Good Bye 2023 : મણિપુર હિંસા, ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના સહિત આ 14 ઘટનાઓ 2023માં ખુબ ચર્ચાઈ
મણીપુર હિંસા, મહિલાઓની નગ્ન પરેડથી હાહાકાર, ૧૮૦ના મૃત્યુ
ભારતના નોર્થ ઇસ્ટ રાજ્ય મણીપુરમાં વર્ષ દરમ્યાનની હિંસાએ વિશ્વનું પણ ધ્યાન ખેંચ્યું. મણીપુરમાં ૫૩ ટકા બહુમતિ ધરાવતી મૈતેઈ આદિજાતિ તેના મૂળ રહીશો મનાય છે. જ્યારે ૧૬થી ૨૦ ટકા કુકી અને ૨૪ ટકા અન્ય આદિ જાતિ છે. જેમાંની મહત્તમ પાડોશી રાજ્યોમાંથી વર્ષોથી સ્થાયી થઈ છે. બહુમતિ આદિજાતિ હિન્દુ છે પણ કુકી અને અન્ય ખ્રિસ્તી ધર્મી છે. મૈતેઈ આદિજાતિ શિક્ષીત અને પ્રમાણમાં સંપન્ન છે છતાં તેઓને અનામતનો તમામ સ્તરે લાભ આપવાનો કેન્દ્રએ નિર્ણય લીધો અને કુકી તથા અન્ય આદિજાતિએ તેનો વિરોધ કરતા તોફાન કર્યા અને તે પછી વર્ષ દરમિયાન જાતિઓના જૂથ વચ્ચે લોહિયાળ દ્રશ્યો સર્જાયા. એકબીજાને ઠાર કરવા, વસાહતો બાળી નાંખવી તેવું રોજનું થયું. બંને જૂથોને શસ્ત્રો પૂરા પાડનારા પીઠબળ પણ છે. અમુક પોલીસ અધિકારી મૈતેઈ છે તેઓ તેમની ટીમ સાથે સામેના જૂથમાં જાય તો અન્ય જૂથના પોલીસ મૈતેઈ પર આક્રમણમાં સાથ આપે કે પછી પોલીસ ફરિયાદ ન લે. પોલીસ સ્ટેશન પર પણ ટોળા ત્રાટકીને પોલીસના શસ્ત્રો આંચકી લે. મણીપુરના આ આંદોલનની નેતાગીરી મહિલા સંગઠનો પૂરી પાડે છે. બે કુકી મહિલાઓને તોફાનીઓએ નગ્ન કરી જાહેરમાં ચાલવાની ફરજ પાડી હતી તે ઘટનાએ વિશ્વભરમાં હોબાળો મચાવ્યો. આસામ, મિઝોરમ, નાગાલેન્ડમાંથી ઉગ્રવાદી સંગઠનો કુકી અને અન્ય આદિજાતિને સહાય કરતા હોવાનું મનાય છે. ચીન પણ સરહદી દેશ હોઈ ભારતની અખંડિતતાને નબળી પાડવા શસ્ત્રથી માંડી અન્ય સપ્લાય પુરી પાડે છે તેમ મનાય છે. અત્યાર સુધી ૧૮૦ના મૃત્યુ થયા છે અને ૪૮૦૦ જેટલા ઘર સળગાવી દેવામાં આવ્યાં છે.
ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના અને આબાદ પધ્ધતિથી ૧૭ દિવસ બાદ ૪૧ શ્રમિકોનો આબાદ બચાવ
૧૨ નવેમ્બરના દિવસે દિવાળીનો દેશમાં ઉજવણીનો માહોલ પ્રવર્તતો હતો ત્યારે ઉત્તરાખંડમાં ટનલ માર્ગ બનાવવા કામ કરી રહેલ ૪૧ શ્રમિકો અચાનક એક ભેખડ ધસી આવતા ટનલમાં જ ફસાઈ ગયા. બહાર આવવાનો માર્ગ જ નહોતો રહ્યો. પહેલી નજરે તો એમ જ લાગે કે આ શ્રમિકોને બહાર લાવવા અશક્ય છે. આમ છતા દેશની જાણીતી રેસ્ક્યુ ટીમ, આર્મીના જવાનોથી માંડી ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીમ અદ્યતન સાધનો સાથે કામે લાગી ગઈ. તેઓનો આ પ્રયત્ન એ રીતે ફળ્યો કે ફસાયેલા શ્રમિકોને પાઇપ લાઈન ઉભી કરીને ઓક્સિજન, પાણી અને જરૂરી ભોજન પહોંચાડી શકાતુ હતું. રેસ્ક્યુ ટીમે છેક સુધી શ્રમિકોને આશા આપીને જીવાડયા પણ બહાર લાવવાની કોઈપધ્ધતિ કામ નહોતી લાગતી ત્યારે 'રેટ હોલ' માઇનિંગમાં નિષ્ણાત ટીમે આ ઓપરેશન પાર પાડવાની પહેલ કરી. આમ તો આ પધ્ધતિ લગભગ પ્રતિબંધ સમાન છે કેમ કે તેમાં જાનહાનિથી માંડી ગુનાખોરીને વેગ મળી શકે છે. જે રીતે ઉંદરડા કે ઘોરખોદિયા જમીનની નાની ત્રિજ્યાને કેન્દ્રીત રહીને ખોદતા ખોદતા અંદર બખોલ પાડી મોટી જગ્યા બનાવતા જાય તેમ આ રેટ માઈનર્સે વિશ્વ આખુ આ પરંપરાગત અને એકપણ ડ્રીલીંગ વગરનું ઓપરેશન પાર પાડતા જોઈને દંગ થયું. ૧૭ દિવસ બાદ તમામ ૪૧ શ્રમિકો હેમખેમ બહાર નીકાળવામાં આવ્યા.
સંસદમાં સલામતીની ગંભીર ચૂક : પ્રેક્ષકના સ્વાંગમાં ચાલુ સંસદે આતંક ફેલાવ્યો
૧૩ ડિસેમ્બરે સંસદની કાર્યવાહી જોવા બે યુવાનોએ તેમના મત વિસ્તારના સાંસદની ભલામણથી પ્રવેશ મેળવ્યો હતો. સુરક્ષા કર્મીઓ ૫ગમાંથી બૂટ કઢાવીને સલામતીની જાંચ નથી કરતા તે તેઓએ રેકી કરીને જાણી લીધું હતું. તેઓએ પહેરેલ બુટમાં જ એવા પદાર્થો મુક્યા હતા જેને ખુલ્લા મુકતા જ ધૂમાડો ફેલાઈ જાય. સંસદની કાર્યવાહી દરમ્યાન અચાનક આ બે યુવાનોએ પ્રેક્ષક દીર્ધા પરથી નીચે તરફ સાંસદો બેઠા હતા ત્યાં બેન્ચ પર કુદકો લગાવતા જાણે આતંકી હુમલો થયો તેમ શરૂમાં ગભરાટ ફેલાયો હતો કેમ કે સંસદ ભવનમાં ધૂમાડા ફરી વળ્યા હતા. પણ તે પછી કેટલાક સાંસદોએ હિંમતભેર બે યુવાનોને પકડી લીધા હતા. બરાબર આ જ સમયે સંસદ ભવનની બહાર એક યુવતી અને છોકરા બેકારી અને મોંઘવારીના સુત્રોચ્ચાર કરતા હતા. આ ગંભીર ઘટનાની ભીતરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તેમાનો લલીત ઝહા નામનો સુત્રધાર અને અન્ય એક શખ્સ બહાર રહીને દોરીસંચાર કરતા હતા. તમામ પકડાયેલ છ વ્યક્તિ પોલીસ હસ્તક હેઠળ છે. સંસદમાં આતંક ફેલાવનાર યુવાનોએ કહ્યું કે અમે સોશિયલ મીડિયા પર શહીદ ભગતસિંહ ગુ્રપ ચલાવીએ છીએ. ભગત સિંહની જેમ જ અમારે જીવલેણ નહીં પણ ધમાકો અને હલચલ મચાવતો હુમલો કરીને સરકારનું ધ્યાન દોરવું હતું. જો કે પોલીસ તેઓ પાછળ કોઈ દેશ વિરોધી સંગઠનની સામેલગીરી નથી ને તેની તપાસ કરી રહી છે. તે પછીના દિવસોમાં વિરોધ પક્ષોના સાંસદોએ સલામતિના મુદ્દે ભારે હોબાળો જારી રાખતા એક સાથે રેકોર્ડ સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરાયા. જોગાનુજોગ આ ઘટનાને અગાઉના સંસદ પરના હુમલાની ૨૨મી વર્ષીના દિવસે જ આકાર અપાયેલ.
