હિમાચલમાં ગ્લેશિયર તૂટયું, વાદળ ફાટતા ભૂસ્ખલન : 50નાં મોતની આશંકા

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News

હિમાચલમાં ગ્લેશિયર તૂટયું, વાદળ ફાટતા ભૂસ્ખલન : 50નાં મોતની આશંકા 1 - image

- શ્રીખંડ ભૂસ્ખલનમાં એક જ પરિવારના 16 લોકો તણાયા

- કેદારનાથમાં ફસાયેલા 10,500 લોકોને બચાવાયા, ઝારખંડમાં મૂશળધાર વરસાદથી રસ્તા ધોવાયા, મકાનોને નુકસાન

શિમલા : હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને કુલ્લુમાં શ્રીખંડ મહાદેવ પાસે ગ્લેશિયર અને વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનથી ૫૦ લોકોનાં મોતની આશંકા સેવાઈ રહી છે. હિમાચલમાં ભારે વરસાદના કારણે રામપુરના સમેજ ગામમાં ૩૬ લોકો લાપતા છે જ્યારે કુલ્લુના બાગી પુલમાં છ લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે. આ સિવાય ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં પણ મૂશળધાર વરસાદ પડયો હતો. 

હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. અનેક ઈમારતોને નુકસાન ઘયું છે તથા અનેક લોકો લાપતા થઈ ગયા હોવાની માહિતી મળી છે. આ લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવાઈ રહ્યું છે. આવા સમયે મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે આ દુર્ઘટનામાં અંદાજે ૫૦ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. જોકે, સત્તાવાર સંખ્યા સર્ચ ઓપરેશન પૂરું થયા પછી જ કહી શકાશે. 

શિમલા જિલ્લાના રામપુરના સમેજ ગામમાં વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે એક પ્રવાસીએ શૂટ કરેલો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. આ વિસ્તારમાં એનડીઆરએફ, આઈટીબીપી, એસડીઆરએફ, સીઆઈએસએફ, પોલીસ અને હોમગાર્ડ સહિત કુલ ૪૧૦ બચાવ કર્મચારી ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સમેજ ગામમાં બચાવ કર્મચારીઓને જોઈને એક વૃદ્ધ બક્શી રામે કહ્યું કે, શ્રીખંડ ભૂસ્ખલનમાં તેમણે તેમના પરિવારના ૧૬ લોકોને ગુમાવી દીધા છે.

દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે હિમાલયમાં આવેલા યાત્રાધામ કેદારનાથમાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેમને બચાવવા માટે ત્રણ દિવસથી બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેમાં ૧૦,૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને એરફોર્સના હેલિકોપ્ટર્સથી એરલિફ્ટ કરાયા હતા. અધિકારીઓએ કહ્યું કે, કેદારનાથ, બિમ્બલિ અને ગૌરિકુંડમાં ૧,૩૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે, પરંતુ તેઓ સલામત છે. શ્રદ્ધાળુઓને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસના કર્મચારીઓ બચાવ અભિયાનમાં કામે લાગ્યા છે. ઈન્ડિયન એરફોર્સના ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સ પણ કેટલાક શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરી રહ્યા છે.

પૂર્વ ભારતમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ મૂશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ઝારખંડમાં છેલ્લા બે દિવસમાં વરસાદના કારણે કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે, વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયા છે, મકાનોને ભારે નુકસાન થયું છે જ્યારે એક પૂલ પણ તૂટી પડયો છે. જોકે, રાજ્યમાં હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર નોંધાયા નથી તેમ હવામાન અધિકારીએ કહ્યું હતું.


Google NewsGoogle News