નોકરિયાતો માટે ખુશખબર: ટૅક્નોલૉજી અને ઇનોવેશનથી દરેક ક્ષેત્રે રોજગારી વધવાની આશા
Job Vacancy In 2025: ભારતમાં નોકરીયાત લોકો માટે સારા સમાચાર છે. આવનાર વર્ષમાં એટલે કે 2025માં, ભારતમાં તમામ ક્ષેત્રોમાં કુલ નવ ટકા નોકરીમાં વધારો જોવા મળશે. આ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિસિસ ક્ષેત્રમાં વધુ જોવા મળશે. તાજેતરમાં ફાઉન્ડઇટ અને CIEL HR એજન્સી દ્વારા તેમના રિપોર્ટ બહાર પાડવામાં આવ્યા હતા.
2025માં નોકરીમાં વધારો
ફાઉન્ડઇટ અને CIEL HR એજન્સીઓના રિપોર્ટ અનુસાર, 2025માં કંપનીઓ વધુ કર્મચારીઓને નોકરી પર રાખશે અને તેમના કૌશલ્યો સુધારવાની કોશિષ કરશે. કંપનીઓ ઇચ્છે છે કે તેમના કર્મચારીઓ સમયની માંગને ધ્યાનમાં રાખીને વ્યવસાય માટે તૈયાર રહે. તેથી તેઓ દરેકના કૌશલ્યોમાં સુધારો કરશે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિસિસ, સેમિકંડક્ટર, સાઇબરસિક્યોરિટી અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં નોકરીઓમાં વધારો જોવા મળશે. દરેક ક્ષેત્રમાં અંદાજે નવ ટકા નોકરીમાં વધારો થવાની અપેક્ષા છે.
ફ્રેશર્સને મળશે વધુ તક
કંપનીઓ હવે નવા કર્મચારીઓને લેવા માટે વધુ તૈયાર છે. અત્યાર સુધી અનુભવીઓને નોકરી મળી રહી હતી, પરંતુ હવે કંપનીઓ ફ્રેશર્સને પણ વધુ તક આપવા માગે છે. હવે કંપનીઓ અનુભવ કરતાં કૌશલ્યો પર વધુ ભાર મૂકે છે. આથી 2025નું જોબ માર્કેટ સારું હોવાના એંધાણ છે.
નવી ટૅક્નોલૉજી અને ઇનોવેશન આ પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવશે. જો કે સૌની નજર રિટેલ સેક્ટર પર પણ છે. આ સેક્ટર પણ પાછું રહેતું નથી. રિટેલ સેક્ટરમાં કુલ બાર ટકા નોકરીઓમાં વધારાની આશા છે.
આ પણ વાંચો: એપલના નવા ફીચર Enhanced Visual Search અંગે વિવાદ: ઇનોવેશન કે પ્રાઇવસીની ચિંતા?
કંપનીઓને પણ ફાયદો
કંપનીઓ અનુભવી વ્યક્તિને વધુ પગાર પર રાખે છે, પરંતુ હવે તેઓ તેમની જગ્યાએ ફ્રેશર્સને પસંદ કરે છે તો ઓછા ખર્ચે વધુ કર્મચારીઓને રાખી શકે છે. આથી કંપનીઓને તેમને તાલીમ આપવી પડશે, પરંતુ નાણાકીય રીતે આ ફાયદાકારક છે. તેમજ, હવે ટૅક્નોલૉજી વધતાં અને દરેક વસ્તુ એના પર નિર્ભર થતાં, કંપનીઓ યુવાનોને વધુ પસંદ કરે છે.