યુદ્ધ હોય કે મહામારી... જાણો કેમ સોનામાં તેજી હોય છે અને શેરબજારો ગગડવા લાગે છે
Gold Prices Rise : વિશ્વમાં ક્યાંય પણ યુદ્ધ અથવા અન્ય કોઈ પ્રકારની નાણાકીય કટોકટી સર્જાય છે ત્યારે બે બાબતો બનતી હોય છે. એક તો એ કે, શેરબજારમાં ઘટાડો થાય છે અને બીજું એ કે, સોનાના ભાવમાં વધારો થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયેલું ત્યારેય આમ બન્યું હતું અને હવે તાજેતરમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના ભડાકા થઈ રહ્યા છે ત્યારેય આવું બન્યું છે. વિશ્વભરના શેરમાર્કેટમાં કડાકો બોલાઈ ગયો છે તો સામે પક્ષે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. યુદ્ધ બધા ક્ષેત્રે મંદી લાવતું હોવા છતાં સોનામાં તેજી કઈ રીતે આવે છે? ચાલો સમજીએ.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધે સોનાની ચમક વધારી
ગત મંગળવારે ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. એની સામે ઈઝરાયલે હુમલાનો આકરો જવાબ આપવાની જાહેરાત કરી હતી. જેને પરિણામે સમગ્ર વિશ્વમાં તણાવ વધી ગયો છે. યુદ્ધના ભણકારા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક 5 ટકા જેટલો વધારો થયો છે અને સોનાના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ગુરુવારે સવારે 75615 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો તે વધીને 76082 છે રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, આ વધારો અપેક્ષા કરતાં ઓછો છે.
આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો ભારતને મોટું નુકસાન, આ 3 વસ્તુઓ પર થશે સીધી અસર
રશિયા-યુક્રેન યુદ્ધ વખતે સોનામાં આટલો ભાવવધારો થયો હતો
ફેબ્રુઆરી 2022 માં 10 ગ્રામ સોનાનો ભાવ 50000 રૂપિયા હતો જે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે થોડા જ દિવસોમાં 55000 રૂપિયા થઈ ગયો હતો. ગયા વર્ષના અંત સુધીમાં આ ભાવ 63000 રૂપિયા હતો. હાલ એ 76000ની સપાટી કુદાવી ગયો છે.
આપત્તિમાંય સોનું શા માટે મોંઘું થાય છે?
યુદ્ધની પરિસ્થિતિમાં, કોરોના જેવી મહામારીમાં કે પછી કોઈપણ પ્રકારના ભૂરાજકીય તણાવમાં સોનાના ભાવ વધે છે, એના ઘણા કારણો છે. કટોકટીકાળમાં અન્ય સંપત્તિઓની કિંમત ઓછી થાય છે, શેરબજારોમાં પણ ઘટાડો થાય છે, પણ એકમાત્ર સોનું જ એવી ચીજ છે જેની ચમક ઓછી નથી થતી, કારણ કે લોકો તેને સૌથી સુરક્ષિત રોકાણ-વિકલ્પ માને છે. સંકટ સમયે સામાન્ય લોકો જ નહીં, સરકારો પણ સોનું ખરીદવાનું શરૂ કરે છે. માંગ વધતાં તેની કિંમતો પણ વધવા લાગે છે. સોનું વેચીને લોકો આર્થિક તંગીના સમયમાં ટકી જતા હોય છે. સરકારો પણ સોનું ગીરવે મૂકીને દેશના અર્થતંત્રને ટેકો આપતી હોય છે. ટૂંકમાં, સૌથી ભરોસાપાત્ર ‘જણસ’ હોવાથી સોનાનો ઉપાડ કટોકટીમાં પણ થતો હોય છે, જેને લીધે એનો ભાવ વધતો હોય છે.
ગજબનું દુષ્ચક્ર - યુદ્ધ, મોંઘવારી, ફુગાવો અને ચલણનું અવમૂલ્યન
યુદ્ધ ચાલતું હોય ત્યારે દેશો વચ્ચેના આયાત-નિકાસ વ્યાપાર પર પ્રતિકૂળ અસર થતી હોય છે, જેને લીધે ચીજ-વસ્તુઓની તંગી સર્જાય છે. પરિણામે મોંઘવારી અને ફુગાવો વધે છે. જે-તે દેશના ચલણનું અવમૂલ્યન થાય છે. રોકડાનું મૂલ્ય ઘટી જાય ત્યારે પણ સોનાનો ભાવ જળવાઈ રહેતો હોય છે, એટલા માટે પણ લોકો સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ કિંમત વધીને 77 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે. ઈંધણના ભાવ વધવાથી પરિવહન પ્રભાવિત થાય છે અને મોંઘવારી વધે છે. કટોકટીકાળ પૂરો ન થાય ત્યાં સુધી આ દુષ્ચક્ર ચાલતું જ રહે છે.
આ પણ વાંચો : ઈઝરાયલે પણ લોથ મારી! જમ્મુ-કાશ્મીરનો હિસ્સો પાકિસ્તાનના નક્શામાં બતાવતાં મોટો વિવાદ
સંકટ સમયની સાંકળ સાબિત થતું સોનું
ભૂરાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને યુદ્ધ જેવી આપત્તિ ઉપરાંત અમેરિકા જેવી મહાસત્તા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે ત્યારે પણ સોનાના ભાવ ઊંચકાતા હોય છે. સો વાતની એક વાત કે આમ જનતાને ગમે એવી પરિસ્થિતિમાં જે અવમૂલ્યન ન પામે એવો રોકાણ-વિકલ્પ જોઈતો હોય છે, અને એ ખોજ સોના પર જઈને અટકે છે, જેને લીધે સોનાની માંગ કાયમ જ રહેતી હોય છે. આમ, દેશના અર્થતંત્રથી લઈને ઘરના રસોડા સુદ્ધાંને દોડતું રાખવા માટે સંકટ સમયની સાંકળનું કામ આપતું સોનું સૌથી ભરોસાપાત્ર હોવાથી કટોકટીકાળમાં પણ એના ભાવ હંમેશાં ઊંચે જતા હોય છે.