સરકાર-વિપક્ષ વચ્ચેની મડાગાંઠનો અંત આજથી સંસદ સુચારુ રીતે ચાલશે : રિજિજુ
- બંધારણ અંગે લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થશે
- અદાણી, સંભલ હિંસા, મણિપુર મુદ્દે ચર્ચાથી ભાગતી સરકાર સંસદ ચાલે તેમ ઇચ્છતી નથી : કોંગ્રેસનો આક્ષેપ
- સંસદના નિયમની અંદર રહીને વિપક્ષને દરેક મુદ્દા ઉઠાવવાની છૂટ હોવાની સ્પીકર ઓમ બિરલાની ખાતરી
નવી દિલ્હી : સરકાર અને વિપક્ષના નેતાઓ સોમવારે અઠવાડિયાતી ચાલતી મડાગાંઠ ઉકેલવામાં સફળ રહ્યા છે. આના પગલે મંગળવારથી સંસદીય કાર્યવાહી રાબેતા મુજબ ચાલશે આ ઉપરાંત બંધારણ સ્વીકાર્યાના ૭૫ વર્ષ થયા તેના નિમિત્તે પણલોકસભા અને રાજ્યસભામાં ચર્ચા કરવામાં આવનાર છે. નીચલા ગૃહમાં ૧૩ અને ૧૪ ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થશે અને ઉપલા ગૃહમાં ૧૬ અને ૧૭ ડિસેમ્બરે ચર્ચા થશે.
વિપક્ષે માંગ કરી હતી કે સંસદના બંને ગૃહો બંધારણી ધારાસભાએ રચેલા બધારણના સ્વીકારમી ૭૫મી તિથિની ઉજવણી કરે. રિજિજુએ પત્રકારોને જણાવ્યું હતું કે મંગળવારથી ગૃહ રાબેતા મુજબ ચાલશ, બંને ગૃહોમાં લિસ્ટેડ બાબતો પર ચર્ચા થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભા અને રાજ્યસભા મંગળવારથી સુચારુ રીતે ચાલશે.
બેક ચેનલ સંવાદના પગલે સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠ ઉકેલી શકાઈ હતી. સરકાર સાથેની બેઠકમાં કોંગ્રેસના ગૌરવ ગોગોઈ, ડીએમકેના ટીઆર બાલુ અને ટીએમસીના કલ્યાણ બેનરજીએ ભાગ લીધો હતો. સરકાર તરફથી રિજિજુ અને અર્જુન ેમેઘવાલે ભાગ લીધો હતો.
વિપક્ષ દ્વારા સંભલ હિંસા અને મણિપુરમાં અશાંતિનો મુદ્દો ઉઠાવાયો તે અંગે રિજિજુએ જણાવ્યું હતું કે સંસદના સ્પીકર બિરલાએ સ્પષ્ટ કરી દીધું છે કે નિયમોની અંદર રહીને કોઈપણ મુદ્દે ઉઠાવી શકાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીને સંભલ હિંસાનો મુદ્દો અને ટીએમસીને શેખ હસીના સરકારના વિસ્થાપનના પગલે બાંગ્લાદેશી હિંદુઓનો મુદ્દો ઉઠાવવાની છૂટ મળી શકે છે. કોંગ્રેસ અદાણી ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણી સામે યુએસ પ્રોસીક્યુટરોએ કરેલા કેસનો મુદ્દો સતત ઉઠાવતી રહી છે. વિપક્ષે સંભલ હિંસા અને મણિપુરમાં અશાંતિ અંગે સતત વિરોધ ઉઠાવ્યો છે અને તેના લીધે ૨૫ નવેમ્બરથી અત્યાર સુધી સંસદીય કાર્યવાહી સ્થગિત રહી છે.
જો કે વિપક્ષ ટીએમસીએ અદાણીના મુદ્દાને કોંગ્રેસ જેટલું પ્રાધાન્ય આપ્યું ન હતું. તેના બદલે તેણે બેરોજગારી, ભાવવધારો અને કેન્દ્ર દ્વારા વિપક્ષી રાજ્યોને ભંડોળ ફાળવણીમાં અન્યાયના આરોપ સહિતના મુદ્દા પર ચર્ચાની માંગ કરી હતી. ટીએમસીએ ઇન્ડિયા બ્લોકની સંસદીય સત્ર માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવાની બેઠકમાં પણ ભાગ લીધો ન હતો.
આ પહેલાં કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે સરકાર પોતે જ સંસદ સુચારુ રીતે ચાલે તેમ ઇચ્છતી નથી અને તેથી તે અદાણી સામે કેસ, સંભલ હિંસા અને મણિપુરમાં અશાંતિ મુદ્દે ચર્ચા ટાળી રહી છે.