ગુલામ નબી આઝાદને આતંકવાદી સગંઠનન દ્વારા મળી ધમકી
- આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટર પણ જાહેર કર્યા છે
શ્રીનગર, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર
જમ્મુ-કાશ્મીરમાં નવી પાર્ટીનું ગઠન કરી રહેલા ગુલામ નબી આઝાદને આતંકવાદી સગંઠન દ્વારા ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેના સબંધિત પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમાં આઝાદની હાલની રાજકીય ગતિવિધિઓને સુનિયોજિત બતાવવામાં આવી રહી છે. ત્યારબાદ તેમણે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય રૂપે સક્રિય થવાની વાત કહી હતી.
લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ટેરરે આઝાદને ધમકી આપી છે. મહત્વની વાત એ છે કે, આઝાદ મિશન કાશ્મીરના ભાગરૂપે રેલીઓ કાઢવા જઈ રહ્યા છે. તેમને અગાઉ પણ આવી ધમકીઓ મળી ચુકી છે. આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટર પણ જાહેર કર્યા છે.
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ગદ્દારના દિલમાં કોઈ વફાદારી નથી હોતી માત્ર વિશ્વાસપાત્ર હોવાનું ખોટું નાટક કરે છે. પોસ્ટર દ્વારા આઝાદને રાજકારણના કાચિંડો ગણાવ્યા છે. આ સાથે જ પોસ્ટર દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.
કલમ 370 પર કરી હતી વાત
આર્ટિકલ 370ની પુન:સ્થાપના પર આઝદે કહ્યું કે, તેમણે તેની સંભાવનાથી ક્યારેય ઈનકાર નથી કર્યો પરંતુ તેમની રાય હતી કે, તેમાં સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે, 'મેં એવું નથી કહ્યું કે, આર્ટિકલ 370 પુનઃસ્થાપિત કરી શકાય નહીં. કાં તો તે મોદી દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવશે જેમ કે તેમણે કૃષિ કાયદાના કિસ્સામાં કર્યું હતું કારણ કે તેમની પાસે બહુમતી છે હું તેમને અથવા તેમની કેબિનેટને તેના પર રાજી નહીં કરી શકું.
રવિવારે પણ જમ્મુમાં એક રાજકીય રેલી દરમિયાન તેમણે કહ્યું હતું કે, હું આર્ટિકલ 370ને હટાવવાને લઈને લોકોને ગેરમાર્ગે નહીં દોરીશ. આર્ટિકલ 370 હટાવવા માટે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. મેં મારા જીવનમાં કોંગ્રેસ 350-360 બેઠકો જીતતા નથી જોઈ.