મહાકુંભ જવા માટે ફ્રી ટ્રેન અને ફ્રી ભોજન, જાણો કયા રાજ્યના મુખ્યમંત્રીએ કરી જાહેરાત
Pramod Sawant announces free train and free food for Mahakumbh : મહાકુંભ 2025માં જવા માંગતા શ્રદ્ધાળુઓ અંગે ગોવા સરકારે એક મોટી ભેટ આપતા રાજ્યમાંથી ત્રણ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ સુધીની મફત યાત્રા કરી શકશે. આ મહાકુંભ સ્પેશિયલ ટ્રેનો 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. હજારો શ્રદ્ધાળુઓ આનો લાભ લઈ શકશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ અંગે વધુ માહિતી આપી હતી.
ગોવાથી પ્રયાગરાજ સુધીની સ્પેશિયલ ટ્રેનો ફ્રીમાં ચલાવાશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમડી રહી છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવીને પવિત્ર સ્નાન કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે સેંકડો વધારાની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેમાં હવે ગોવા સરકારે ગોવાથી પ્રયાગરાજ સુધીની સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરીને તેના રાજ્યના ભક્તોને મોટી ભેટ આપી છે. આ ટ્રેનમાં શ્રદ્ધાળુઓ ફ્રીમાં યાત્રા કરી શકશે.
યાત્રા દરમિયાન ભોજન નિઃશુલ્ક આપવામાં આવશે
શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવી રહેલી આ ત્રણ સ્પેશિયલ ટ્રેન સાઉથ ગોવાના મડગાવ રેલ્વે સ્ટેશનથી પ્રયાગરાજ સુધી ચાલશે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, 'પહેલી સ્પેશિયલ ટ્રેન 6 ફેબ્રુઆરીએ સવારે 8 વાગ્યે મડગાવ રેલ્વે સ્ટેશનથી ઉપડશે. જયારે બાકીની બે સ્પેશિયલ ટ્રેનો 13 અને 21 ફેબ્રુઆરીએ મડગાવથી પ્રયાગરાજ સુધી ચલાવવામાં આવશે. દરેક ટ્રેન લગભગ 1100 યાત્રીઓ લઇ જશે.' આ સિવાય રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી સુભાષ ફલ દેસાઈએ કહ્યું હતું કે, 'શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન ભોજન નિઃશુલ્ક આપવામાં આવશે. આ ટ્રેનો મડગાવથી 34 કલાક પછી પ્રયાગરાજ પહોંચશે.' અહીં તમને જણાવી દઈએ કે, મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરુ થયો હતો અને 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.