Get The App

લોકસભા ચૂંટણી પહેલા રોકડ સહિત કુલ 4650 કરોડનો સામાન જપ્ત, ચૂંટણી પંચની કાર્યવાહી

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલા રોકડ સહિત કુલ 4650 કરોડનો સામાન જપ્ત, ચૂંટણી પંચની કાર્યવાહી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024નો માહોલ ધીરે -ધીરે જામી રહ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રીગણેશ પણ કરી દીધા છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચે સોમવારે જણાવ્યું હતું કે, 1 માર્ચ, 2024થી દેશભરમાં રોજ આશરે રુપિયા 100 કરોડનો માલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમા રોકડ પણ સામેલ છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં આશરે 4650 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં આશરે 395 કરોડની રોકડ અને અન્ય કિંમતનો દારૂ, નશીલા પદાર્થ અને ગિફ્ટની વસ્તુઓનો સમાવેશ થાય છે. 

ચૂંટણી પંચની આ કાર્યવાહી ચાલુ રહેશે

ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ વખતે અત્યાર સુધી રોકડ સહિત 4650 કરોડ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ જપ્તીથી વધારે છે. ચૂંટણી પંચના અધિકારીઓએ પત્રકાર પરિષદમાં સંબોધતા કહ્યું હતું કે, ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા મની પાવરનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવતો હોઈ તેના પર સખત કાર્યવાહી ચાલું રાખવામા આવશે. દરેક રાજ્યોમાં પારદર્શકતાથી ચૂંટણી કરાવવા અને મની પાવરનો દુરુપયોગ રોકવા માટે એક અલગ ટીમ પણ બનાવવામાં આવી છે.

તમિલનાડુમાંથી સૌથી વધારે 53 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી દેશભરમાંથી 4650 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાંથી 395 કરોડ રુપિયા રોકડમાં મળી આવ્યા છે. જેમાં સૌથી વધારે તમિલનાડુમાંથી 53 કરોડ રુપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે તેલંગાણામાંથી 49 કરોડ રુપિયા, મહારાષ્ટ્રમાંથી 40 કરોડ રુપિયા અને કર્ણાટક અને રાજસ્થાનમાંથી 35-35 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે.

વર્ષ 2019માં 844 કરોડ રુપિયાની રોકડ જપ્ત કરાયા હતા

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 844 કરોડ રુપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત લોકસભા ચૂંટણીમાં 304 કરોડ રુપિયાનો દારૂ ઝડપાયો હતો. જ્યારે 1 માર્ચ 2024થી અત્યાર સુધીમાં કુલ 490 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. અને 1280 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે આ વખતે અત્યાર સુધીમાં 2068 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ ગત 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 60.15 કરોડ રુપિયાની ગિફ્ટ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. તો આ વખતે અત્યાર સુધી 1142 કરોડના મૂલ્યની ગિફ્ટની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. 



Google NewsGoogle News