કૃત્રિમ વરસાદ કરાવાશે; દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા કેજરીવાલ સરકારનો નવો પ્રયોગ, SCને સોંપાશે પ્રસ્તાવ
કેજરીવાલ સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ અંગે જાણકારી આપી
Cloud Seeding in delhi NCR : દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-NCRમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો AQI 500 પાર થઇ ગયો છે અત્યાર સુધી તેને રોકવા લેવામાં આવેલ તમામ પ્રયાસો સફળ થયા નથી. એવામાં હાલ કેજરીવાલ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેજરીવાલ સરકાર પ્રદૂષણને રોકવા માટે કલાઉડ સીડિંગ એટલે કે કુત્રિમ વરસાદ કરવાનું વિચારી રહી છે. આજે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, કુત્રિમ વરસાદથી પ્રદૂષણ ઓછુ કરવાનો પ્રયાસ કરવામાં આવશે ઉપરાંત આ પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે.
આજ મહિનામાં દિલ્હી-NCRના આસપાસના વિસ્તારમાં કુત્રિમ વરસાદ કરવામાં આવશે
એક અહેવાલ અનુસાર, પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપેલ જાણકારી મુજબ આજ મહિનામાં દિલ્હી-NCRના આસપાસના વિસ્તારમાં કુત્રિમ વરસાદ કરવામાં આવશે અને પ્રદૂષણને કંટ્રોલમાં કરવા પ્રયત્ન કરવામાં આવશે. આ મામલે એક ઉકેલ છે જે લાંબા સમયથી વિચારવામાં છે પરંતુ તેના પર કોઈ અમલ કરાયો નથી. IIT કાનપુરે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઉપાય વિચાર્યો છે. IIT એ ક્લાઉડ સીડીંગ દ્વારા કૃત્રિમ વરસાદની ટેકનોલોજી વિકસાવી છે. વરસાદની મદદથી હવામાં રહેલા પ્રદૂષકોને સાફ કરી શકાય છે. પ્લેન દ્વારા વાદળો પર એક ખાસ પ્રકારનું કેમિકલ છાંટવામાં આવે છે, ત્યારબાદ કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે.
20-21 નવેમ્બરે ક્લાઉડ સીડિંગનો કરાશે પ્રયાસ
કેજરીવાલ સરકારના મંત્રીએ જાણકારી આપી કે વૈજ્ઞાનિક અનુસાર વાતાવરણમાં ભેજ હોય ત્યારે જ ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કરી શકાય છે. તેથી નિષ્ણાતોના મતે 20-21 નવેમ્બરની આસપાસ દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ કરી શકાય છે. અમે વૈજ્ઞાનિકોને આ અંગે એક પ્રસ્તાવ તૈયાર કરવા કહ્યું છે, જે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.