FACT CHECK: અગ્નિપથ યોજના ફેરફારો સાથે ફરીથી શરૂ થવાના સમાચાર ખોટા, કેન્દ્રની સ્પષ્ટતા
Agneepath Scheme Fake News: સરકારે અગ્નિપથ યોજનાને ફેરફારો સાથે ફરીથી શરૂ કરવાના સમાચારને નકારી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર ફરતા આવા મેસેજને સરકારે ફેક ગણાવતા સ્પષ્ટતા કરી છે કે, અગ્નિપથ યોજનાને લઈને હજુ સુધી આવા કોઈ નિર્ણય લેવાયા નથી.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના એક્સ હેન્ડલ પર સ્પષ્ટતા કરાઈ છે કે ‘એક ફેક વોટ્સએપ મેસેજમાં દાવો કરાયો છે કે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરીને ઘણાં ફેરફારો કરાયા છે. હવે તે ‘સૈનિક સન્માન યોજના' તરીકે ફરીથી શરૂ કરાઈ છે. હવે અગ્નિપથ યોજનામાં સેવાનો સમય ચાર વર્ષથી વધારીને સાત વર્ષ કરાયો છે. અગાઉ 25 ટકા સ્ટાફ કાયમી કરાતો હતો, પરંતુ હવે 60 ટકા સ્ટાફ કાયમી કરાશે. આ સિવાય અગ્નિવીરોની આવક પણ વધારાઈ છે. જો કે આવા કોઈ નિર્ણય લીધા નથી. આ સમાચાર ખોટા છે.'
વિપક્ષે અગ્નિપથ યોજનાને લઈને સવાલો ઉઠાવ્યા
વિપક્ષ શરૂઆતથી જ અગ્નિપથ યોજનાની ટીકા કરી રહ્યો છે, તેણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આક્રમક રીતે તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસે વચન આપ્યું હતું કે જો તે કેન્દ્રમાં સત્તા પર આવશે તો આ યોજનાને બંધ કરી દેશે. અગ્નિપથ યોજના એ ‘ટુર ઑફ ડ્યુટી સ્ટાઈલ" સ્કીમ છે, જે સશસ્ત્ર દળોની ત્રણેય સેવાઓમાં માત્ર કમિશન્ડ ઓફિસર્સના રેન્કથી નીચેના સૈનિકોની ચાર વર્ષની ભરતી માટે સપ્ટેમ્બર 2022માં લાગુ કરવામાં આવી હતી.