Good Bye 2023 : 4 દેશોનું યુદ્ધ, લાખો લોકોના મોત, પાકિસ્તાનમાં રાજકીય બબાલ... ભારે વિવાદાસ્પદ રહ્યું 2023નું વર્ષ
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ : હમાસને હાથે કર્યા હૈયે વાગ્યા : હજારોના મૃત્યુ
જ્યારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ પ્રવર્તતી હતી ત્યારે ૭ ઓક્ટોબરના રોજ પેલેસ્ટાઇનના ઉગ્રવાદી જુથ હમાસે ઇઝરાયેલના શહેરો પર આચિંંતો જ હુમલો કરીને ૧૨૦૦ જેટલાના મૃત્યુ નીપજાવ્યા અને ૨૦૦ને બંધક બનાવ્યા. વિશ્વને પણ આશ્ચર્ય થયું કે આ રીતે હમાસે આક્રમણ કર્યું તેનાથી તેઓ શું મેળવવા ઇચ્છે છે તે સાથે જ એમ પણ નવાઈ લાગી કે વિશ્વની શ્રેષ્ઠ મનાતી ઇઝરાયેલની જાસુસ સંસ્થા 'મોસાદ'ને હમાસ છેલ્લા કેટલાક મહિનાઓથી આ હુમલાની તૈયારી કરતું ત્યાંથી માંડી છેક ઇઝરાયેલના શહેરો પર આ રીતે ત્રાટકવું તેની ખબર જ ન પડી. હમાસ તો ઇઝરાયેલની તાકાતથી પરિચિત છે તો પણ આવુ દુ:સાહસ શું કામ કરે. તે પછી ઇઝરાયેલે જે રીતે હમાસ અને પેલેસ્ટાઇન પર વળતા હુમલા સાથે તારાજી કરી તેના સંદર્ભમાં એવી પણ અટકળો વહેતી થઇ કે પેલેસ્ટાઇન અને હમાસનો લગભગ ખાતમો બોલાવી દેવા ઇઝરાયેલે જ આંખ આડા કાન કરીને હમાસને પ્રથમ હુમલો નહીં કરવા દીધો હોય ને. બન્યું પણ એવું જ કે ઇઝરાયેલને સ્વબચાવ કરતું હોય તેનો ફાયદો મળ્યો. અમેરિકા સહિત યુરોપના દેશોએ ઇઝરાયેલને સમર્થન આપ્યું. પેલેસ્ટાઇનને આઘાત તો ત્યારે લાગ્યો કે તેમના ઇરાન, ઇરાક, સીરીયા જેવા દેશોએ તેને જોઇએ તેવો સાથ ન આપ્યો. ચીન અને રશિયાએ પણ સલામત અંતર રાખ્યું. ઇઝરાયેલ બેરોકટોક ગાઝા ટ્રીપ પર બોમ્બિંગ કરતુ રહે છે. મિસાઇલ એટેક તો જાણે આતશબાજીના દ્રશ્યો સર્જતી હોય તે હદે કરે છે. ગામોમાં ૧૦૦૦૦થી વધુ મૃત્યુ થતા જેમાં બાળકો કે હોસ્પિટલ પણ બાકાત નથી રાખી. ઇઝરાયેલે બંધકોને પણ છોડાવ્યા. પેલેસ્ટાઇનના ૨૦ લાખ નાગરિકો પડોશી દેશમાં આશ્રય લેવા દોડી ગયા. ઇઝરાયેલ હવે અમે હુમલો નહીં કરીએ તેમ 'સીઝ ફાયર' થોડા દિવસ કરી, તેના બંધકો છોડાવી ફરી હુમલા જારી જ રાખે છે. પેલેસ્ટાઇન ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ પ્રભુત્વ સ્થાપી દેશે તેમ લાગે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ બીજા વર્ષે પણ જારી : અત્યાર સુધી ૫,૦૦,૦૦૦ નાં મૃત્યું
