ઉત્તર પ્રદેશમાં ટ્રિપલ મર્ડર : પૌત્રએ દાદા-દાદી સહિત પરિવારના 3 સભ્યોની કરી ઘાતકી હત્યા
Gorakhpur Triple Murder Case: ગોરખપુરના ઝાંગહાના મોતીરામ અડ્ડામાં શુક્રવારે સવારે એક ભયાનક ઘટના સામે આવી છે, જેણે આખા ગામને હચમચાવી નાખ્યું. માનસિક રીતે બીમાર રામદયાલ મૌર્યએ તેના જ પરિવારના ત્રણ વડીલો, દાદા કુબેર મૌર્ય, પરદાદા સાધુ મૌર્ય અને દાદી દ્રૌપદી પર પાવડા વડે હુમલો કરીને તેમની હત્યા કરી હતી, પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
રામદયાલે પોતાના જ પરિવારના 3 સભ્યોની કરી ઘાતક હત્યા
સવારે લગભગ સાત વાગ્યે કોઈરાન ટોલામાં રામદયાલે પહેલા ઘરના દરવાજા પર પાવડો માર્યો, જયારે દાદા કુબેરે તેને રોક્યો ત્યારે તેણે દાદાને પાવડા વડે માથા પર મારીને તેમની હત્યા કરી નાખી. દાદા કુબેર લોહીથી લથબથ થઇને જમીન પર પડી ગયા.
રામદયાલના દાદા કુબેરની ચીસો સાંભળીને પરદાદા સાધુ તેને બચાવવા આવ્યા, પરંતુ રામદયાલનું ભયાનક રૂપ જોઈને તે પોતે જ તેનો શિકાર બની ગયો. જ્યારે દાદી દ્રૌપદીએ તેના પૌત્રને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેના પર પણ પાવડાથી હુમલો કર્યો.
ગ્રામજનોએ હિંમત કરીને આરોપીને પકડી પાડ્યો
હત્યા બાદ રામદયાલ મૃતદેહને ખેંચીને એક જગ્યાએ બેસી ગયો. ગ્રામજનોએ હિંમત બતાવીને તેને પકડી લીધો અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી અને હત્યામાં વપરાયેલ પાવડો પણ કબજે કર્યો. ઘટનાની માહિતી મળતાં, એસપી અને સીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને સંબંધીઓ અને ગામના લોકો પાસેથી મામલાની માહિતી લીધી હતી.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં દર્દનાક અકસ્માત, ડમ્પરે 3 યુવકોને કચડી નાખ્યાં, એકને તો 5 કિ.મી. ઢસડી ગયો
માતાએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો
ઘટના સમયે ઘરમાં હાજર રામદયાલની માતા કુષ્માવતી પોતાના પુત્રની આ ભયાનક હરકતો જોઈને કંપી ઊઠી હતી. આ જોઇને તે પોતાની જીવ બચાવવા ત્યાંથી ભાગી ગઈ અને ગામના લોકોને આ અંગે જાણ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રામદયાલના પિતા વિજય બહાદુર ગત સાંજથી ઘરે પરત ફર્યા ન હતા.
આસપાસના લોકોની કરી પૂછપરછ
ઘટનાની માહિતી મળતાં પોલીસે ત્યાં પહોંચીને આસપાસના લોકોની પૂછપરછ કરી. પોલીસે આરોપી પૌત્ર રામદયાલ મૌર્યની ધરપકડ કરી છે. આરોપી માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે તેણે ત્રણેયને પાવડા વડે માર માર્યા બાદ એક પશુને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. જોકે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ પછી જ હત્યાનું કારણ સ્પષ્ટ થશે.