ગૂગલે બેંગલુરમાં ભારતના સૌથી મોટા કેમ્પસ 'અનંત'ને ખુલ્લુ મૂક્યું
- નવા કેમ્પસમાં 5,000ની સીટિંગ કેપેસિટી
- કર્મચારીઓના તણાવને ઘટાડવા માટે કેમ્પસમાં અરણ્ય નામનું નાનું જંગલ પણ બનાવાયું
બેંગલુરુ : ગૂગલે બુધવારે ભારતમાં તેના સૌથી મોટા કેમ્પસ 'અનંત'નું અનાવરણ કર્યું હતું. આ કેમ્પસ ગૂગલના વિશ્વના સૌથી મોટા કેમ્પસમાંનું એક છે. બેંગલુરુના મહાદેવપુરામાં સ્થિત અનંત કેમ્પસમાં ૫,૦૦૦થી વધુ સીટિંગની ક્ષમતા છે, આ કેમ્પસના નિર્માણ માટે વપરાયેલી સામગ્રી લગભગ સંપૂર્ણપણે લોકલ બિઝનેસ પાસેથી મેળવવામાં આવી છે.
ગૂગલ ઇન્ડિયાની વાઇસ પ્રેસિડેન્ટ અને કંટ્રી મેનેજરે જણાવ્યું કે, અનંત કેમ્પસ માત્ર તેની ચાર દીવાલોની વચ્ચે કરવામાં આવેલા કામને કારણે નહીં પરંતુ, ભારત દ્વારા વિશ્વ માટે તૈયાર કરવામાં આવેલા નવા ઈનોવેશનને કારણે જાણીતું બનશે. ગૂગલે લગભગ છ વર્ષ પહેલા એઆઈ ફર્સ્ટનો અભિગમ અપનાવ્યો હતો. ત્યારથી જ ગૂગલ ભારતને એઆઈના ટેલેન્ટ પૂલ તરીકે નહીં પણ, એઆઈના માધ્યમથી જીવનમાં બદલાવ લાવવાની ક્ષમતા ધરાવતા સ્થાન તરીકે જોઈ રહ્યું છે.
પર્યાવરણને બચાવવાના અભિગમ સાથે ગૂગલની આ ઓફિસમાં વોટર વેસ્ટ રિસાઈકલિંગ, અને ઓન-સાઈટ રેઈનવોટર હારવેસ્ટિંગ લગાવવામાં આવ્યું છે. જ્યારે, આ બિલ્ડિંગમાં સ્માર્ટ ફોટોક્રોમિક ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ ગ્લાસના કારણે ઈલેકટ્રિક બિલમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.
ગૂગલના અનંત કેમ્પસમાં જીમ, ડે-કેર સુવિધાઓ, કેફેટેરિયા અને અરણ્ય નામનું એક નાનું જંગલ સામેલ છે. ૧૦,૦૦૦થી વધુ કર્મચારી સાથે ગૂગલ બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, અને ગુરુગ્રામ જેવા સિટીમાં હાજર છે. ભારતમાં કંપની હાલ હાઈબ્રિડ વર્ક મોડલ હેઠળ ચાલી રહી છે. જેમાં, કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસથી કામ કરવું ફરજિયાત છે.