ચૂંટણીના નિયમોમાં સરકારે કર્યા મોટા ફેરબદલ: ઈલેક્ટ્રોનિક રેકૉર્ડ નહીં માંગી શકે પ્રજા
Changes in election rules : ચૂંટણીને લઈને કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો જેવા કે CCTV કૅમેરા અને વેબકાસ્ટિંગ ફૂટેજ તેમજ ઉમેદવારોના વિડિયો રેકોર્ડિંગના જાહેર નિરીક્ષણને રોકવા માટે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેથી કરીને તેનો દુરુપયોગ રોકી શકાય. ચૂંટણી પંચ (EC)ની ભલામણના આધારે કેન્દ્રીય કાયદા મંત્રાલયે શુક્રવારે ચૂંટણી સંચાલન નિયમ 1961 ના નિયમ 93(2)(A) માં સુધારો કર્યો છે. જેથી હવે જાહેર નિરીક્ષણ માટે ખુલ્લા કાગળો અથવા દસ્તાવેજોના પ્રકારને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. હવેથી ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો જનતા માટે ઉપલબ્ધ રહેશે નહીં.
નવા નિયમો લાવવાની કેમ જરૂર પડી?
નિયમ 93 મુજબ ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો જાહેર નિરીક્ષણ માટે ખુલ્લા રહેશે. કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચના અધિકારીઓ કહ્યું હતું કે, એક કોર્ટ કેસ આ સુધારા કરવા પાછળનું કારણ હતું. આ અંગે ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, હકીકતમાં ઉમેદવાર પહેલાથી જ તમામ દસ્તાવેજો અને કાગળોને જોઈ શકે છે. આ અંગેના નિયમોમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. આ અસ્પષ્ટતાને દૂર કરવા અને મતદાન મથકની અંદર CCTV ફૂટેજનો દુરુપયોગ અટકાવવા માટે અને તેની સાથે મતદાનની ગુપ્તતાના ઉલ્લંઘન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરી કોઈ વ્યક્તિ દ્વારા મતદાન મથકની અંદર CCTV ફૂટેજના સંભવિત દુરુપયોગના ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને આ નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.
ચૂંટણીમાં ગોપનીયતા રાખવી ખુબ મહત્ત્વપૂર્ણ
સૂત્રએ વધુમાં કહ્યું હતું કે, ચૂંટણી પંચનું માનવું છે કે, CCTV ફૂટેજ શેર કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર, નક્સલ પ્રભાવિત વિસ્તારો જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં ગોપનીયતા રાખવી ખુબ મહત્ત્વપૂર્ણ હોય છે. મતદારોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જો કે, બીજા ચૂંટણીના તમામ કાગળો અને દસ્તાવેજો જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ રહેશે.
પહેલા થતો હતો નિયમનો દુરુપયોગ
નવા સુધારા અંગે ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યું હતું કે, 'એવા ઘણાં કિસ્સાઓ સામે આવ્યા હતા કે, જેમાં નિયમોને ટાંકીને આવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ માંગવામાં આવ્યા હોય. આ સુધારા એ વાતને સુનિશ્ચિત કરે છે કે, નિયમોમાં ઉલ્લેખિત દસ્તાવેજોને જ જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને અન્ય કોઈ દસ્તાવેજો કે જેમાં કોઈ સંદર્ભ નથી તેને જાહેર નિરીક્ષણ માટે રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.'