જોશીમઠમાં જમીન ધસી જતા મકાનોને ભારે નુકસાન : ૩૦૦૦ ઘરોને અસર થઇ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ૬૧૫૦ ફૂટની ઉંચાઈએ જોશીમઠ આવેલું છે ત્યાં પર્વતમાળા પર ઘરો પણ છે. બદરીનાથ જવાના માર્ગે તે આવતુ હોઇ જોશીમઠ પર પ્રવાસીઓની વાહનોની ભીડ પ્રદુષણ, દબાણની સમસ્યાઓ પણ વધતી જાય છે. આદિ શંકરાચાર્યની એક પીઠ પણ અહીં આવેલી છે. દર બે ત્રણ વર્ષે ભારે વરસાદ અને નદીઓના પૂર ગામોમાં ફરી વળે છે. હવે આ વર્ષે જોશીમઠમાં નવી મુસીબત જોવા મળી છે. જમીનના પેટાળમાંથી બોર દ્વારા પાણી ખેંચાવા ઉપરાંત, તેલ, નેચરલ ગેસ અને ખનીજ ખેંચી લેવામાં આવતુ હોઈ જમીનમાં તીરાડ પડે છે અને તે નીચે તરફ સરકે છે જેના લીધે સતત હળવા ધરતીકંપની જેમ મકાનો પર તિરાડ પડતી જાય છે અને તેઓ પણ આગળ જતા ફસડાઈ પડશે. ૬૬ પરિવારો તૂટેલા ઘર છોડી અન્ય સલામત સ્થળે ખશી ગયા છે ૩૦૦૦ ઘરોને અસર થઇ છે. ભવિષ્યમાં આ રસ્તો જ અંદર તરફ ધસી જાય તેવો ભય છે.
ઓડિશામાં ટ્રીપલ ટ્રેન અકસ્માત : ૨૯૬ના મૃત્યુ ૧૨૦૦ને ઇજા
ઓડિશાના બાલાસોર જિલ્લામાં કોરોમાંડેલ એક્સપ્રેસ તેના બહાનાગા બાઝાર રેલ્વે સ્ટેશન પર જવાના ટ્રેકની જગ્યાએ પાટા પરથી ફંટાતા બીજા ટ્રેક પર ચઢી ગઈ. આ ટે્રક પર જ માલગાડી ચાલી રહી હતી તેની જોડે પૂરજોશમાં કોરામાંડલ ટ્રેન અથડાઈ. બંને ટ્રેનની ઝડપ ઘણી જ વધારે હોઈ કોરામંડેલ એક્સ્પ્રેસના ૨૧ જેટલા કોચ ધડાકાભેર ફંગોળાયા પણ બરાબર તે જ વખતે નજીકનાપાટા પર બેંગલોર હાવરા સુપરફાસ્ટ ટ્રેન પસાર થતી હતી તેની જોડે આ ફંગોળાયેલા ડબ્બા માર્ગમાં આવી ગયા હતા. આમ ભાગ્યે જ જોવા મળ્યો હોય તેવો ટ્રીપલ અકસ્માત થયો જેના લીધે ૨૯૬ મુસાફરોના મૃત્યુ થયા અને ૧૨૦૦થી વધુને ઇજા થઈ.