વિશ્વને રશિયા-યુક્રેન યુદ્ધ બીજા વર્ષે પણ જારી છે. છતા હવે તેમાં રસ નથી રહ્યો. યુક્રેનને ૨૦૨૨માં અમેરિકા અને નાટો દેશોનો જે સાથ મળતો હતો તે હવે મંદ પડયો છે. અમેરિકાનું અર્થતંત્ર પણ સધ્ધર નથી કે યુક્રેન અને ઇઝરાયેલને માટે બજેટ ફાળવે. હવે રશિયા યુક્રેન યુદ્ધ વ્યુહાત્મક રીતે અને અમુક અમુક અઠવાડિયે કે મહિનાઓના અંતરાલમાં વચ્ચે હુમલાથી થાય છે. યુક્રેન રશિયાની શક્તિ સામે સ્વાભાવિક રીતે ઝીંક ઝીલવામાં ઠંડું પડતું જાય છે. અત્યાર સુધીમાં યુદ્ધ બાદ રશિયાએ યુક્રેનનો ૨૩ ટકા વિસ્તાર તેના તાબામાં કરી લીધો છે. બંને પક્ષે હજારોની ખુવારી થઇ છે. હાલ યુક્રેનના લાખો નાગરિકોને દેશ છોડી રહ્યા છે. અમેરિકાના રશિયા પરના નિયંત્રણો સખ્ત બન્યા છે. હાલ શિયાળો ચાલતો હોઈ બંને દેશ વચ્ચેની યુદ્ધ ભૂમિના રસ્તા પર ઠેર ઠેર થીજી ગયેલી લાશો જોઈ શકાય છે. બંને દેશમાં સૈનિકો નાગરિકો સહિત પાંચ લાખના મૃત્યુ થયા હોવાનું મનાય છે.
પુટિન સામે વેગનર ગુ્રપનો બળવો વેગનરના વડાનું રહસ્યમય મૃત્યુ
રશિયાના શક્તિશાળી અને સરમુખત્યાર જેવા પ્રમુખ પુટિન તેના તમામ હરિફોને કચડી નાંખે છે. પુટિનનું પોતાનું અંગત લશ્કર વેગનરના નામથી ચલાવતા હતા. આ ગુ્રપ અદ્યતન શસ્ત્ર સરંજામ પણ ધરાવતુ હતુ. પુટિન સરકારના સંરક્ષણ મંત્રી સર્ગેઇ શોઇગ સામે આ ગુ્રપને વાંધો હતો. અનેક વખત કહેવા છતાં પુટિન તેને હટાવતા ન હોતા. આથી વેગનર ગુ્રપ તેના વડા યેવજેની પ્રિગોઝહીનના નેતૃત્વ હેઠળ પુટિનને જ ઉથલાવવા લશ્કર સાથે મોસ્કો તરફ ક્રેમલિન પર હુમલો કરવા નીકળ્યા હતા ત્યારે પુટિને યેવજેની જોડે ફોન પર વાત કરીને તેમને સમજાવ્યા. યેવજેની માની ગયા. બંને વચ્ચે મુલાકાત પણ થઇ પુટિનનું શાસન બચી ગયું. આ ઘટનાના થોડા મહિના પછી યેવજેની તેના વિમાનમાં નવ વ્યકિતઓ સાથેપ્રવાસ કરતાં હતાં ત્યારે પ્લેન ક્રેશ થતાં રહસ્યમય રીતે મૃત્યુ હતું. પુટિન પર આંગળી ચિંધવાની રશિયામાં હિંમત પણ કોણ કરે ?
