ગૂગલ મેપનું ભોપાળું! આસામ પોલીસને નાગાલૅન્ડ પહોંચાડી, બદમાશ સમજી લોકોએ બંધક બનાવ્યા
Image Source: Twitter
Google Map: અજાણી જગ્યાએ જઈએ ત્યારે આપણે ચાની ટપરી કે, હાલતા-ચાલતા સ્થાનિકોને રસ્તો પૂછવાની ટેવ રાખતા હતા, પરંતુ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરતાં લોકો હવે ગૂગલ મેપના સહારે પ્રવાસ કરી રહ્યા છે. આ સુવિધા ખૂબ સારી છે અને ઉપયોગી પણ નીવડે છે, પરંતુ ટૅક્નોલૉજીની એક મર્યાદા હોય છે અને તેના કારણે ઘણી વખત લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે અથવા તો મોટી મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. ત્યારે ફરી એક વખત ગૂગલ મેપે દગો આપ્યો છે. ગૂગલ મેપના સહારે આસામમાં દરોડા પાડવા જઈ રહેલી પોલીસની એક ટીમને ગૂગલ મેપે નાગાલૅન્ડ પહોંચાડી દીધી. આ દરમિયાન મોટા ભાગના પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં જ હતા. તેથી લોકો પોલીસની ટીમને મોર્ડન હથિયારો સાથે જોઈ તો તેઓ તેમને બદમાશ સમજી બેઠા અને તેમના પર હુમલો કરી તેમને બંધક બનાવી લીધા.
ગૂગલ મેપ એ આસામ પોલીસને નાગાલૅન્ડ પહોંચાડી
એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે, આસામ પોલીસની 16 સદસ્યની ટીમ દરોડા દરમિયાન ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવી રહેલા રૂટને ફોલો કરતાં અજાણતામાં નાગાલૅન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો અને તેમને રાતભર બંધક બનાવી રાખ્યા હતા કારણ કે આ સ્થાનિક લોકો પોલીસની ટીમને બદમાશ સમજી ગયા હતા.
આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'આ ઘટના મંગળવારે રાત્રે બની જ્યારે જોરહાટ જિલ્લા પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી.'
નાગાલૅન્ડના લોકોએ આસામ પોલીસને બંધક બનાવ્યા
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, 'આ એક ચાના બગીચાનો વિસ્તાર હતો, જેને ગૂગલ મેપ પર આસામમાં બતાવવામાં આવ્યું છે. જોકે, હકીકતમાં આ વિસ્તાર નાગાલૅન્ડની સરહદમાં હતો. GPS પર ભ્રમના કારણે ટીમ ગુનેગારની શોધમાં નાગાલૅન્ડની અંદર ઘૂસી ગઈ હતી. સ્થાનિક લોકોએ આસામ પોલીસની ટીમને કેટલાક બદમાશો આધુનિક હથિયારો લઈને આવ્યા હોવાનું સમજી ગયા અને તેમની અટકાયત કરી લીધી અને તેમના પર હુમલો કરી દીધો હતો. 16 પોલીસ કર્મચારીઓમાંથી માત્ર ત્રણ જ કર્મચારીઓ વર્દીમાં હતા અને બાકીના સાદા કપડામાં હતા. તેથી સ્થાનિક લોકોને શંકા ગઈ અને તેમણે ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયો હતો.'
આ પણ વાંચો: લોસ એન્જલસની ભીષણ આગમાં હોલિવૂડની અનેક સેલિબ્રિટીના મકાન રાખ, ઇમરજન્સી જાહેર કરાઈ
નાગાલૅન્ડમાં પ્રતિકૂળ સ્થિતિની સૂચના મળતાં જ જોરહાટ પોલીસે તાત્કાલિક મોકોકચુંગના પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો. ત્યારબાદ તેમણે આસામ પોલીસ કર્મચારીઓને બચાવવા માટે એક ટીમ ઘટના સ્થળ પર મોકલી. ત્યારબાદ સ્થાનિક લોકોને ખ્યાલ આવ્યો કે, આ આસામની વાસ્તવિક પોલીસ ટીમ હતી અને પછી તેમણે ઘાયલ કર્મચારી સહિત પાંચ સભ્યોને છોડી મૂક્યા. જોકે, તેમણે રાતભર 11 લોકોને બંધક બનાવી રાખ્યા અને પછી સવારે તેમને મુક્ત કરી દીધા.