Good Bye 2023 : AAPને ફટકો, NCPમાં ઝટકો, ચૂંટણીમાં કોંગ્રેસ ફેલ... વાંચો 2023ની મોટી રાજકીય ઘટનાઓ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : AAPને ફટકો, NCPમાં ઝટકો, ચૂંટણીમાં કોંગ્રેસ ફેલ... વાંચો 2023ની મોટી રાજકીય ઘટનાઓ 1 - image

લોકસભાની સેમી ફાઈનલ : ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય 

કલ્પના ન કરી હોય તેવાની મુખ્યમંત્રી તરીકે તાજપોશી

જૂના જોગીઓને તેમના ૫ક્ષે કદ પ્રમાણે વેતરી નાંખ્યા

'મોદીની ગેરંટી' પર મતદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો   

આ વર્ષના અંતે મધ્યપ્રદેશ, છત્તિસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણી હતી. ૨૦૨૪માં મે મહિનાની આસપાસ લોકસભાની ચૂંટણી યોજાવાની હોઈ વિશેષ કરીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસ ગઢ જેવા મોટા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લોકસભાની સેમીફાઈનલ તરીકે માનવામાં આવતી હતી. મોદીએ જ આ ત્રણ રાજ્યોમાં ભારે જહેમત ઉઠાવીને પ્રચાર કર્યો હતો અને આ વખતે મોદીએ પ્રચારમાં જે જે જનઉપયોગી તેમજ વિકાસના પ્રોજેક્ટની જાહેરાત કરી તે પછી મોદી ઉમેરતા કે આ 'મોદીની ગેરંટી' છે. હું જે કહું છું તે તમને મળશે જ. મતદારો આમ પણ મોદી સરકારથી ખુશ છે. મોદીને નજરમાં રાખીને જ ભાજપને મત મળે છે. મધ્ય પ્રદેશમાં ભાજપની શિવરાજ ચૌહાણની, રાજસ્થાનમાં કોંગ્રેસના ગેહલોતની અને છત્તીસગઢમા કોંગ્રેસની ભુપેશ બાઘેલની સરકાર હતી.

મધ્ય પ્રદેશમાં ૨૩૦માંથી ભાજપે ૧૬૩ અને કોંગ્રેસે ૬૬ સીટમાં વિજય મેળવ્યો હતો. ચોથી ટર્મમાં ભાજપ જીત્યુ. શિવરાજ ચૌહાણને મુખ્યમંત્રી તરીકે પુન: નિયુક્ત કરાશે પણ ભાજપ હાઈકમાન્ડે ત્રણેય રાજ્યોમાં કોઇએ તો ઠીક ખુદ જે ધારાસભ્યએ પણ કલ્પના નહોતી કરી તેવાને મુખ્યમંત્રી બનાવી આશ્ચર્ય સર્જ્યું. મધ્ય પ્રદેશમાં મોહન યાદવને મુખ્યમંત્રી બનાવાયા. રાજસ્થાનમાં તો વસુંધરા રાજેએ તો ગોળધાણાની તૈયારી પણ કરી રાખી હતી પણ તેમની હાજરીમાં જ મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માનું નામ ચીઠ્ઠીમાંથી ખુલ્યું અને કડવો ઘૂંટ પીવો પડયો. રાજસ્થાનમાં ૨૦૦ સીટમાંથી ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ફાળે ૬૯ સીટ જ આવી હતી.

છત્તીસગઢમાં પણ કોંગ્રેસના હાથમાંથી સત્તા ખેંચી લેતા ભાજપે ૯૦ કુલ સીટમાંથી ૫૪ સીટ જીતી ્ને કોંગ્રેસનો ૩૫ બેઠકો સાથે રકાસ થયો. ભાજપે મુખ્યમંત્રીનો કળશ વિષ્ણુદેવ સાઈ પર ઢોળ્યો.