ભારત-કેનેડાના સંબંધો ખાલિસ્તાન મુદ્દે વણસ્યા
કેનેડાની ટ્રુડો સરકારે ભારત સરકાર પર એવો આરોપ લગાવ્યો કે તેમના દેશના નાગરિક હરદીપ સિંઘ નિજ્જરની હત્યા ભારતની જાસુસી એજન્સીએ કરાવી છે કેમ કે ભારતની એજન્સી એવું માનતી હતી કે નિજ્જર ખાલીસ્તાનની ચળવળનો નેતા હતો. ટ્રુડોએ એમ પણ કહ્યું કે અમે અમારા નાગરિક પરનો હુમલો સાંખી નહીં લઈએ. ભારત સરકારે આવા બુનિયાદ આરોપોનો ઉગ્ર વિરોધ કર્યો અને ભારત સ્થિત દૂતાવાસના ઓફિસરોને કેનેડા પરત જવા હુકમ કર્યો. કેનેડિયન નાગરિકોના વિઝા પર પણ પ્રતિબંધ મુક્યો. આ ઘટનાક્રમ વચ્ચે કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં ખાલીસ્તાની પ્રવૃત્તિનો પ્રસાર કરતી સંસ્થા શિખ ફોર જસ્ટિસના નેતા પન્નુએ ભારતના સ્ટેડિયમ અને સંસદ ઉડાવી દેવાની ધમકી આપી. ટ્રુડો સરકારને શીખ સાંસદોનો ટેકો જોઈતો હોઈ ખાલીસ્તાન સંગઠનોને તેઓ પ્રોત્સાહન આપે છે અને પગલા નથી લેતા તેમજ આંદોલન જેવા દેખાવો કરવા દે છે.
ટ્રમ્પની આફત વધી : પોર્ન સ્ટાર પછી અશાંત ધારામાં ફસાયા
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ના અંતે યોજાનાર પ્રમુખ પદની ચૂંટણી લડવા માંગે છે પણ તેને રીપબ્લીકન પાર્ટી પ્રમુખ તરીકેના ઉમેદવાર તરીકે ઉતારે તો પરાજયનું જોખમ ઉભુ થાય તેમ છે કેમ કે તેમની પર મહિલા શોષણ, ફંડમાં ભ્રષ્ટાચાર અને કેપિટલ હિલ પર જંગલિયત સાથે હુમલો કરાવ્યો તેવા આરોપ સાબીત થતા જાય છે. પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ પર આરોપ મુક્યો હતો કે ૨૦૧૬ની ચૂંટણી પહેલા હું તેની પરના સેક્સ કૌભાંડની વિગત મીડિયાને ન જણાવું માટે ટ્રમ્પે મને લાંચની ઓફર કરી હતી. ટ્રમ્પ તેમાં કસુરવાર ઠર્યા છે. કોલારોડા રાજ્યની કોર્ટે ટ્રમ્પ પર અશાંતધારા હેઠળ પ્રમુખ તરીકે તેમના રાજ્યમાં ઉમેદવાર માન્ય નહીં ગણાય તેવો હુક્મ કર્યો છે.
સમર્થકોના તોફાન વચ્ચે ઇમરાનની ધરપકડ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન બહુ મોટુ સમર્થન મેળવે છે. આમ છતા તેના કાર્યક્રમમાં તેણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કંગાળ બનાવી દીધી હતી. લશ્કરના ઉચ્ચ અધિકારીઓ જોડે ફાવતુ નહોતું. અંતે જે થવાનું હતું તે જ થયું. ઇમરાન પરના કેટલાક સાચા અને કેટલાક ઉપજાવી કાઢેલા કૌભાંડો હેઠળ તેની ધરપકડ થતી જ રહી. સમર્થકોએ તોફાન પણ કર્યા. કોર્ટની નજરે ઇમરાન પર જેલમાં મોકલી શકાય તેવા પૂરાવા સાથેના આરોપ નહોતા. તેને જામીન મળે કે તરત સરકાર નવા આરોપ ઘડી ફરી જેલભેગા કરાય છે. ઇમરાન ખાન હાલ જેલમાં છે પણ તેના સમર્થકોએ પડકાર આપ્યો છે કે ઇમરાન ખાન જેલમાં ચૂંટણી લડશે અને જીતી બતાવશે.
