પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ
Pahalgam Attack | જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે આ ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી.
આતંકવાદીઓની શોધમાં સેના અને પોલીસ બંને સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. હવે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાની પોલીસે પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનારાઓ માટે મોટા ઈનામની જાહેરાત કરી છે.
જાણો કેટલું ઈનામ મળશે?
અનંતનાગ પોલીસે એક પોસ્ટર બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના પહેલગામના બૈસરનમાં પ્રવાસીઓ પર થયેલા કાયર આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.