૪૦ બેઠકો ધરાવતા મિઝોરમમાં લાલદુહોમા ૨૭ બેઠક સાથે સરપ્રાઈઝ વીનર રહ્યા. તેલંગાના કોંગ્રેસે જીતતા તેઓને આશ્વાસન ઇનામ જેવું લાગ્યું હશે. ૨૦૧૪ પછી ચંદ્રશેખર રાવની સરકારને વિદાય લેવી પડી. કુલ ૧૧૯ બેઠકોમાંથી ૬૪માં કોંગ્રેસ જીત્યું. ચંદ્રશેખર રાવના બી.આર.એસ. પક્ષે ૩૯ બેઠક જ જીતી. રેવાંથ રેડ્ડી મુખ્ય પ્રધાન તરીકે બિરાજમાન થયા. ભાજપ, કોંગ્રેસ અને બીઆરએસમાંથી શિવરાજ સિંઘ, વસુંધરા રાજે, ચંદ્રશેખર રાવ, ગેહલોત, કમલનાથ, બાઘેલ જેવા મોટા માથાઓને તેમના પક્ષે કદ પ્રમાણે વેતરીને તેઓની જગા બતાવી દીધી છે.

કર્ણાટકમાં કોંગ્રસનો જયજયકાર : સિધ્ધારામૈયા મુખ્યમંત્રી બન્યા

દેશમાં કોંગ્રસની હાલત નાજુક છે. ભાજપ શાસિત રાજ્યોની પાંખો લગાતાર પ્રસરતી જ જાય છે જે ગણીને ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે તેમાં કર્ણાટક કોંગ્રેસ માટે મોટુ આશ્વાસન ઇનામ છે. હિમાચલ પ્રદેશ અને તેલંગાના અન્ય બે રાજ્યો છે. કર્ણાટકમાં આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૨૨૪ બેઠકોમાંથી કોંગ્રસે ૧૩૫, ભાજપે ૬૬, જેડી (એસ) ૧૯ અને અન્યને ફાળે ચાર બઠકો આવી હતી. સિદ્દારમૈયાને કોંગ્રસ હાઈકમાન્ડે રાજ્યનું સુકાન સોંપ્યું હતું. ૨૦૧૩-૨૦૧૮ની ટર્મમાં પણ તેઓ મુખ્ય પ્રધાન હતા.

INDIA : વિપક્ષોનો 'હમ સાથ સાથ હૈ'નો નારો

વડાપ્રધાન મોદીનો પ્રભાવ અને જાદુ વધતો જ જાય છે. ભાજપ સરકાર પણ એક પછી એક લક્ષ્યાંકો પાર પાડતી જાય છે ત્યારે અત્યાર સુધી એકબીજા સામે ઘૂરકીયા કરનાર જુદા જુદા વિરોધ પક્ષના નેતાઓને જ્ઞાાન લાધ્યું છે કે બધા ભેગા થઈને એક પક્ષ તરીકે ચૂંટણીમાં લડીશું તો ભાજપને હંફાવી શકીશું. વડાપ્રધાનનો ઉમદેવાર કોણ તે પછીથી જાહેર કરીશું. અત્યાર સુધીના ભૂતકાળના ગઠબંધનમાં વિરોધ પક્ષો કોંગ્રેસની જોડે જોડાણ કરવાની માંગ સાથે જતા પણ હવે કોંગ્રસનું જ એ હદે ધોવાણ થયું છે કે કોંગ્રેસ પણ ઇચ્છે છે કે, હમ સાથ સાથ હૈ, ના નારા સીવાય છૂટકો નથી. આમ ૨૬ વિરોધ પક્ષોએ INDIA   નામનું મહાગઠબંધન જાહેર કર્યું જેઓ લોકસભાની બેઠકોમાં કયા પક્ષે ઉમેદવાર વધુ ઉભા રાખવા તે નક્કી કરશે. અત્યારે લોકસભામાં આ ૨૬ પક્ષોની કુલ ૨૦૦ બેઠકો છે. INDIA   એટલે ભારત નહીં પણ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટસ ઇન્કલુઝિવ અલાયન્સ તેમ સમજવું.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ 

દિલ્હીમાં મદ્યપાન માટેની પોલીસીના મૂળ ડ્રાફ્ટમાં પોતાની રીતે જ કેટલાક સુધારા કર્યા અને મદ્યપાન વેચનારા ઠેકા કે હોટલને લાયસન્સ આપવા બદલ તેમણે અને તેમની ટીમે ખૂબ મોટા આંકડામાં લાંચ લીધી હતી. શરાબના ઉત્પાદકો અને વિક્રેતાઓને ફાયદો થાય તેવી કલમો ડ્રાફ્ટમાં કોઇને વિશ્વાસમાં લીધા વગર ઉમેરી હતી. તેવો સીબીઆઈએ આરોપ મુકી ધરપકડ કરી અને પોતે તેનો બચાવ કરવામાં નિષ્ફળ નીવડયા હતા.

