આ એક ગ્રુપને કોન્ટ્રાક્ટ મળે છે. મારી પાસે એવા સ્થળોની લાંબી યાદી છે કે, જ્યાં વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી છે અને કયા કયા સ્થળોએ તેમને કયા કોન્ટ્રાક્ટ મળ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે ગૃહમાં તેના પર ચર્ચા થાય."

અમેરિકન પ્રોસિક્યુટર્સે અદાણી સામે લગાવ્યા આરોપ

તમને જણાવી દઈએ કે, યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી પર સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને યુએસ $250 મિલિયન (આશરે રૂ. 2,100 કરોડ)થી વધુની લાંચ આપવાની યોજનાનો ભાગ હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, અદાણી ગ્રુપે આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે.


Google NewsGoogle News