નકલી IPS બનીને કરી સગાઈ, દોઢ વર્ષ સુધી રોફ જમાવ્યો, એક નાનકડી ભૂલ અને ભાંડો ફૂટ્યો
ગામમાં અને સમાજમાં રોફ જમાવવા માટે એક 24 વર્ષીય યુવક નકલી આઈપીએસ બન્યો હતો.
સર્કિટ હાઉસના મેનેજર સામે એક ભૂલ કરી હતી, તે ભૂલ તેને ભારે પડી
Image Twitter |
રાજસ્થાનના ઉદયપુરમાં નકલી આઈપીએસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 24 વર્ષનો આ યુવકે ફક્ત રોફ જમાવવા આ કાંડ કર્યો હતો. નકલી આઈપીએસ બનીને તેણે ગામ-સમાજમાં તો ઠીક, પોલીસ અધિકારીઓમાં પણ ખૂબ માન સન્માન મેળવ્યું હતું. આ દરમિયાન તેની સગાઈ પણ થઈ ગઈ હતી. પરંતુ ગત શનિવારના રોજ ઉદયપુર પોલીસે આ નકલી આઈપીએસની ધરપકડ કરી હતી. જેમાં બાનસૂરનો આ યુવક છેલ્લા દોઢ વર્ષથી નકલી આઈપીએસ બનીને લોકોને બેવકુફ બનાવી રહ્યો હતો. પરંતુ તેની એક નાની ભૂલના કારણે તેની પોલ ખૂલી ગઈ હતી.
સર્કિટ હાઉસના મેનેજર સામે એક ભૂલ કરી હતી, તે ભૂલ તેને ભારે પડી
રિપોર્ટ પ્રમાણે, જ્યારે તે તેના સગા- સંબંધી અને સમાજના પદાધિકારીઓ સાથે ઉદયપુર ફરવા ગયો હતો અને ત્યા તેણે સર્કિટ હાઉસમાં રુમ બુક કરાવ્યો હતો. ત્યારે તેણે સર્કિટ હાઉસના મેનેજર સામે એક ભૂલ કરી હતી તે ભૂલ તેને ભારે પડી ગઈ.
હકીકતમાં બન્યું એવું કે, સર્કિટ હાઉસના સ્ટાફે તેને આઈપીએસ ઓફિસર તરીકે સલામી આપી હતી, તો તેના જવાબમાં સુનિલ સાંખલાએ પણ સામે સલામી આપી હતી. તેથી સર્કિટ હાઉસના મેનેજરને તેના પર શંકા જતા તેમણે તરત ઉદયપુર પોલીસને બોલાવી લીધી હતી. પોલીસે આવીને તેને સલામી આપવાનું કહ્યું ત્યારે તેને ઉલટા હાથે સલામી આપી. આ નાની ભૂલના કારણે તે પકડાઈ ગયો અને તેનો સમગ્ર ભાંડો ફુટી ગયો હતો. ત્યાર બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી અને તેના ફેસબુક પેજ જોયુ તો તેઓ ચોંકી ગયા હતા. તેણે કહ્યું કે તેણે ઘણી યુ-ટ્યુબ ચેનલોને નકલી ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે.
પોલીસે સુનિલ સાથે તેના અન્ય મિત્રોની પણ ધરપકડ કરી
ઘટના બાદ પોલીસે બાનસૂરના હાજીપુરમાં રહેતા નકલી આઈપીએસ સુનિલ સાંખલાની સાથે સાથે ઈંદ્વાલ સૈની, અમિત ચૌહાણ અને સત્યનારાયણ કનોલિયાની પણ ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન સુનિલે કહ્યું કે, તેણે ગામના લોકોને કહ્યું કે તે સીબીઆઈ અધિકારી બની ગયો છે. અને પોતાને મહારાષ્ટ્ર કેડરમાં આઈપીએસ છે અને મુંબઈમાં પોસ્ટિંગ હોવાની વાત કરી હતી. વધારે પૂછપરછમાં તેણે કહ્યું કે, 2020ની ભરતી માટે યૂપીએસસીની પરીક્ષાની તૈયારી કરી હતી, પરંતુ તેના તેનું સિલેક્શન થયું નહોતું. પરંતુ તેણે ગામમા રોફ જમાવવા માટે જૂઠ્ઠી વાર્તા ઘડી કાઢી હતી. આ ઉપરાંત તેણે ખોટું બોલીને સગાઈ પણ કરી લીધી હતી.