'જીએનએ'ના ડીએનએ મોદી-ફાઈડ થયા, તેમનું 'રિમોટ' મોદીના હાથમાં : કોંગ્રેસ
રાજીનામું આપનાર આઝાદ સામે કોંગ્રેસના આકરા પ્રહાર
'પહેલાં સંસદમાં મોદીના આંસુ, પછી પદ્મ વિભુષણ, પછી નિવાસસ્થાન માટે એક્સટેન્શન, યે સંયોગ નહીં સહયોગ હૈ' : રમેશ
નવી દિલ્હી, તા.૨૬
વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી કોંગ્રેસે શુક્રવારે તેમના પર ચારેબાજુથી હુમલો કર્યો હતો અને કહ્યું કે, પક્ષના નેતૃત્વ સાથે તેમનો 'દગો' તેમનું વાસ્તવિક ચરિત્ર દર્શાવે છે. હવે ગુલામ નબી આઝાદ (જીએનએ)નું ડીએનએ મોદી-ફાઈડ થઈ ગયું છે.
કોંગ્રેસે તેમના રાજીનામાને રાજ્યસભામાં તેમનો કાર્યકાળ પૂરો થવા સાથે સાંકળ્યું હતું અને દાવો કર્યો હતો કે આઝાદે એવા સમયે પક્ષને દગો આપ્યો છે જ્યારે પક્ષમાં આંતરિક ચૂંટણીઓ યોજાઈ રહી છે. ઉપરાંત તેમનું આ ચરિત્ર દર્શાવે છે કે તેમનું રિમોટ કંટ્રોલ નરેન્દ્ર મોદીના હાથમાં છે અને તેમની વચ્ચેનો 'પ્રેમ' સંસદમાં પણ જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે, પહેલાં સંસદમાં મોદીના આંસુ, પછી પદ્મ વિભુષણ, પછી નિવાસસ્થાન માટે એક્સટેન્શન. યે સંયોગ નહીં સહયોગ હૈ.
જયરામ રમેશે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વ દ્વારા ખૂબ જ આદર આપવામાં આવ્યો હતો તેવી વ્યક્તિએ રાહુલ ગાંધી પર વિષ ઓકતા વ્યક્તિગત હુમલા કર્યા છે, જે દર્શાવે છે કે ગુલામ નબી આઝાદ 'જીએનએ'ના ડીએનએ મોદી-ફાઈડ થઈ ગયા છે. રમેશે કહ્યું આઝાદના રાજીનામા પત્રની વિગતો વાસ્તવિક નથી અને તેનો સમય ભયાનક છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આખું કોંગ્રેસ સંગઠન મોંઘવારી, બેરોજગારી અને ધુ્રવીકરણના મુદ્દાઓ પર ભાજપ સામે લડી રહ્યા છે તેવા સમયે આઝાદે આપેલું રાજીનામું કમનીબ છે.
કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેરાએ પણ આઝાદના રાજીનામાને રાજ્યસભામાં તેમના કાર્યકાળ સાથે સાંકળ્યું હતું. તેમણે કહ્યું કે, ગુલામ નબી આઝાદ જેવા લોકો એક સેકન્ડ પણ પદ વિના રહી શકતા નથી.