ઉત્તર પ્રદેશમાં માફિયા અતિક અને તેના ભાઈ અશરફની હત્યા
ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એક સમયે ધાક જમાવી સાંસદ બની જનાર અતિક એહમદ અને તેના ભાઈ અશરફની ફિલ્મી ઢબે અજાણ્યા શખ્શોએ હત્યા કરી હતી. જેલમાંથી તબીબી પરીક્ષણ માટે બંનેને રાત્રે લઈ જવાઈ રહ્યા હતા ત્યારે પત્રકારના બનાવટી કાર્ડ સાથે ત્યાં હાજર એવાં ત્રણ પત્રકારોએ અતિક અને અશરફને પોઇન્ટ બ્લેન્ક ઠાર કરી દીધા હતા. આ સમયે અન્ય પત્રકારોના કેમેરા ચાલુ હતા. અતિક અને અશરફથી ઉત્તર પ્રદેશ ત્રાસી ગયું હતું. ખંડણીથી માંડી પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યાના આરોપસર તેઓ જેલમાં હતા. ૪૨ વર્ષ સુધી અતિકનું સામ્રાજય ભારે ખોફ પેદા કરનાર હતુ. અતિકે હજુ આગલા દિવસે જ તેના પુત્ર કે જે એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો તેની અંતિમ વિધીમાં પોલીસની પરવાનગીથી ભાગ લીધો હતો.
યમુના નદીના પાણી દિલ્હીમાં ૫ણ ફરી વળ્યા
હિમાચલ પ્રદેશમાં ૫૦ વર્ષ જુનો વરસાદનો રેકોર્ડ સર્જાયો જેના લીધે પર્વતો ધસી જવા, નદીના પાણી પર્વતીય ગામોમાં ફરી વળવાની ઘટના બની. નદીઓમાં પુર આવતા સંકટ બેવડાયું. વરસાદ અને પુરની માત્રા એ હદની હતી કે યમુના નદીના પાણી કિનારા નજીકના દિલ્હીના સ્થળો પર પણ ફરી વળ્યા. પુલ અને હાઇવે ધોવાઈ ગયા. જો કે નુકશાન અબજો રૂપિયાનું થયું પણ આગાહી અગાઉથી થઈ હોઈ જાનહાનિ અમુક હજારોની જગ્યાએ ૩૩૮ થઈ હતી. કુલ્લુ, માંડી, સોલાન, કિન્નોર, લાહુઆલ અને કાંગરા જિલ્લામાં સૌથી વધુ તારાજી થઈ. ૬૦ કલાક નોન સ્ટોપ વરસાદ પડયો હતો. ચાર દિવસમાં ૨૪૯.૬ મીલીમીટર વરસાદ પડયો હતો.
કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંઘની હત્યા
શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંઘને જયપુરમાં ત્રણ મુલાકાતીના સ્વાંગમાં આવેલ વ્યક્તિઓએ વાતચીત કરવાનો ડોળ કરતા અચાનક રીવોલ્વરથી ફિલ્મી સ્ટાઇલથી પોઇન્ટ બ્લેન્ક ગોળીબાર કરીને સુખદેવ સિંઘની હત્યા કરી નાંખી. લોરેન્સ બિશ્નોઇ ગેંગનો તેમાં હાથ હોવાનું મનાય છે.
છત્તીસગઢમાં નકસલી હુમલો: ૧૦ના મોત
૧૯૬૦થી નકસલો બસ્તર જિલ્લાના ગાઢ જંગલ અને કોતરોમાં અડ્ડો જમાવીને રહે છે. તેઓ તેમના વિસ્તારની નજીક પેટ્રોલિંગ માટે ફરતા પોલીસ કર્મી કે જવાનોને સુરંગ બીછાવીને કે સામસામે ગોળીબાર કરીને મારી નાંખે છે. દંતેવાડામાં એપ્રિલ મહિનામાં આવા જ હુમલામાં ૧૦ પોલીસકર્મીઓના મૃત્યુ થયા હતા.