શરદ પવારનું રાજીનામું અને પુન: પ્રવેશનો ડ્રામા

છેલ્લા ચાર દાયકાથી દેશના શક્તિશાળી નેતા શરદ પવારે તેના પક્ષ એનસીપીના અધ્યક્ષ તરીકે અચાનક રાજીનામું આપી બધાને ચોંકાવી દીધા હતા. નવી પેઢીને સુકાન સોંપવા તેઓ આ પગલું ભરી રહ્યા છે તેમ તેમણે કહ્યું હતું. તે પછી તેમના પાર્ટીના અન્ય નેતા, સભ્યો તેમજ વિરોધ પક્ષના નેતાઓ તેમને આગ્રહ કર્યો કે તમારે જ અધ્યક્ષ તરીકે જારી રહેવું જોઈએ અને આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યું તે કહેવત પ્રમાણે માની ગયા.

ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ

તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુ જયારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે બેરોજગાર યુવાનોને તાલીમ આપવા માટે ફાળવેલ રૂપિયામાંથી રૂ. ૩૭૧ કરોડ વચ્ચેથી લઇને ભ્રષ્ટાચાર આદર્યો હતો. તેવા આરોપસર તેમની ધરપકડ થઈ હતી. દોઢેક મહિના પછી તેમને જામીન મળ્યા હતા.

ભારતમાં નવી સંસદ જેમાં 'સેંગોલ' પણ છે

ત્રણ વર્ષના બાંધકામના સમયગાળા બાદ નવા સંસદ ભવનને ખુલ્લુ મુકવામાં આવ્યું. લોકસભા અને રાજ્યસભા એક જ સંકુલમાં ખૂબ જ મોકળાશભરી જગ્યા અને દ્રષ્ટિસભર આર્કિટેકચર અને ડિઝાઇનથી આ સંસદ બની છે. લોકસભામાં ૮૮૮ અને રાજ્ય સભામાં ૩૮૪ સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા છે. સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત આ ભવન બન્યું છે જેની ડિઝાઇનમાં ગુજરાતના આર્કિટેક બિમલ પટેલનું યોગદાન છે. નવા સંસદ ભવનની ખાસિયત એ પણ છે કે શાસન, લોકશાહી અને નાગરિક પરત્વેની જવાબદારીની યાદ અપાવતી 'સેંગોલ' ભારત આઝાદ થયું ત્યારે નહેરૂને સોંપાઈ હતી. જે અલાહાબાદના નહેરૂ મ્યુઝિયમમાં સચવાયેલી હતી. મોદી સરકારને લાગ્યું કે 'સેંગોલ'નું ખરૂ સ્થાન સંસદ ભવનમાં હોવું જોઈએ અન્ન 'સેંગોલ'ને પરંપરા પ્રમાણેની વિધી બાદ સંસદ ભવનમાં સ્પિકરની બેઠકની બાજુમાં સ્થાન અપાયુ છે.

રાહુલ ગાંધીને મજાક ભારે પડી, સુપ્રીમ કોર્ટની રાહત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર ભાષણ દરમ્યાન નિરવ મોદી, લલીત મોદી જેવા ભાગેડુઓનું નામ લીધા વગર વડાપ્રધાન મોદી તરફ નિશાન તાંક્યા કહ્યું હતું કે 'બધા ચોર મોદી જ કેમ ?' તેમનો આવી સ્પિચ સામે ગુજરાતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ બદનક્ષીનો દાવો માંડયો કે રાહુલ ગાંધીની કોમેન્ટથી તમામ મોદી સમાજનું અપમાન થયું છે. રાહુલ ગાંધીને સુરતની કોર્ટમાં આવવું પડયું. તેમની વિરૂધ્ધમાં સેશન્સસ અનએ તે પછી ગુજરાત હાઈકોર્ટે પણ રાહત ન આપતા તેમનું સાંસદ પદ પણ ગયુ અને આવાસ સહિતની સવલતો પાછી ખેંચાઈ. સુપ્રીમ કોર્ટે તેમને સ્ટે આપતા ફરી સાંસદ તરીકેના હક્કો મેળવ્યા. કોંગ્રેસ પક્ષ સમગ્ર ઘટના ક્રમને ભાજપની કિન્નાખોરી તરીકે ગણાવે છે.


Google NewsGoogle News