NDAના દિગ્ગજ નેતા સામે અણ્ણા હઝારે ઉતર્યા મેદાને, કહ્યું - તેમને ક્લિનચીટ આપવી મોટી ભૂલ
Image : IANS |
Anna hazare and Ajit Pawar | મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક (શિખર બેંક) કૌભાંડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારને ક્લિનચીટ આપવામાં આવી છે. હવે આ મામલે પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ તેમના વિરોધમાં ઉતરી આવ્યા છે. અણ્ણા હઝારેએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અજિત પવારને ક્લિનચીટ આપી દેવી એ તદ્દન ખોટું છે. આ એક મોટી ભૂલ હતી. અમે આ મામલે કોર્ટમાં જઈશું.
કોર્ટમાં પડકારવાની તૈયારી
અણ્ણા હજારે ક્લોઝર રિપોર્ટને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે. અણ્ણા હજારે અને માણિકરાવ જાધવના વકીલોએ પોલીસના ક્લોઝર રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે આ વાંધો સ્વીકારીને અરજી દાખલ કરવા માટે સમય આપ્યો હતો. આ મામલામાં આગામી સુનાવણી 29 જૂને થશે.
શું છે મામલો?
શિખર બેંક લોન કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) એ તેનું વલણ બદલ્યું છે અને NCP નેતા અજિત પવાર સહિત ઘણા આરોપી નેતાઓને ક્લિનચીટ આપી હતી. અજિત પવાર, તેમની પત્ની સુનેત્રા પવાર અને અન્ય આરોપીઓને મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ રૂ. 25 હજાર કરોડના શિખર બેંક કૌભાંડના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. પોલીસે કહ્યું કે તેમની સામે કોઈ પુરાવા નથી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા અજિત પવારને રાજકીય કોરિડોરમાંથી પણ ક્લિનચીટ મળી હતી.
વકીલોની શું છે દલીલ?
વકીલોની દલીલ છે કે સરકાર દ્વારા તપાસ એજન્સીઓનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ શાસક પક્ષો દ્વારા પણ અન્ય પક્ષોના નેતાઓને પોતાના પક્ષમાં લાવવા દબાણ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. અજિત પવારના કિસ્સામાં પણ EOW અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું સમાન વર્તન જોવા મળ્યું છે. તેથી આ ગંભીર બાબતની તપાસ રાજ્ય કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા પારદર્શી રીતે કરવામાં આવશે તેવું ચિત્ર નથી. તેથી હાઈકોર્ટના નિવૃત્ત જજોની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરીને આ બાબતની તપાસ થવી જોઈએ.