ઈરાનમાં હિજાબના વિરોધમાં દેખાવો : ૩૦,૦૦૦ને જેલ, ૨૦ને ફાંસી
ઇરાનમાં વર્ષ દરમ્યાન મહિલાઓએ હિજાબના વિરોધમાં પ્રદર્શનો કર્યા અને જાહેરમાં વાળ કાપ્યા. કટ્ટરપંથી સરકારે ૩૦,૦૦૦થી વધુ મહિલાઓને જેલ ભેગી કરી કેટલીય મહિલા આગેવાનો ગુમ થઈ ગઈ છે જેઓ જોડે ખૂબ જ અમાનુષી વ્યવહાર થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. જેલથી અટકી ન જતાં મહિલાઓમાં ખૌફ ફેલાવવા ૨૦થી વધુને ફાંસી આપવામાં આવી છે.
પાકિસ્તાન નાદાર, લોટ માટે લૂંટફાટ
પાકિસ્તાનમાં એક તરફ શાસન વ્યવસ્થામાં અસ્થિરતા છે તો બીજી તરફ પૂરને લીધે હજારો પરિવાર ખુવાર થઈ ગયા છે. રશિયા- યુક્રેન યુદ્ધની અસર પણ પડી છે. આ ઉપરાંત આતંકી હુમલા અને તેને નિયંત્રણમાં લાવવાનું બજેટ વધતુ જાય છે. પાકિસ્તાન શસ્ત્રો અને પરમાણુ શસ્ત્રો પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચે છે. વિશ્વ બેંક અને વિદેશી બેંકોના દેવા પણ ભરપાઈ કરી શકે તેમ નથી. તેથી સત્તાવાર રીતે નાદાર જાહેર થયું છે. નાગરિકો ઇલેક્ટ્રિસિટી બિલ નહી ભરી શકતા જોડાણો કપાયા છે. લોટના વિતરણ વખતે નાગરિકો ભીડભાડ સાથે હિંસા કરી મૂકે છે જાહેર ખર્ચા પર કાપ મુકાયો છે. પાકિસ્તાન પર ૧૨૮ અબજ ડોલરનું દેવું છે, ૯૦ ટકા ફેક્ટરીઓ બંધ છે.
A.I. સામે હોલીવુડના લેખકોની હડતાળ
હોલીવુડના નિર્માતાઓ ટીવી શ્રેણી કે ફિલ્મની વાર્તા હવે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સની મદદથી લખાવતા થયા છે. હોલીવુડના લેખકોને આર્થિક અસલામતિ જણાય છે. તેઓની જ વાર્તા તત્વ એ.આઈ. લે છે તેવો આરોપ પણ લેખકોએ મુક્યો. હોલીવુડના નિર્માતા એ.આઇ.નો ઉપયોગ ન કરે તે માટે લેખકો હડતાળ પર ઉતર્યા હતા. હડતાળથી ૩ અબજ ડોલરનું નુકસાન થયું હતું. હવે સમાધાન થઈ ચુક્યું છે.
સ્વિત્ઝર્લેન્ડમાં નવ રોબોટે પ્રેસ કોન્ફરન્સ યોજી
જીનિવામાં માનવ ઇતિહાસની સૌપ્રથમ એવી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં નવ હ્યુમનોઇડ એટલે કે અદ્દલ માણસ જેવા જ લાગે તેવા નવ રોબોટે પત્રકારોના જુદા જુદા પ્રશ્નો અને વિશ્વ સમસ્યા અંગે ઉત્તરો આપ્યા. તેઓ માનવની જેમ જ બોલતી વખતે ચહેરાના હાવભાવ આપતા હતા.
