Good Bye 2023 : ફોર્બ્સની આ વર્ષની યાદીમાં સ્થાન પામેલી ભારતની ચાર શક્તિશાળી મહિલાઓ
બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જારી કરી છે. આ સૂચિમાં ભારતની ચાર સ્ત્રીઓને સ્થાન મળ્યું છે. વિવિધ ક્ષેત્રે કાર્યરત આ મહિલાઓએ પોતપોતાના ક્ષેત્રમાં મેળવેલી અપ્રતિમ સિધ્ધિને પગલે આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવ્યું છે. આવો જાણીઓ ભારતની કઈ કઈ સ્ત્રીઓએ દેશને સન્માન અપાવ્યું છે.
નિર્મલા સીતારમણ (૩૨મા સ્થાને) :
ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની સૂચિમાં ૩૨મું સ્થાન હાંસલ કરનાર નિર્મલા સીતારમણ ભારતીય જનતા પાર્ટીના સીનિયર લીડર છે. તેઓ વર્ષ ૨૦૧૯થી ભારતનું નાણાં મંત્રાલય તેમ જ કોર્પોરેટ એફર્સ ખાતું સંભાળી રહ્યાં છે. તેમણે વર્ષ ૨૦૧૭-૨૦૧૯ દરમિયાન દેશના સંરક્ષણ પ્રધાન તરીકેની કામગીરી બજાવી હતી. આમ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બાદ નાણાં તેમ જ સંરક્ષણ મંત્રાલયનો કારભાર સંભાળનાર તેઓ બીજા મિનિસ્ટર બન્યાં છે. વર્ષ ૨૦૨૨માં ફોર્બ્સે નિર્મલા સીતારમણને વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં ૩૬મું સ્થાન આપ્યું હતું, જ્યારે આ વર્ષે ૩૨મું.
કિરણ મઝુમદાર-શૉ (૭૬મું સ્થાન) :
ભારતના ઉદ્યોગ જગતમાં અગ્રણી સ્થાન ભોગવતાં ૭૦ વર્ષના ધનાઢ્ય મહિલા કિરણ મઝુમદાર શૉને આ વર્ષે ફોર્બ્સની શક્તિશાળી સ્ત્રીઓની યાદીમાં ૭૬મું સ્થાન પ્રાપ્ત થયું છે. તેમણે બેંગલુરુમાં બયૉકૉન લિમિટેડ અને બાયૉકૉન બાયૉલૉજિક્સની સ્થાપના કરી હતી અને તેનું નેતૃત્વ પણ કર્યું હતું. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઑફ મેનેજમેન્ટ-બેંગલુરુના અધ્ક્ષ્યક્ષ રહી ચૂક્યા છે. ફોર્બ્સે કિરણ મઝુમદાર શૉને તેમની વિશ્વની શક્તિશાળી મહિલાઓની યાદીમાં વર્ષ ૨૦૧૯માં ૬૮મું સ્થાન આપ્યું હતું. તેમને અન્ય કેટલીક પ્રતિષ્ઠિત સૂચિઓમાં પણ સ્થાન મળ્યાં છે.
સોમા મંડલ : (૭૦મા સ્થાને) :
ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની યાદીમાં ૭૦મા સ્થાને રહેલા સોમા મંડલ સ્ટિલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (સેઈલ) ના વર્તમાન અધ્યક્ષ છે. વર્ષ ૨૦૨૧થી આ જવાબદારી સંભાળી રહેલા તેઓ સેઈલના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં છે. ભૂવનેશ્વરમાં જન્મેલા સોમાએ વર્ષ ૧૯૮૪માં ઇલેકટ્રોનિક એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મેટલ ઇન્ડસ્ટ્રીમાં ૩૫ વર્ષનો અનુભવ ધરાવનાર સોમા મંડલે તેમની કામગીરીનો પ્રારંભ નેલ્કોથી કર્યો હતો. ૨૦૧૭ની સાલમાં સેઈલમાં જોડાવાથી પહેલા તેઓ નેલ્કોના ડાયરેક્ટર (કમર્શિયલ)ના પદ સુધી પહોંચ્યા હતા. સેઈલના કાર્યવાહક ડાયરેક્ટર અને અધ્યક્ષ સુધીની યાત્રા તેમની કારકિર્દીની સૌથી મોટી સિધ્ધિ છે. આ કોર્પોરેટ સિધ્ધિ ઉપરાંત સોમા સ્ટેન્ડિંગ કોન્ફરન્સ ઑફ પબ્લિક એન્ટરપ્રાઈસિસ (સ્કૉપ)ના અધ્યક્ષ પણ છે.
રોશની નાડર મલ્હોત્રા (૬૦મું સ્થાન) :
૪૨ વર્ષીય રોશની નાડર મલ્હોત્રા ભારતની જ નહીં, વિશ્વની ધનાઢય તેમ જ દાનેશ્વરી મહિલાઓમાંના એક છે. તેઓ એચસીએલ ટેકનોલોજીસના ચેરપર્સન છે. ભારતની લિસ્ટેડ આઈટી કંપનીના સૌપ્રથમ ચેરપર્સન તરીકે નામના મેળવનાર રોશની એચસીએલના સ્થાપક શિવ નાડરનું એકમાત્ર સંતાન છે. ફોર્બ્સની મોસ્ટ પાવરફુલ વૂમનની યાદીમાં વર્ષ ૨૦૧૯માં તેમને ૫૪મું, ૨૦૨૦ની સાલમાં ૫૫મું અને ૨૦૩ના વર્ષમાં ૬૦મું સ્થાન મળ્યું છે.