ખાલીસ્તાન ફરી ન્યુઝમાં : અમૃતપાલની ધરપકડ અને તોફાન
અમૃતસરમાં ખાલીસ્તાનના નેતા અમૃતપાલના સમર્થકોએ તેમના એક સાગરીતને છોડાવવા તલવાર અને હથિયારો સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. અમૃતપાલ સિંઘ પંજાબના એક ખોફનાક ખાલીસ્તાની નેતા તરીકે ઉભરી રહ્યો હતો.ભીંદરવાલે તેનો આદર્શ હતા. દોઢ મહિના પોલીસથી ભાગતો ફર્યો પછી એક ગુરુદ્વારાને ઘેરી લેતા તેમાં અમૃતપાલ છુપાયેલ હતો. નાછૂટકે તેને શરણાગતિ સ્વીકારવી પડી હતી. તેને આસામની જેલમાં મોકલી દેવાયો છે. પંજાબમાં અમૃતપાલે 'વારિસ દે' નામનું ગુ્રપ ઉભુ કર્યું હતું.
કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પાસેથી દરોડામાં રૂ ૩૫૧ કરોડ રોકડા મળી આવ્યા
ઝારખંડના કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુને ત્યાં ઇન્કમ ટેક્સનાં દરોડા પડયા અને તે પછી તેની કંપનીઓ જે ઓડિસાથી માંડી આસામમાં આવેલી છે ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ધીરજ સાહુ પરના દરોડામાંથી રૂ. ૩૫૧ કરોડ જેટલી રોકડ અને ત્રણ કિલો સોનું મળી આવ્યું હતું. ઓડિશાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ૧૭૬ બેગમાં ભરેલી રોકડ ગણવા માટે ૫૦ વ્યક્તિનો સ્ટફ અને ૨૫ કાઉન્ટિંગ મશીનની મદદ લેવી પડી હતી. એક જ વ્યક્તિ પરના દરોડામાં આટલી મોટી રકમ રોકડમાં મળી આવવી તે રેકોર્ડ છે. ધીરજ સાહુ બચાવમાં કહે છે કે આ બધી રોકડ રકમ મારી નથી.
નાગપુરની ફેકટરીમાં ધડાકો : આગમાં ૯ કામદારો ભુંજાયા
મહારાષ્ટ્રના નાગપુરમાં એક સોલાર એકસ્પ્લોઝિવ કંપનીની ફેકટરીમાં ઘડાકા સાથે આગ ફાટી નીકળતા નવ કામદારો ભુંજાઈ જઇને મૃત્યુ પામ્યા હતા. છ ને ઇજા થઇ હતી. કંપનીની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોઈ રોષે ભરાયેલા અન્ય શ્રમીકો અને ગ્રામજનોએ જનજીવન ખોરવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્થળની મુલાકાત લેતા તેમજ નાણાકિય મોટી રકમના વળતરની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.
સુપ્રીમ કોર્ટે સજાતિય લગ્નને કાયદેસરતા આપવાનો ઇન્કાર કર્યો
સુપ્રીમ કોર્ટે સજાતિય લગ્નને કાયદેસરતા બક્ષવાનો ઇન્કાર કરતો ચૂકાદો આપતા આવા સંબંધ રાખતા યુગલો ભારે નિરાશ થયા હતા. તમામ જજો એ વાત પર સંમત થયા હતા કે આવા યુગલો શહેરી કે તાર્કિક બુધ્ધિ ધરાવતા નથી હોતા. સરકારે આમ છતાં આવા યુગલોને સમસ્યા બાબત ચર્ચા-ચિંતા કરવા એક પેનલ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ
ભારતની મહત્વકાંક્ષા આખરે સફળ થઈ. ૧૪મી જુલાઈના રોજ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-૩નું સફળ લોન્ચિંગ થયું. ૩૮૪૪૦૦ કિલોમીટર અંતર ૪૨ દિવસમાં કાપીને તે ચંદ્રની સપાટી પર લેન્ડ થયું. દેશ આખાએ સાંજના કોઈ ફાઇનલ ક્રિકેટ મેચ હોય તેવા યુ ટયુબ અને માધ્યમોમાં લેન્ડિંગ જોઈ ગૌરવ અનુભવ્યું. વડાપ્રધાન મોદી તે વખતે ગ્રીસના પ્રવાસ હતા ત્યાંથી તો તેમણે રાષ્ટ્રજોગ ટુંકું સંબોધન કર્યું જ પણ પ્રવાસ પુરો થતા સીધા બેંગ્લોર ગયા હતા અને વિજ્ઞાાનીઓને ભીની આંખો સાથે અભિનંદન આપ્યા હતા.