Good Bye 2023 : દેશની આ 8 મહિલાઓએ વધાર્યું દેશનું સન્માન, સ્ત્રીઓ માટે પણ બની પ્રેરણાદાત્રી
નીતા અંબાણી :
ભારતની મહિલા ઉદ્યોગપતિ અને ભારતના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર છે. તેમણે ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરી અને તેનું અધ્યક્ષ પદ સંભાળી રહ્યાં છે. નીતા અંબાણીને 2008માં પદ્મ શ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. ભારતના આ ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ઉપરાંત વર્ષ 2016માં તેમને ફિક્કી ફ્લોરેંસ નાઇટિંગેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઍવોર્ડ ભારતમાં સ્થાસ્થ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ એનાયત કરવામાં આવે છે.
દ્રૌપદી મુર્મૂ :
ભારતના ૧૫મા અને દેશના વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત દ્રૌપદી મુર્મૂ માત્ર ભારતીય સ્ત્રીઓ માટે જ નહીં, દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણાસ્રોત સમાન છે. ૧૯૫૮માં ઓડિશાના મયૂરભંજ જિલ્લાના બૈદાપોસી ગામના આદિવાસી સાંથાલ પરિવારમાં જન્મેલા દ્રૌપદી મુર્મૂએ પોતાની મહેનત, લગન, ઈમાનદારી અને બુધ્ધિમત્તાને પગલે ભારતના સૌપ્રથમ નાગરિકનું સન્માન પ્રાપ્ત કર્યું છે. તેમણે ૧૯૭૯માં ભુવનેશ્વરની રમાદેવી મહિલા કૉલેજમાંથી કળા શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. 1997માં રાજકીય કારકિર્દીનો આરંભ કરનાર ભારતીય જનતા પાર્ટીના આ સભ્યએ વર્ષ 2000થી 2009 દરમિયાન ઑડિશાની વિધાન સભાના સભ્ય તરીકે કામગીરી બજાવી. 2015ની સાલમાં તેમને ઝારખંડના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યાં. અને વર્ષ 2022માં ભાજપે તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યાં. આ પદની ચૂંટણીમાં વિજેતા બનીને દ્રૌપદી મુર્મૂ ભારતના 15 રાષ્ટ્રપતિની ખુરશી પર બિરાજમાન થયાં.
ઈશિતા કૌર :
સંઘ લોકસેવા આયેગે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા-2022ના પરિણામો વર્ષ 2023માં જાહેર કર્યાં. આ પરીક્ષામાં ઈશિતા કિશોરે સમગ્ર દેશમાંથી પ્રથમ ક્રમાંક મેળવ્યો. 2022ની આ પરીક્ષામાં દેશભરમાંથી 613 વિદ્યાર્થીઓ અને 320 વિદ્યાર્થિની સામેલ થઈ હતી. ઈશિતાએ દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કૉલેજ ઑફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
નંદિતા દાસ :
ભારતીય લેખિકા નંદિતા દાસને તેમના પુસ્તક 'કોર્ટિંગ ઇન્ડિયા : ઇંગ્લેન્ડ, મુઘલ ઇન્ડિયા એન્ડ ધ ઓરિજિન્સ ઑફ અમ્પાયર' બદલ 25,000 પાઉન્ડના મૂલ્યનું એક જાણીતું આંતરરાષ્ટ્રીય નૉન-ફિક્શન પુરસ્કાર એનાયત થયું છે. વૈશ્વિક સંસ્કૃતિને સમજવા બદલ વર્ષ 2023માં તેમને 'બ્રિટિશ એકેડમી બુક પ્રાઈઝ'ના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. નંદિતા દાસની આ જીત આપણા દેશમાં એક અગત્યની સિદ્ધિ ગણવામાં આવી રહી છે. તેમણે પુરવાર કરી બતાવ્યું છે કે ભારતીય લેખકોને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે.
ડૉ. ઋતુ કરિધલ શ્રીવાસ્તવ :
ડૉ. ઋતુ કરિધલ શ્રીવાસ્તવના નામથી આજે સમગ્ર દેશ પરિચિત છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા(ઈસરો)ના વરિષ્ટ વૈજ્ઞાાનિક તેમ જ ચંદ્રયાન-૩ના પ્રમુખ તરીકે પ્રત્યેક ભારતીય તેમને ઓળખે છે. 1976માં ઉત્તર પ્રદેશના એક નાના ગામમાં જન્મેલા ઋતુ કરિધલે ઉત્તર પ્રદેશમાં જ શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી ભૌતિક શાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું. તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી અંતરિક્ષ વિજ્ઞાાનની ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. ઈસરોમાં જોડાવાથી પહેલા કેટલાંક વર્ષ સુધી ઋતુ કરિધલે અમેરિકામાં પણ કામ કર્યું. તેમણે નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં સંશોધક તરીકે કામ કર્યું.
શ્રદ્ધા શર્મા :
એક ભારતીય પત્રકાર હોવા ઉપરાંત શ્રદ્ધા ભારતના સૌથી મોટા મલ્ટીમીડિયા પ્લેટફોર્મ 'યોર સ્ટોરી મીડિયા'ની સ્થાપક તેમ જ સીઈઓ છે. ફોર્બ્સની 30 અંડર 30ની એશિયા પૂર્વની સભ્ય શ્રદ્ધા શર્માની ગણના ભારતના સૌથી પ્રભાવશાળી યુવાનો અને યુવતીઓમાં થાય છે. દેશમાં મહિલાઓને ઉદ્યોગ-વ્યવસાય કરવામાં પ્રેરણા આપવા તેઓ ખાસ્સી જહેમત લઈ રહ્યાં છે.
ફાલ્ગુની નાયર :
ભારતની અબજોપતિ બિઝનેસ વૂમન ફાલ્ગુની નાયર બ્યુટી એન્ડ લાઈફસ્ટાઈલ રિટેલ કંપની નાયકાની સ્થાપક અને સીઈઓ છે. તેમની કંપનીને એફએસએન ઈ-કોમર્સ વેન્ચર તરીકે ઓળખાય છે. ફાલ્ગુની નાયરને તેમની સિદ્ધિઓ માટે સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયાં છે. વર્ષ 2021માં ટાઈમ મેગેઝિને તેમને વિશ્વની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એક તરીકે નામાંકન આપ્યું હતું. તેમને 2022ની સાલમાં ભારતની સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
હરમનપ્રીત કૌર :
ભારતીય મહિલા ક્રિકેટરોનું એક અગ્રણી નામ એટલે હરમનપ્રીત કૌર. આ ઑલરાઉન્ડર ખેલાડી ડાબા હાથની મધ્યમ બેટિંગ તેમ જ ડાબા હાથની ઑફ-બ્રેક બૉલર તરીકે જાણીતી છે. વર્ષ 2017માં તેની કેપ્ટનશિપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની વિજેતા બની હતી.