સ્કૂલે જતી ધો.10ની વિદ્યાર્થીની અચાનક ઢળી પડી, હાર્ટ એટેકને કારણે મોતથી પરિવાર શોકમાં
Heart Attack Death In Telangana: હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુના કિસ્સાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેલંગાણાનો એક કિસ્સો ચોંકાવનારો છે. ધોરણ 10માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીની શ્રી નિધિનું હાર્ટએટેકના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. શ્રી નિધિ સ્કૂલે જતી વખતે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હુમલા પછી તરત જ શ્રી નિધિને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાઈ નહીં. મૃતકના પરિવારના સભ્યોનું કહેવું છે કે, 'શ્રી નિધિને છાતીમાં દુ:ખાવો થયો હતો અને તે ઢળી પડી હતી. આ ઘટના શાળાની નજીક બની હતી.'
'વિદ્યાર્થિનીને CPR આપવામાં આવ્યું હતું'
ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક શ્રી નિધિને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થિનીને CPR આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. આ પછી તેમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.' આ ઘટનાને કારણે શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાથી બધા આશ્ચર્યચકિત છે કે 16 વર્ષીય વિદ્યાર્થિનીને હાર્ટ એટેક કેવી રીતે આવ્યો.
હાર્ટ એટેકથી થતા મૃત્યુની સંખ્યામાં વધારો
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. અલીગઢના સિરૌલી ગામના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી મોહિત ચૌધરીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. વિદ્યાર્થી સ્પોર્ટ્સ ડે પર કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો અને આ દરમિયાન તે ઢળી પડ્યો હતો. જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટરોએ કહ્યું કે તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. એટલું જ નહીં, થોડા દિવસો પહેલા, અલીગઢની 8 વર્ષની દિક્ષાનું પણ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.
નિષ્ણાતો કહે છે કે છેલ્લા 2 વર્ષમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને યુવાનોમાં, હૃદયરોગના હુમલાથી થતા મૃત્યુમાં વધારો થયો છે.