જર્મનીમાં ૪૦૦૦૦૦ ટ્રાન્સપોર્ટ કર્મચારીઓની હડતાળ
જર્મનીના બે ટ્રાન્સપોર્ટ યુનિયને પગારમાં ૧૦.૫ ટકાનો વધારો માંગતા હડતાળ જાહેર કરેલી જેને કારણે બસ, ટ્રક અને રેલ્વેએ હડતાળ પાડતા નાગરિકોનું પરિવહન ખોરવાયુ હતું. શાળા, કોલેજ, ઓફિસથી માંડી દુધ, શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુના સપ્લાય પર ફટકો પહોંચ્યો હતો. વિમાન સેવા અને બંદરો પણ ઠપ્પ થઇ ગયા હતા. ૧૯૯૦ પછીની આ સૌથી મોટી હડતાળમાં ૪૦૦૦૦૦ કર્મચારીઓ જોડાયા હતા અને ૨૦ લાખથી વધુ નાગરિકોને સીધી અસર પહોંચી હતી.
ટાઇટેનિક ટુરિઝમમાં પાંચ અબજોપતિના મૃત્યુ
૧૫ એપ્રિલ, ૧૯૧૨માં બ્રિટનના ટાઇટેનિક નામના જહાજે બરફના ખડક જોડે અથડાતા નોર્થ એટલાન્ટિક સમુદ્રમાં જળસમાધી લીધી હતી. ૧૫૦૦થી વધુ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. હજુ પણ આ જહાજના કાટમાળ સમુદ્રના પેટાળમાં છે. આ સ્થળે પાંચ અબજોપતિએ તેમની સ્ટિમર લઇ જઇને એડવેન્ચર ટુરિઝમ કરવાનો નિર્ણય લીધો. તેઓની સ્ટીમર અને મીની સબમરીન પાણીનું દબાણ ઝીલી ન શકતા ધડાકાભેર તૂટી પડી. પાંચેયના મૃત્યુ થયા. તેઓની તસવીર અહીં મુકી છે.
નિકારગુઆની પાલાકોઈસ 'મિસ યુનિવર્સ' બની
અલ સાલ્વાડોરમાં યોજાયેલ મિસ યુનિવર્સ સ્પર્ધામાં નિકારગુઆની રોયન્નિસ પાલાકોઇસ વિજેતા જાહેર થઈ હતી. નિકારગુઆની તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બ્યુટી હતી. ૮૪ દેશોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મિસ વર્લ્ડ ૨૦૨૩ની નવી દિલ્હીમાં યશોભૂમિમાં ૨ માર્ચ ૨૦૨૪ના રોજ ૨ માર્ચ, ૨૦૨૪ના રોજ યોજાનાર ફાઇનલ ઇવેન્ટમાં જાહેર થશે ભારત આ ઇવેન્ટ બીજી વખત યોજશે.
પ્રિન્સ ચાર્લ્સની કિંગ તરીકે તાજપોશી
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ રાણીના નિધન બાદ યુનાઇટેડ કિંગ્ડમ અને ૧૪ કોમન વેલ્થ દેશોના કિંગ બન્યા. તાજપોશીનો ભવ્ય સમારંભ શાહી પરંપરા પ્રમાણે યોજવામાં આવ્યો હતો. ૭૪ વર્ષીય ચાર્લ્સ કિંગ બનનાર સૌથી વયસ્ક પ્રિન્સ કહી શકાય. વેસ્ટ મિનિસ્ટર એબેમાં સાદગીપૂર્ણ સમારંભ યોજાયો હતો. ચર્ચના વડા તેમજ કેટલાક નેતાઓને જ આમંત્રણ અપાયુ હતું. ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલાએ તે પછી શાનદાર પાર્ટી આપી હતી.
