Get The App

સ્પેશ્યલ સ્ટેટસ અથવા વિશેષ પેકેજ આપો : નીતિશની કેન્દ્ર સમક્ષ માંગ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
સ્પેશ્યલ સ્ટેટસ અથવા વિશેષ પેકેજ આપો : નીતિશની કેન્દ્ર સમક્ષ માંગ 1 - image


- નીતિશે એનડીએમાં રહેવાના સંકેત આપ્યા

- નીતિશકુમારે ભાજપનું બેકગ્રાઉન્ડ ધરાવતા સંજય ઝાને પક્ષના નવા કાર્યકારી વડા તરીકે નીમ્યા

નવી દિલ્હી : બિહારને ખાસ રાજ્ય આપવાનો મુદ્દો ફરીથી ગરમાયો છે. જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ની રાષ્ટ્રીય કારોબારીની શનિવારે થયેલી બેઠકમાં બિહારના સીએમ નીતિશકુમારે ફરીથી કેન્દ્ર સરકાર સમક્ષ માંગ રાખી હતી કે બિહારને સ્પેશ્યલ સ્ટેટસ આપો અથવા ખાસ પેકેજ આપો. બિહારના આર્થિક વિકાસ માટે આ બંનેમાંથી એક જરુરી છે. જો કે આ વખતે નીતિશે થોડું કૂણું વલણ અપનાવ્યું છે. તેમણે સ્પેશ્યલ સ્ટેટસ પર ભાર મૂકવાની સાથે વિશેષ પેકેજનો વિકલ્પ આપ્યો છે. 

હવે નીતિશકુમાર ક્યારથી આ પ્રકારનો વિકલ્પ આપતા થઈ ગયા તેની ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં થવા લાગી છે. જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સંજય ઝાને પક્ષના કાર્યકારી વડા બનાવાયા. સંજય ઝા એવા નેતા છે જેનું બેકગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું રહ્યું છે. તેમના ભાજપના ઘણા નેતાઓ સાથે ગાઢ સંબંધોની ચર્ચા પણ થઈ રહી છે. 

આ વર્ષમાં જેડીયુ એનડીએ જોડાણમાં પરત ફર્યુ તેમાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી હોવાનું માનવામાં આવે છે. તેથી નીતિશે તેમને જેડીયુમાં બીજા નંબરની ભૂમિકા આપીને તે સ્પષ્ટ કરી દીધું છે કે તે ભાજપ સાથે કોઈપણ પ્રકારનો સંઘર્ષ ઇચ્છતા નથી. કાર્યકારી વડા બન્યા પછી સંજય ઝાએ પણ જેડીયુ એનડીએમાં રહેશે કે જશે તે અટકળો પર પૂર્ણવિરામ લગાવતા જણાવ્યું હતું કે જેડીયુ એનડીએમાં જ રહેશે. 

બીજી બાજુ બિહારને ખાસ રાજ્યના દરજ્જાની માંગ જેડીયુ લાંબા સમયથી કરી રહી છે. છ મહિના પહેલા જ્યારે નીતિશના નેતૃત્વમાં બિહારમાં મહાગઠબંધનની સરકાર હતી ત્યારે રાજ્ય કેબિનેટમાં સ્પેશ્યલ સ્ટેટસનો પ્રસ્તાવ મંજૂર કરીને કેન્દ્રને મોકલ્યો હતો. જો કે પછી નીતિશ મહાગઠબંધન છોડીને એનડીએમાં આવી ગયા હતા. હવે તેમના પર ફરીથી કેબિનેટમાં આવો જ પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રને મોકલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે તો નીતિશકુમાર પાસેથી આ માંગ પણ શનિવારે કરી હતી.

આ અંગે માનવામાં આવે છે કે નીતિશકુમારને શંકા હતી કે બિહારને સ્પેશ્યલ સ્ટેટસ એટલે કે ખાસ દરજ્જાની માંગ ભાજપ અને જેડીયુ વચ્ચે સંઘર્ષનું કારણ બની શકે છે. આ જોઈને તેમણે મોદી સરકાર સમક્ષ બે વિકલ્પ રજૂ કર્યા. જો સ્પેશ્યલ સ્ટેટસ આપી ન શકો તો બિહારને ખાસ પેકેજ આપો. તેના લીધે કેટલીય વખત બિહારને સ્પેશ્યલ સ્ટેટસ આપવાનો ઇન્કાર કરનાર મોદી સરકાર માટે પણ સરળતા રહેશે. આમ વિશેષ પેકેજ મળે છે તે જેડીયુ ખૂલીને કહી શકશે કે તેમણે કેન્દ્ર પાસેથી પોતાની માંગ મનાવી. તની સાથે બિહાર ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ બંને પક્ષ મળીને લોકોને પોતાની આ સિદ્ધિ પણ ગણાવી શકશે.


Google NewsGoogle News