વફાદારોની ઘરવાપસીની તૈયારીથી બળવાખોર કોંગ્રેસી નેતાનું વધ્યું ટેન્શન, ચૂંટણી પહેલા લાગશે ઝટકો !
Taj Mohiuddin And Abdul Majid Wani May Join Congress : જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણી યોજાય તે પહેલા પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સાથે બળવો કરી પોતાની અલગ પાર્ટી બનાવનાર ગુલામ નબી આઝાદ માટે ઝટકા સમાન અહેવાલ સામે આવ્યા છે. આઝાદના વફાદાર સાથી અને જમ્મુ-કાશ્મીરના દિગ્ગજ નેતા પૂર્વ મંત્રી તાજ મોહિઉદ્દીન અને અબ્દુલ મજીદ વાની ફરી કોંગ્રેસમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ગુલજાર વાની પણ જોડાય તેવી સંભાવના છે.
આઝાદે 2022માં બનાવી પોતાની પાર્ટી
ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) વર્ષ 2022માં ડેમોક્રેટિક પ્રોગેસિવ આઝાદ પાર્ટી (DPAP) બનાવી હતી. ત્યારબાદ લોકસભા ચૂંટણી આઝાદ માટે લિટમેસ ટેસ્ટ હતી, પરંતુ ચૂંટણીમાં તેમની પાર્ટીનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા આઝાદે સપ્ટેમ્બર 2022માં પોતાની નવી પાર્ટી બનાવી હતી. તે સમયે કોંગ્રેસના ઘણા નેતાઓએ પક્ષપલટો કરી આઝાદની પાર્ટીમાં જતા રહ્યા હતા.
લોકસભા ચૂંટણીમાં આઝાદ ફેલ
જોકે જ્યારથી આઝાદની પાર્ટી બની, ત્યારથી તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો છે. તેમણે નવી પાર્ટી બનાવી ત્યારે ઘણા નેતાઓ તેમની પાર્ટીમાં જોડાયા, પરંતુ ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી તારાચંદ અને બલવાન સિંહ જેવા ઘણા નેતાઓએ તેમની પાર્ટી છોડી દીધી અને ફરી કોંગ્રસમાં જતા રહ્યા હતા. આવી સ્થિતિમાં આઝાદની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. આઝાદે લોકસભા ચૂંટણીમાં પ્રદેશમાં સતત સક્રિય રહ્યા અને ઘણી રેલીઓ પણ કરી હતી, જોકે મતદારોને મનાવવામાં સફળ થયા ન હતા.