પૂર્વ પોપ બેનડિકટ- ૧૬ની અંતિમ યાત્રામાં ૧,૯૫,૦૦૦ લોકોએ ભાગ લીધો
પોપ બેનડિકટ- ૧૬ ૬૦૦ વર્ષમાં પ્રથમ એવા પોપ હતા જેણે રાજીનામું આપ્યું હતું. વર્તમાન પોપ ભૂતપૂર્વ પોપના અંતિમ સંસ્કારમાં આ રીતે ભાગ લે તે અજુગતી ઘટના હતી. તેમની અંતિમ વિધિમાં ૧,૯૫,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. પોપે તેમની અંતિમ ક્રિયા સાદગીથી ઉજવવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હોઈ ઇટાલી અને જર્મનીના મંત્રાલયે તેમજ કેટલાક દેશ અને વર્ગના પ્રતિનિધિઓએ જ ભાગ લીધો હતો.
વિદેશનાં મંદિરોમાં ઉગ્રવાદીઓ દ્વારા તોડફોડ
ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ખાલિસ્તાની સમર્થકોએ લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી આ ઉપરાંત કારૂમ ટાઉનમાં આવેલ શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં અજાણ્યા તત્ત્વોએ નુકસાન પહોંચાડી હિંદુ દેવ- દેવતાઓનું વિકૃત ચિત્રણ દિવાલ પર કર્યુંં હતું વધુ એક બનાવમાં બીએપીએસના મિલપાર્કમાં આવેલા મંદિરને (મેલબોર્નમાં) પણ નુકસાન પહોંચાડાયું હતું. તે પછી દુર્ગા મંદિરમાં પણ ખાલિસ્તાની સમર્થકો દ્વારા તોડફોડ થઈ હતી. અમેરિકાનાં કેલિફોર્નિયાનું મંદિર પણ આવી રીતે ભોગ બન્યું હતું. તો બીજી તરફ પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓએ હિન્દુ મંદિરો જમીનદોસ્ત કરી હતી.
પાકિસ્તાનમાં તોઈબાના કમાન્ડરની હત્યા બાદ બ્લાસ્ટ, ૬૧નાં મોત
પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોએ લશ્કર એ તઇબા ના કમાન્ડર અક્રમ ઘાઝીની હત્યા કરતા ખૈબર ઘાટ વિસ્તારમાં તોફાન થયા. વર્ષ દરમ્યાન તાલિબાનના મસ્જિદ પરના આત્મઘાતી હુમલાને લીધે પેશાવરમાં ૬૧ના મૃત્યુ થયા. બલુચિસ્તાનમાં પણ સુરક્ષા દળ પર હુમલો થતા ૧૩ જવાનોના મૃત્યુ થયા હતા.
ફ્રાંસમાં કિશોરનું પોલીસ ફાયરિંગમાં મૃત્યુ અને તોફાન ફાટી નીકળ્યા ૧૭ના મૃત્યુ
નાહેલ મઝાઉક નામના ૧૭ વર્ષીય છોકરાએ ટ્રાફિક નિયમનો ભંગ કરતા તેને પોલીસે અટકાવ્યો છતાં ઉભો ન રહેતા પોલીસને શંકા ગઈ અને તેઓએ પોઇન્ટ બ્લેન્ક તેને ગોળીથી ઠાર કર્યો. તેનું મોત નીપજવાના સમાચાર દેશભરમાં ફરી વળ્યા. લઘુમતિ સહિત ફ્રાંસના નાગરિકોએ પોલીસ તંત્ર સામે દેખાવો કર્યા. પાંચ દિવસ તોફાન થયા તેમાં ૧૭ના મૃત્યુ થયા. ૧૦૦૦૦ કાર સળગાવવામાં, મકાનોને નુકસાન થયું.
