અગ્નિવીરો માટે ગૂડ ન્યૂઝ, 25%થી વધુ નોકરી 'કન્ફર્મ' થવાના ચાન્સ, કેન્દ્રની વિચારણાં
Image: Facebook
Agniveer Scheme: કેન્દ્ર સરકાર અગ્નિવીર યોજનાને શ્રેષ્ઠ બનાવવાના ઉપાયો પર વિચાર કરી રહી છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રાલયે ત્રણેય સેનાના પ્રમુખોને પૂછ્યું છે કે શું તે 25 ટકાથી વધુ અગ્નિવીરોને કન્ફર્મ કરવામાં સક્ષમ છે? ત્રણેય સેનાના પ્રમુખ ટૂંક સમયમાં આ વિશે સરકારને પોતાનો મત સોંપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સેનામાં ભરતી ન થવાના કારણે ત્રણેય સેનામાં જવાનોના પદ ખાલી છે તેથી આગામી દિવસોમાં 25 ટકાથી વધુ અગ્નિવીરોને કન્ફર્મ કરવાની તક મળી શકે છે.
જોકે ત્રણેય સેનાઓની અંદર આ મામલે હજુ ઊંડાણપૂર્વક વિચારણાની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ જો ખાલી પદના આધાર પર અગ્નિવીરોનું સ્થાયીકરણ થાય છે તો વધુ અગ્નિવીરોનું કન્ફર્મ થવું નક્કી માનવામાં આવી રહ્યું છે. વાયુસેના પ્રમુખ એ. પી. સિંહે કહ્યું કે 'સરકારે ત્રણેય સેનાને આ વિશે પૂછ્યું છે. તેની પર વિચારણા ચાલી રહી છે તથા અમે પોતાનો મત સરકારને ટૂંક સમયમાં સોંપીશું.'
કેન્દ્ર સરકારે 2022માં અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી જેના હેઠળ ત્રણેય સેનામાં ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતીની યોજના આરંભ કરવામાં આવી હતી. યોજના હેઠળ ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થવા પર મહત્તમ 25 ટકા સુધી અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે. આ માટે તેમને અલગથી એક ટેસ્ટ પાસ કરવી પડશે. ત્યારથી ત્રણેય સેનાઓમાં અગ્નિવીરોની સતત ભરતી થઈ રહી છે. અત્યાર સુધી 50 હજારથી વધુ અગ્નિવીર ત્રણેય સેનામાં ભરતી થઈ ચૂક્યા છે.
યોજના અંગે વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યું છે. તેથી સરકાર પર પણ આ યોજનામાં સુધારાનું દબાણ છે. આ દરમિયાન સેનાએ આ મુદ્દે ત્રણેય સેનાઓની સાથે વિચાર પણ શરૂ કર્યો છે. જોકે અગ્નિવીરોની પહેલી બેચ 2026માં કાર્યમુક્ત થશે, તેથી સરકારની પાસે અગ્નિવીરોને કાયમી કરવાની નીતિમાં પરિવર્તન માટે પૂરતો સમય છે.