Layoff : અમેરિકામાં ટેક જગતની દિગ્ગજ કંપનીના હજારો કર્મચારીઓ પર છટણીની લટકતી તલવાર
હજારો કર્મચારીઓ સામે બેરોજગાર થવાનું જોખમ ઊભું થયું
image : Freepik |
Cisco Layoffs and Global Layoffs 2024 News : 2024 માં વિશ્વભરની કંપનીઓમાં છટણી પ્રક્રિયામાં નોંધપાત્ર વધારો થયો છે. આ મામલે હજુ રાહતના કોઈ સંકેત દેખાતા નથી કારણ કે દિવસે ને દિવસે એક પછી એક મોટી અને દિગ્ગજ કંપનીઓ દ્વારા છટણીની જાહેરાત કરવામાં આવી રહી છે. હવે આ યાદીમાં વધુ એક મોટી કંપનીનું નામ જોડાવા જઈ રહ્યું છે.
સિસ્કો છટણી માટે તૈયાર
અહેવાલ અનુસાર વિશ્વની સૌથી મોટી નેટવર્કિંગ અને સોફ્ટવેર કંપનીઓમાંની એક સિસ્કો આગામી દિવસોમાં છટણીની તૈયારી કરી રહી છે. અમેરિકાની સૌથી મોટી નેટવર્કિંગ કંપની દ્વારા છટણીની તૈયારી કરાતાં હજારો કર્મચારીઓ સામે બેરોજગાર થવાનું જોખમ ઊભું થયું છે. જો કે, કંપનીએ હજુ સુધી એ નક્કી નથી કર્યું કે તે આ વખતે કેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે.
ટેક દિગ્ગજ છે સિસ્કો
સિસ્કો ટેક જગતમાં એક મોટું નામ છે. કેલિફોર્નિયાના સેન જોસમાં તેનું મુખ્યમથક આવેલું છે. આ કંપનીની ગણતરી સૌથી વધુ નોકરીઓ આપતી કંપનીઓમાં પણ થાય છે. નાણાકીય વર્ષ 2022-23 ના અંતે સિસ્કોના કર્મચારીઓની કુલ સંખ્યા 84,900 હતી. હવે જ્યારે કંપની તેના વ્યવસાયને રિસ્ટ્રક્ચર કરવા માંગે છે ત્યારે હજારો કર્મચારીઓની નોકરીઓ પર અસર થઈ શકે છે.