રાજકારણીઓ કરતાં વેઈટરો પર વધારે ભરોસો કરે છે દુનિયા, જાણો ભારતીયો કોના પર વિશ્વાસ કરે છે
Global Trustworthiness Index 2024 : દુનિયામાં જાતજાતના સર્વે થતાં રહે છે. એવો જ એક રસપ્રદ સર્વે ‘વૈશ્વિક વિશ્વાસપાત્રતા સૂચકાંક 2024’ તાજેતરમાં થયો હતો. સર્વે કંઈક એવો છે કે લોકો કયા ક્ષેત્રમાં કામ કરતાં વ્યવસાયિકો પર વધારે ભરોસો કરે છે. ભારતના નાગરિકો અને અન્ય દેશના લોકોના મંતવ્યો બાબતે ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
ભારતીય નાગરિકોનો ભરોસો કોના પર વધારે, કોના પર ઓછો?ભારતીય નાગરિકોને રાજકારણીઓ, સરકારી મંત્રીઓ, સરકારી કર્મચારીઓ, પોલીસ અને વકીલો ખાસ ભરોસેમંદ જણાતા નથી. ભારતીયોને ડોક્ટરો, શિક્ષકો, સશસ્ત્ર દળો અને વિજ્ઞાનીઓ સૌથી વધુ વિશ્વાસપાત્ર લાગે છે. ભરોસાપાત્ર વ્યવસાયિકોની યાદીમાં એ પછીના નંબરે આવે છે ન્યાયાધીશો અને બેંકરો. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ (પ્રભાવકો) પર ભરોસો કરવામાં મોટાભાગના ભારતીયો અચકાય છે.
વૈશ્વિક સ્તરે આવી છે સ્થિતિ
દુનિયાના 32 દેશોમાં કરવામાં આવેલા આ સર્વેનું તારણ કહે છે કે તમામ દેશોમાં લોકો સૌથી વધુ ભરોસો ડોક્ટરો પર કરે છે. ભારતમાં 57% લોકોને ડોક્ટરો વિશ્વાસપાત્ર લાગે છે તો વૈશ્વિક સ્તરે આ આંકડો 58% છે. શિક્ષકો માટે ભારતમાં 56% લોકોએ ભરોસો દાખવ્યો છે તો વૈશ્વિક સ્તરે 54% લોકોએ શિક્ષકો પર ભરોસો દર્શાવ્યો છે. વિજ્ઞાનીઓ માટે આ આંકડો અનુક્રમે 54% અને 56% નો છે, તો સશસ્ત્ર દળો માટે આ આંકડો અનુક્રમે 56% અને 43% નો છે. દુનિયાભરના નાગરિકો રાજકારણીઓ, સરકારી મંત્રીઓ, સરકારી કર્મચારીઓ, પોલીસ અને વકીલો કરતાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ભોજન પીરસતા વેઈટરો પર વધુ (44%) વિશ્વાસ કરે છે.
વૈશ્વિક સ્તરે આ સૌથી બિનભરોસાપાત્ર વ્યવસાયિકો છે
રાજ નેતાઓ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ, સરકારી મંત્રીઓ, એડ એક્ઝિક્યુટિવ અને બિઝનેસમેન વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભરોસાપાત્ર વ્યવસાયિકો સાબિત થયા છે. વૈશ્વિક સ્તરે ફક્ત 15% લોકો રાજનેતાઓ પર ભરોસો કરે છે, જ્યારે કે ભારતમાં આ આંકડો 40% છે. એડ એક્ઝિક્યુટિવ (જાહેરાત બનાવનારા) પર સમગ્ર વિશ્વમાં માત્ર 17% લોકો વિશ્વાસ કરે છે, જ્યારે કે ભારતમાં 43% લોકો તેમના પર વિશ્વાસ કરે છે.
વૈશ્વિક સરેરાશ સામે ભારતીયો ભોળા કે ઉદાર?
સર્વેના આંકડા કહે છે કે, અન્ય દેશના નાગરિકો કરતાં ભારતીયો નેતાઓ અને મંત્રીઓ પર વધુ વિશ્વાસ કરે છે. એ હિસાબે જોઈએ તો ભારતીયો ઉદાર દિલના કહેવાય. અલબત્ત, અન્ય વ્યવસાયો સાથે સરખામણી કરવામાં આવે તો એમની તુલનામાં ભારતના લોકો પણ નેતાઓ, મંત્રીઓ અને ધાર્મિક નેતાઓ પર સૌથી ઓછો વિશ્વાસ કરે છે.
આ 5 વ્યવસાયિકો પર ભારતીયો સૌથી ઓછો વિશ્વાસ કરે છે
- ‘નેતાઓ’ પર 31% ભારતીયો વિશ્વાસ કરતા નથી.
- ‘સરકારના મંત્રીઓ’ પર 28% ભારતીયો વિશ્વાસ કરતા નથી.
- ‘ધાર્મિક નેતાઓ’ પર 27% ભારતીયો વિશ્વાસ કરતા નથી.
- ‘પોલીસ’ પર 26% ભારતીયો વિશ્વાસ કરતા નથી.
- ‘પત્રકારો’ પર 25% ભારતીયો વિશ્વાસ કરતા નથી.
કયા વય જૂથના લોકો કોના પર કેટલો ભરોસો કરે છે?
આ સર્વેમાં પહેલીવાર સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરેરાશ જોઈએ તો વિશ્વભરના ફક્ત 15% લોકો જ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ પર વિશ્વાસ કરે છે. બાકીના લોકો એમને જૂઠા જ માને છે.
- એમના પર સૌથી વધુ ભરોસો Gen Z (વર્ષ 1997 થી 2012 વચ્ચે જન્મેલ પેઢીના લોકો) મૂકે છે. 20% Gen Z ને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ ભરોસેમંદ લાગે છે.
- મિલેનિયલ્સ (1981 થી 1996 દરમિયાન જન્મેલ લોકો) પૈકીના 18% અને Gen X (1965 થી 1980 દરમિયાન જન્મેલ લોકો) પૈકીના 13% લોકોને જ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ વિશ્વાસપાત્ર લાગે છે.
- બેબી બૂમર્સ (1946 થી 1964 દરમિયાન જન્મેલ લોકો) માટે આ આંકડો માત્ર 9% છે. એનો અર્થ એ કે સોશિયલ મીડિયાના આગમન અગાઉ જન્મેલ પેઢીને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ ખાસ ભરોસાપાત્ર જણાતા નથી, પણ સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા લોકો આવા ઈન્ફ્લુએન્સર્સમાં વિશ્વાસ કરે છે.
સર્વેની વિગતો
IPSOS એ ફ્રેન્ચ બહુરાષ્ટ્રીય કંપની છે, જે બજાર સંશોધન અને પરામર્શનનું કામ કરે છે. IPSOS દ્વારા 24 મેથી 7 જૂન દરમિયાન 'IPSOS ગ્લોબલ ટ્રસ્ટવર્ધી ઈન્ડેક્સ 2024' નામનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 32 દેશોના 23,530 વયસ્ક નાગરિક સહભાગી થયા હતા. સર્વેમાં 2,200 ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી 1800 લોકોનો રૂબરૂ અને 400 લોકોનો ઓનલાઈન ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. સર્વેમાં સામેલ મોટાભાગના ભારતીયો શહેરી વિસ્તારના હતા.