આનંદો: દેશનાં 9.5 કરોડ ખેડુતોને ગેરંટી વગર મળશે રૂ.1.60 લાખની લોન
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ ઉઠાવી રહેલા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક નવી યોજનાની જાહેરાત કરી છે. સરકારે આ યોજના સાથે દુર્ઘટના વીમો અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ જોડી દીધો છે.
ભારત સરકારે પીએમ કિસાન સન્માન યોજના સાથે જોડાયેલા તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે. દેશમાં હાલમાં ૭ કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ થયા છે.
સરકાર ધિરાણની રકમ એ કિસાન ક્રેડિટ મારફતે આપતી હોય છે. બજેટમાં કૃષિક્ષેત્ર માટે ૧૫ લાખ કરોડ રૂપિયાની રકમ ફાળવાઈ છે. દર વર્ષે સરકાર ખેડૂતો માટે ધિરાણની રકમમાં મોટો વધારો કરી રહી છે.
આ સાથે ખેડૂતો માટે અધિકત્તમ ૪ ટકાના વ્યાજના દરે પાક, પશુ અને મત્સ્યપાલન માટે અલ્પકાલિન લોન અપાશે. આ અભિયાન સરકારે ૧૦ ફેબ્રુઆરી સુધી ચાલુ કર્યું છે અને આગામી ૧૫ દિવસ સુધી ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
સરકારે નેશનલ લાઈવલીહૂડ મીશન અંતર્ગત બેંક સખી યોજના હેઠળ પીએમ કિસાનના લાભાર્થીઓને લાભ આપશે. ગુજરાતમાં ૨૮ લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા છે. રાજ્યમાં પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેનાર ખેડૂતોની સંખ્યા એ ૪૮ લાખે પહોંચી છે.
આમ આ યોજનાનો લાભ લેનાર ખેડૂતોમાં ૨૦ લાખ ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ નથી. ખેડૂતો માટે આ યોજના સિવાય પણ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ પણ લાભ આપવાનો નિર્ણય લેવાતાં એક સાથે એક જ યોજના સાથે ૩ યોજનાઓ જાડાઈ ગઈ છે.
આ યોજના હેઠળ ખેડૂતોને ૧૨ રૂપિયા અને ૩૩૦ રૂપિયાના પ્રીમિયમ પર ૨ લાખનો દુર્ઘટના વીમો અને જીવન વીમો ઉપલબ્ધ કરાવાશે.
કૃષિ મંત્રાલયે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપી છે કે, કેસીસી અંતર્ગત આ યોજનાનો લાભ લેનાર ખેડૂતોની એક યાદી તૈયાર કરવા સૂચના આપી છે.
આ યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના ૧.૬૦ લાખની લોન મળશે, જેનું વ્યાજદર માત્ર ૪ ટકા હશે. સરકારનું લક્ષ્યાંક ૧૦ કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું છે.
અત્યારસુધી ખેડૂતોને આ યોજનાનો લાભ આપવાની મર્યાદા એક લાખ રૂપિયા સુધી હતી. જેમાં ૬૦ હજારનો વધારો કરાયો છે. અત્યારસુધી બેંકો કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને આપવામાં બહાનાં કાઢતી હતી. હવે તેમની પાસે પણ કોઈ વિકલ્પ નહીં બચે.
સરકારે આ બજેટમાં ૧.૪૨ લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. જે ગત વર્ષ કરતાં ૩૦ ટકા વધારે છે. સરકારે પીએમ કિસાન સન્માન નીધી યોજના સિવાય પ્રધાનમંત્રી પાકવીમા યોજના માટે ૧૫,૬૯૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં ખેડૂતોને કિટનાશકોને લીધે ખેતીમાં આવતી નુકસાનીથી ઉગારવા એક અલગથી ફંડ રાખવાનો નિર્ણય કરાયો છે.
અને ખેડૂતોને ભ્રમિત કરતી દવાઓ ઉપર ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. અને આવું કરનારા સામે દંડની જાગવાઈઓ પણ કરવામાં આવી છે.આવશે.