અમેરિકામાં શુટ આઉટ : વર્ષ દરમ્યાન ૬૬૦ શૂટિંગની ઘટના, ૧૩૦થી વધુનાં મૃત્યુ
અમેરિકામાં રોજની સરેરાશ બે માસ શૂટિંગની ઘટના જોવા મળે છે. ચાર વ્યક્તિ કે વધુ ઇજાગ્રસ્ત બને કે મૃત્યુ થાય તો તે માસ શૂટિંગ ગણાય છે. લેવિસ્ટોન, મેઈનમાં બોલિંગ એલે માં શૂટઆઉટમાં ૧૮ના મૃત્યુ થયા હતા. તે વર્ષની સૌથી મોટી ઘટના છે. મોન્ટેરેરેે પાર્ક, કેલિફોર્નિયામાં સ્ટાર બોલરૂમ ગન્સ સ્ટુડિયોમાં ૭૨ વર્ષના હુ કાન ટ્રાંગ નામના શખ્સે ૧૨ના મોત નીપજ્યા હતા. એલેન-ટેક્સાસ, ઇનોક-ઉટાહ, ઓકલાહામા સહિત લગભગ તમામ રાજ્યોમાં શૂટ આઉટ થયા હતા.
તુર્કી અને સિરિયામાં ધરતીકંપ : ૬૮,૦૦૦ના મોત
તુર્કીમાં તેના ઇતિહાસનો સૌથી ભીષણ ૭.૮ રીચર સ્કેલનો ધરતીકંપ થયો હતો અને તેની તીવ્ર અસર સીરીયા સહિત અન્ય પ્રાંતમાં પણ થઈ હતી. ધરતીકંપને લીધે અંદાજે ૬૦૦૦૦ નાગરિકોના મૃત્યુ અને ૧.૧૦ લાખ જેટલા ઘાયલ થયા હતા. સીરીયામાં ૮૦૦૦ના મૃત્યુ અને ૧૪,૫૦૦ ઘાયલ થયા હતા આ ધરતીકંપ ૬ ફેબુ્રઆરીના રોજ થયો હતો.
અફઘાનિસ્તાનમાં ૧૫૦૦નાં અને મોરોક્કોમાં ૬૦૦૦નાં મૃત્યું :
અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંતમાં આવેલ હેરાતમાં ૬.૩ની તીવ્રતાનો ધરતીકંપ આવતા ૧૫૦૦ના મૃત્યુ થયા અને એક લાખ બેઘર બન્યા. મોરક્કોમાં ૬૦૦૦નાં મૃત્યું
લિબીયામાં ડેમ દુર્ઘટના : ૧૧૦૦૦ના મોત
લિબીયાના ડેર્ના શહેરમાં આવેલ બે ડેમ પૂરની સ્થિતિ સામે તૂટી પડતા પાણી શહેરો અને ગામોમાં ફરી વળ્યા હતા. ૧૧૦૦૦ ના મોત થયા અને એક લાખને સ્થળાંતર કરવું પડયું. ડેનિયલ નામના વાવાઝોડા અને ભારે વરસાદે આ સ્થિતિ સર્જી હતી. હજુ સુધી જનજીવન થાળે નથી પડયુ તેમજ વિશ્વની ધારી મદદ મળી નથી.
કેલિફોર્નિયાનાં જંગલોમાં ભયંકર આગ : ૨૪ના મૃત્યુ
કેલિફોર્નિયામાં છેલ્લા બે વર્ષ જેવી ભીષણ આગની ઘટના નહોતી બની પણ જંગલોમાં જરૂર આગ લાગી હતી અને ૨૪ નાગરિકોના મૃત્યુ થયા હતા તંત્રને અગાઉથી જ ભીતિ હોઈ એકાદ હજાર પરિવારોને સલામત સ્થળે ખસેડાયા હતા.
સુદાનમાં લશ્કરી શાસન સામે રેપિડ સપોર્ટ સ્ટાફ (પેરા મીલીટરી) ની મદદથી નાગરિકોએ બળવો પોકાર્યો. દેશભરમાં છ મહિના સુધી હિંસા પ્રવર્તતી રહી જો કે લશ્કરી શાસન ઉથલાવવામાં સફળતા ન મળી. ૧૦૦૦૦ નાગરિકોના મૃત્યુ થયા અને ૧૨૦૦૦ ને ઇજા થઇ. ૫૦ લાખ નાગરિકોએ સુદાનના શાંતિ ધરાવતા વિસ્તારમાં સ્થળાંતર કર્યું.